નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે, તે સાથે કોંગ્રેસે પોતાની પહેલી યાદી જાહેર કરતાં વિવાદનો મધપુડો છંછેડાયો છે. કોંગ્રેસે જાહેર કરેલા અનેક ઉમેદવારોને લઈને નેતાઓ અને કાર્યકર્તાઓની નારાજગી દેખાઈ છે. નારાજગી એટલી હદે પહોંચી છે કે, પોતાના જ પક્ષ સામે વિરોદ્ધ કરવા કાર્યકરો રાજીવગાંધી ભવન પહોંચી ચૂક્યા છે.
કેશોદમાં તાજેતરમાં જ સ્થાનિકને ટીકિટ આપવા બાબતેના પોસ્ટર પણ લાગ્યા હતા. ઉપરાંત જિલ્લા પ્રમુખને આવેદન પણ આપવામાં આવ્યું હતું કે આયાતી નહીં પણ સ્થાનિક ટિકિટ આપવામાં આવે. પ્રદેશ અધ્યક્ષને પણ આ બાબતે પત્ર લખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેશોદ બેઠક પર કોંગ્રેસમાંથી લગભગ હીરા જોટવાનું નામ નક્કી હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે જુનાગઢના સ્થાનિકોએ આ મોરચો માંડ્યો હોવાનું સુત્ર જણાવી રહ્યા છે.
અમદાવાદમાં આવેલી કોંગ્રેસ ઓફિસ ખાતે કેશોદ વિધાનસભા 88નાં કોંગ્રેસનાં સ્થાનિક આગેવાનો અને હોદેદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ મળે તેવી માગ સાથે કાર્યકરોએ વિરોધ કર્યો હતો. કેશોદ વિધાનસભા 88માં કુલ 14 ઉમેદવારોએ ટિકિટ લેવા માટે દાવેદારી નોંધાવી હતી. હજી સુધી કોંગ્રેસે કેશોદમાં ઉમેદવારની જાહેર કરી નથી. તેવી સ્થિતિમાં સ્થાનિક આગેવાનો અને હોદેદારો પોતાનો વિરોધ કરવા અમદાવાદ પાલડી રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા હતા.
હોદ્દેદારો રામ નંદાણીયા, પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત, નથુ કેશવાલા પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત, ડો કીર્તિ અગ્રાવત મંત્રી પ્રદેશ કોંગ્રેસ, સમીર પાંચાણી, અશ્વિન ખટારીયા, ડેલિગેટ પ્રદેશ કોંગ્રેસ, આહીર સમાજનાં યુવા મંચ પ્રમુખ રાજુભાઈ ભેડાએ નવજીવન ન્યૂઝને જણાવ્યું કે, સ્થાનિક ઉમેદવારો જીતી શકે એમ છે અમે મહેનત કરિયે છીએ અને કોંગ્રેસ સાથે લોકોને જોડવાનું કામ કરીયે છીએ આ વખતે તેમને જાણવા મળ્યું કે જે ઉમેદવાર જાહેર થાય તે બહારનો આયાતી હોઈ શકે એમ છે, વિસ્તારના રહેવાસી સ્થાનિક ઉમેદવાર ઇચ્છિ રહી છે અને અમે ઘણા સમયથી આ બાબતે પ્રદેશનાં નેતા સાથે વાત કરી છે, પણ હજી સુધી કોઈ વાત અમારી ધ્યાને લીધી તેવું અમને લાગી રહ્યું નથી. સાથે તેમણે સામુહિક રીતે ચીમકી ઉચ્ચારી છે કે, જો સ્થાનિકને ટિકિટ નહિ આપવામાં આવે તો કોંગ્રેસનાં આગેવાનો અને હોદ્દેદારો રાજીનામાં આપી દેશે અને પક્ષ વિરોધી કામ કરી કોંગ્રેસને હરાવશે.








