નવજીવન ન્યૂઝ. અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) બીજી વખત સત્તારૂઠ થયા છે. ત્યારે તેમણે પ્રજાની ફરિયાદ, અરજી સહિતની રજૂઆતો માટે મુખ્યમંત્રી કાર્યાલય(CMO)નો વૉટ્સએપ નંબર જાહેર કર્યો છે. આ વૉટ્સએપ નંબર પર લોકો પોતાની રજૂઆતો અને ફરિયાદો કરી શકે તેવી ગોઠવણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રજાની મુશ્કેલીઓ અને પ્રશ્નો તેમજ ફરિયાદોના નિકાલ માટે એક વૉટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વૉટ્સએપ નંબર સીધો મુખ્યમંત્રી કાર્યાલયનો હશે જેમાં થયેલી ફરિયાદો મુખ્યમંત્રી કાર્યાલયને મળશે. જેમાં અરજદારને વૉ્ટસએપ નંબર 7030930344 પર ફરિયાદ કે અરજી કર્યા બાદ એક ઑટો જનરેટ મેસેજ મળશે. આમ મુખ્યમંત્રી કાર્યાલય પર પોતાના પ્રશ્નોની ફરિયાદ કરવા માટે નાગરિકોને સરળતા રહેશે તેમ માનવામાં આવે છે.
મહત્વની વાત છે કે, ભૂપેન્દ્ર પટેલ અવાર-નવાર કોઈ ગામડાંની ઓચિંતી મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સમજતા જોવા મળે છે. ત્યારે પ્રશ્નો અને ફરિયાદો તેમના કાર્યાલય સુધી પહોંચાડવા પ્રજાને સરળતા રહે માટે વધુ એક પગલું લેવામાં આવ્યું છે. ત્યારે વૉટ્સએપ નંબરના માધ્યમથી થતી ફરિયાદોના નિરાકરણ નીકળે છે કે કેમ તે જોવું રહ્યું. કારણ કે, મુખ્યમંત્રી કાર્યાલય પર પહોંચતી અનેક ફરિયાદોના નિરાકરણ માટે પ્રજા રાહ જોઈને બેઠી છે. જેથી લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે, ફરિયાદ કરવાનું સહેલું કરતા સાથે જ તે ફરિયાદનું નિરાકરણ પણ તાત્કાલીક મળે તે બાબત મહત્વની છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








