પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 2002માં ગુજરાતમાં જે થયું, તેની નુકસાનની ક્યારેય ભરપાઈ થઈ શકે તેમ નથી. સત્તાપક્ષ અને વિરોધ પક્ષના આરોપ પ્રત્યારોપ પાછળ જેમણે ગુમાવ્યું છે તેમની સંવેદનાઓની કોઈ કિંમત રહેતી નથી. ગુજરાતમાં ઠેર-ઠેર હિંસા થઈ અને માણસ જાણે સેતાન બની ગયો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. ગુજરાતની બિલકિસ બાનુનો કેસ ફરી પાછો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે, પણ આ પીડા ગુજરાતની એક બિલકિસની નથી. બિલકિસનો કેસ સુપ્રીમ સુધી પહોંચ્યો, આરોપીઓને સજા થઈ. 2014માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે એક પરિપત્ર કર્યો જેમાં સ્પષ્ટ હતું કે મહિલા સંબંધી કાયદામાં જેમને સજા થઈ છે તેવા કેદીઓને આજીવન છોડવા નહીં, પરંતુ આપણે ત્યાં અદાલતના કઠેડામાં કોણ ઊભું છે તેના આધારે ન્યાયની વ્યાખ્યા બદલાતી હોય છે અને એટલે જ સુપ્રિમ કોર્ટે આપેલા નિર્દેશને આદેશ માની ગુજરાત સરકારે બિલકિસ બાનુ કેસના આરોપીઓને છોડી મૂક્યા.
20 વર્ષ પહેલા થયેલી આ ઘટના છે, એક આખી પેઢી બદલાઈ ગઈ છે. બળાત્કાર અને હત્યા જેવા ગંભીર આરોપો જેમની ઉપર થયા, તે આરોપીઓ હવે મુક્ત થઈ ગયા છે. બિલકિસનું ડરી જવું બહુ સ્વાભાવિક છે. મામલો સુપ્રીમ કોર્ટને આધીન છે, પરંતુ બિલકિસ બાનુ કેસની તપાસ કરનાર CBIએ અનેક પોલીસ અધિકારીઓની પણ ત્યારે ધરપકડ કરી હતી. જેમાં એક મુસ્લિમ અધિકારી સબ ઈન્સ્પેકટર ઇદ્રીસ સૈયદ પણ હતા. લાંબો સમય અમદાવાદ અને મુંબઈની જેલમાં તેમણે પસાર કર્યો.
આપણે ત્યાં સત્યને ચારેય બાજુથી તપાસવાની પ્રથા નથી પણ નવજીવન ન્યૂઝે એક પ્રયાસ કર્યો કે આ મામલે જેલવાસ ભોગવનાર સબ ઈન્સ્પેકટર ઈદરીશ સૈયદની જુબાની બિલકિસ બાનુ કેસની કહાની જાણવી પણ અનિવાર્ય છે. નવજીવન ન્યૂઝ સબ ઈન્સ્પેકટર ઈદરીશ સૈયદના દાવા-પ્રતિદાવાનું સમર્થન કે ખંડન પણ કરતું નથી, હવે તો ઈદરીશ સૈયદ નિવૃત્ત જીવન જીવે છે, પણ એક પોલીસ અધિકારી તરીકે તેમણે જોયેલા તોફાન, તેની આસપાસની ઘટનાનો અને તેમની જેલવાસની પીડાનો ચિતાર છે. આપણે ગમે એટલા ઉયદારમતવાદી હોઈએ છતાં બિલકિસ બાનુ સાથે દુષ્કર્મ કરનાર અને તેની બાળકી સહિત આંઠ વ્યક્તિઓને રહેંશી નાખનાર ધર્માંધ લોકો સાથે સહાનુભૂતિ હોય શકે નહીં. ધર્માંધ હિન્દુ છે કે મુસ્લિમ પણ ન્યાય ધર્મના ત્રાજવે નહીં ન્યાયના ત્રાજવે તોળવો જોઈએ. સબ ઈન્સ્પેકટર ઈદરીશ સૈયદની કહાની નવજીવન ન્યૂઝ ઉપર તમે શનિવારથી વાંચી શકશો.
![]() |
![]() |










