નવજીવન ન્યૂઝ. ભુજ: ગુજરાત ATS (Gujarat ATS) દ્વારા ભુજ BSF હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એક કર્મચારીની દેશ વિરોધી કૃત્ય માટે ધરપકડ કરવામાં આવી છે. દેશના પશ્ચિમે પાકિસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છમાં (Kucth) સીમા સુરક્ષા માટે BSFની ટુકડીઓને તૈનાત કરવામાં આવે છે. આ BSFનું હેડક્વાર્ટર ભુજમાં આવેલું છે. તેમાં વર્ગ 4નો એક કર્મચારી પાકિસ્તાનને દેશની અને સેનાની સંવેદનશીલ માહિતીઓ આપતો હતો અને તેના બદલામાં પૈસા લેતો હતો. આ અંગે ATSના પોલીસ ઈન્સ્પેકટર ડી. બી. બસિયાને બાતમી મળી હતી, જેના આધારે BSF હેડક્વાર્ટરમાં નોકરી કરતાં નિલેષ બળિયા નામના વ્યક્તિની હાલ ધરપકડ કરવામાં આવી છે.
પ્રાથમિક જાણકારી મુજબ, આરોપી છેલ્લા 5 વર્ષથી BSF બટાલિયન 59ના હેડક્વાર્ટરમાં વર્ગ 4ના કર્મચારી તરીકે ફરજ બજાવે છે. થોડા મહિના પહેલા તે અદિતિ તિવારી નામની એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો. આ મહિલા પાકિસ્તાની એજન્ટ છે. આરોપીની ધરપકડ બાદ તેણે પોલીસને જણાવ્યા અનુસાર, આ મહિલાને તેણે BSFમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની ઓળખ આપી હતી. બાદમાં મહિલાએ તેને કહ્યું હતું કે, જો તારી પાસે BSFને લગતી ખાનગી અને સંવેદનશીલ માહિતી હોય તો તું મને આપ. તેના બદલામાં તને પૈસા મળશે. બાદમાં આરોપીએ જાન્યુઆરી 2023થી જૂન 2023 સુધી BSFના કાર્યક્ષેત્રમાં આવતા બાંધકામો અને નવા બનનારા બંધકામોની જાણકારી આ મહિલાને આપી હતી.
હાલ ATSના પોલીસ ઈન્સ્પેક્ટર ડી. બી. બસિયા અને તેમની ટીમ દ્વારા નિલેષ બળિયાની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ આરોપીના ફોનની FSL દ્વારા તપાસ કરવામાં આવતા આરોપી અને પાકિસ્તાની એજન્ટ મહિલા વચ્ચે વોટ્સએપમાં થયેલી ચેટ અને કોલ મળી આવ્યા હતા. આ ઉપરાંત પાકિસ્તાનનાં એજન્ટ દ્વારા PayTM દ્વારા અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 28,800 રૂપિયા આપવામાં આવ્યા હતા. આ તમામ માહિતીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








