નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં આબકારી નીતિ ઘડવા અને તેનો અમલ કરવાના કથિત ભ્રષ્ટાચારના કેસમાં આરોપી ઉદ્યોગપતિ દિનેશ અરોરા સરકારી સાક્ષી બનવા સંમત થયા છે. દિનેશ અરોરાને સરકારી સાક્ષી બનાવવાની સીબીઆઈની અરજી પર કોર્ટ 14 નવેમ્બરે નિર્ણય કરશે. અરોરા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો પીએ હોવાને કારણે તેમની મુશ્કેલીઓ વધી શકે છે.
મળતી માહિતી મુજબ, દિલ્હીની એક કોર્ટ 14 નવેમ્બરે નિર્ણય લેશે કે CBIને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નજીકના વેપારી દિનેશ અરોરાને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં સરકારી સાક્ષી બનાવવાની મંજૂરી આપવી કે નહીં. વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલ અરોરાને કેસમાં સાક્ષી બનવાની મંજૂરી આપવાની અરજી પર દલીલો સાંભળશે. સુનાવણી દરમિયાન આરોપીએ કોર્ટને કહ્યું કે તે આ કેસમાં સ્વેચ્છાએ ખુલાસો કરવા માટે તૈયાર છે અને તેણે આ કેસમાં સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
દિનેશ અરોરાએ કોર્ટમાં કહ્યું, ‘હું આ મામલાને લગતા તમામ તથ્યો કોર્ટ સમક્ષ મુકીશ. આ કેસમાં મારી સામેના આરોપોના સંદર્ભમાં હું મારી ભૂમિકા વિશે પણ તમામ સત્ય જણાવીશ. હું તપાસમાં સહકાર આપતો રહ્યો છું અને કરતો રહીશ. મેં તપાસ અધિકારી સમક્ષ કેટલાક નિવેદનો આપ્યા છે. મેં એસીએમએમની કોર્ટમાં કબૂલાતનું નિવેદન પણ આપ્યું છે. ઓગસ્ટમાં સીબીઆઈએ દિલ્હીના દારૂ કૌભાંડમાં કેસ નોંધ્યો હતો અને આઠ લોકો સામે લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી) બહાર પાડ્યો હતો. આરોપીઓમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, તત્કાલિન આબકારી કમિશનર અર્વા ગોપી કૃષ્ણા, ડેપ્યુટી કમિશનર આનંદ તિવારી અને આસિસ્ટન્ટ કમિશનર પંકજ ભટનાગરનો સમાવેશ થાય છે.
સૌરભ ભારદ્વાજે કહ્યું, ‘તેઓ પંજાબ ચૂંટણી પહેલા કુમાર વિશ્વાસને લઈને આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલ પંજાબને અલગ દેશ બનાવીને તેના વડાપ્રધાન બનવા માંગે છે. જેના આધારે ભાજપે અરવિંદ કેજરીવાલને ખાલિસ્તાની કહ્યા. શીખ ફોર જસ્ટિસ તરફથી પત્ર લખવામાં આવ્યો, ચરણજીત સિંહએ ગૃહમંત્રીને પત્ર લખ્યો અને અમિત શાહે તપાસ કરવાનું કહ્યું. દિલ્હી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની બેંચે આ આરોપને ફગાવી દીધો હતો. આજે હું ગૃહમંત્રી અને વડાપ્રધાનને પૂછવા માંગુ છું કે તે તપાસનું શું થયું?’ ગુજરાત ચૂંટણી પહેલા કેટલાક લોકોને સામે લાવવામાં આવી રહ્યા છે, તેમને સરકારી સાક્ષી બનાવવામાં આવી રહ્યા છે. ભાજપ માત્ર ચૂંટણીમાં ફાયદો ઉઠાવવા માંગે છે.








