નવજીવન ન્યૂઝ. મહીસાગર: ગુજરાતમાં ACBએ એક જ દિવસમાં બે અલગ-અલગ જિલ્લામાં છટકુ ગોઠવીને લાંચીયા અધિકારી સામે સપાટો બાલોવ્યો છે. મહીસાગરનાં સંતરામપુરમાં પ્રાંત કચેરીમાં ઓપરેટર તેમજ મહેસાણા ખાતે CGSTના સુપ્રિટેન્ડેન્ટને ACBએ લાંચ લેતા ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે. મહીસાગરમાં જગતના તાત ગણાતા ખેડુત પાસેથી લાંચ માગવા જતાં ખેડૂતે ઓપરેટરને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
મહીસાગરમાં ઓપરેટરે ખેડુત પાસે માગી લાંચ
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ફરિયાદીને ખેડૂત ખરાઈના પ્રમાણપત્રો લેવાના હોવાથી ફરિયાદી તથા તેમના કાકા સંતરામપુરના પ્રાંત કચેરીમાં પહોંચ્યા હતા. જ્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા શૈલેશ પટેલની ઓફીસમાં જઈને મળ્યા હતા. ત્યારે શૈલેશે ફરિયાદીને જણાવ્યું હતું કે, આ કામ માટે રિઝવાન સાથે વાત કરી લેજો. જેથી ફરિયાદીએ રિઝવાન ભૂરાને ( પ્રજાજન) મળતા તેણે ફરિયાદીને જણાવ્યું હતુ કે, સાહેબ રૂ.૯૦,૦૦૦ કહેતાં હતાં પણ મેં રૂ.૭૦,૦૦૦માં નક્કી કર્યું છે, તો તમે રૂબરૂ પ્રમાણપત્ર લેવા આવો ત્યારે રૂ.૭૦,૦૦૦ લેતાં આવજો. ફરિયાદી લાંચના રૂપિયા આપવા માગતા ન હોવાથી સમગ્ર ઘટનાની જાણ ACBને કરી ફરિયાદ કરી હતી. જેથી ACBને મળેલી ફરિયાદના આધારે ટ્રેપ કરનાર અધિકારી પોલીસ ઈન્સપેક્ટર આર. બી. પ્રજાપતિ દ્વારા પ્રાંત કચેરી સંતરામપુર ખાતે આવેલા એ. ટી.વી.ટી શાખાની ઓફિસ રૂમ. નં. ૭માં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન શૈલેશને ફરિયાદી પાસેથી રૂપિયા લેતા ACBએ ઝડપી પાડ્યો હતો.
મહેસાણામાં CGST સુપ્રિટેન્ડન્ટ GST નંબર ચાલુ કરવા માગી લાંચ
મહેસાણામાં રહેતા ફરિયાદી પોતાની દુકાન માટે GST નંબર ધરાવતા હતા. જે GST નંબરને રદ્દ કરવાની નોટીસ ફરીયાદીને મળી હતી. જેથી ફરિયાદી CGSTની કચેરીએ જઇ CGST સુપ્રિટેન્ડન્ટને મળી પોતાની દુકાનનો GST નંબર ચાલુ કરવા વિનંતી કરી હતી. જેથી GST નંબર ચાલુ રાખવા ફરીયાદી પાસેથી રૂપિયા ૫૦૦૦ની લાંચની માગણી કરી હતી. રકઝકના અંતે રૂ.૪૦૦૦માં નંબર ચાલુ કરી આપવાનું નક્કી કર્યું હતું. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી ACBને જાણ કરીને ફરિયાદ આપી હતી. જેના આધારે એસીબીના ટ્રેપીંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ. ડી. ચાવડાએ CGSTની કચેરીમાં બીજા માળે લાંચનું છટકુ ગોઠવ્યું હતું. આ દરમિયાન સુપ્રિટેન્ડન્ટ ઓફ CGST રવિશંકર જોષી લાંચની રકમ રૂપિયા ૪૦૦૦ સ્વીકારતા સ્થળ પર પકડાઇ ગયો હતા.








