રવિવાર સુધીમાં દેશભરના ગ્રાહકો ૭૫થી ૮૦ ટન સોનું અને ૨૫૦ ટન ચાંદી ખરીદશે
મૂડીરોકાણના ઇરાદાથી જુઓ તો ચાંદી અને પરંપરા, લગનસરા અને ધાર્મિક રીતે વિચારો તો સોનું ખરીદવું જોઈએ
૨૦૨૭ સુધીમાં સોનાના ભાવ વધીને રૂ. ૧ લાખ અને ચાંદીના ભાવ રૂ. ૧.૨૫ લાખ થઈ શકે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ભારતમાં ખાસ કરીને મુંબઈના ઝવેરી બજારમાં ભારતીય લોકોની સોના ચાંદી પ્રત્યેની સંવેદનશીલતા ધનતેરસ, દિવાળી અને લગ્નસરાની મોસમ પૂર્વે આજે ચરમસીમાએ જોવા મળી હતી. ગ્રાહકો કે જવેલરો આજે માત્રને માત્ર સોના ચાંદીના સારાએવા ઘટી ગયેલા ભાવ અને નવી ડિઝાઇનના દાગીનાની જ ચર્ચા કરવામાં મસગુલ જોવા મળ્યા હતા. છેલ્લા એકાદ પખવાડિયામાં જે રીતે બંને કીમતી ધાતુના ભાવ ઘટયા છે તે જોતાં, એક કાચા અંદાજ મુજબ રવિવાર સુધીમાં ગ્રાહકો ૭૫થી ૮૦ ટન સોનું અને ૨૫૦થી ૩૦૦ ટન ચાંદી ખરીદશે. બુલિયન એનાલિસ્ટ ભાર્ગવ વૈદ્યને પૂછ્યું કે આ તબક્કે તમે સંવેદનશીલ ભારતીયોને શું સલાહ આપશો, તેમણે વિચકક્ષણ જવાબ આપ્યો, જો મૂડીરોકાણના ઇરાદાથી જુઓ તો ચાંદી અને પરંપરા, લગનસરા અને ધાર્મિક રીતે વિચારો તો સોનું ખરીદવું જોઈએ.
ઇંડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસીએશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતા કહે છે કે સોનાની તુલનાએ ચાંદીના ભાવ ભારત અને વિશ્વ બજારમાં વધુ વેગથી ઘટયા છે. તેથી ગોલ્ડ સિલ્વર રેશિયો આજે ૮૯ છે, અર્થાત એક ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) સોનાના ભાવથી ૮૯ ઔંસ ચાંદી ખરીદી શકાય. વર્તમાન આર્થિક સીનારિયો, વ્યાજદર વૃધ્ધિ, ડોલર સામે ઘસાતા ચલણદર અને અન્ય ફંડામેન્ટેલસનો વિચાર કરી તો આ રેશિયો અત્યાર ૬૦થી ૬૫ જેટલો હોવો જોઈએ. તેમણે આગાહી કરતાં કહ્યું કે ૨૦૨૭ સુધીમાં સોનાના ભાવ વધીને ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧ લાખ અને ચાંદીના ભાવ રૂ. કિલો દીઠ ૧.૨૫ લાખ થઈ શકે છે. પણ જો તમે રોકાણકાર હોવ તો, આજે એક કિલો ચાંદીનો ભાવ રૂ. ૫૫,૦૦૦ અને સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૫૦,૦૦૦ જોઈને કઈ ધાતુમાં રોકાણ કરવું જોઈએ તે કહેવાની જરૂર નથી.
ઉમેદમલ ત્રિલોકચંદ જ્વેલર્સના કુમાર જૈન કહે છે કે ધાર્મિકશાસ્ત્રાર્થ પ્રમાણે આ વર્ષે ૨૨ અને ૨૩ ઓકટોબર, એમ બે દિવસ ધનતેસર છે. આવો અદભુત યોગ ૧૭૮ વર્ષ પછી આવ્યો છે, જે અમારા ગ્રાહકોની આર્થિક સામાજિક અને સ્વાસ્થ્ય સમૃધ્ધિનું પ્રતિક છે, સોનાચાંદીના ભાવ નીચે છે, બે વર્ષ પછી ગ્રાહકો ફુગાવા કે તેજીમંદીની દરકાર કર્યા વગર બજારમાં આવ્યા છે, આ બે જ દિવસમાં એકલા મુંબઈ અને પરામાં ૫થી ૭ ટન સોનાનો વેપાર અપેક્ષિત છે. ચાંદીનું વેચાણ ૨૦૦ ટન અનુમાનિત છે.
દનાભાઈ જ્વેલર્સના અશોક મિનાવાલા કહે છે કે આ વર્ષે ગ્રાહકોની ખરીદીની પેટર્ન બદલાઈ છે, સામાન્ય રીતે જૂના દાગીના સામે નવું ખરીદનારની ટકાવારી ૨૦થી ૨૫ ટકા રહેતી, જે આ વખતે મહત્તમ નવી ખરીદમાં પરિવર્તિત થઈ છે. ચાંદીના સિક્કા માટેની માંગનું પ્રમાણ પણ વધ્યું છે. અમારું અનુમાન છે કે વર્તમાન તહેવારો લગનસરા અને ત્યાર પછીના દિવસોમાં જો ચાંદીના ભાવ વધુ ઘટશે તો, ચાંદી વેચાણનો આંકડો વર્ષાન્ત સુધીમાં ૨૦૦૦ ટને પહોંચી જાય તો નવાઈ નહીં ગણાય.
મેસર્સ મેઘાજી વનેચંદના અનિલ સંઘવી કહે છે કે ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ ગયો હોવાથી, વિદેશની તુલનાએ અહી ભાવ ઘટાડો ધીમો છે. આ મુદ્દાની દરકાર ભારતીય ગ્રાહકોને અત્યારે બિકલકુલ નથી. તેથીજ દિવાળી તહેવારોમાં વધેલી ઘરાકીને લીધે, વિદેશી ભાવ સામે સ્થાનિક સ્પોટ ભાવમાં, પડતર કિમત કરતાં પ્રતિ ઔંસ ૧થી ૧.૫ ડોલરનું પ્રીમિયમ બોલાય છે. તેમણે કહ્યું કે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ અત્યારે ચરમસીમાએ છે, એ જોતાં ગતવર્ષની તુલનાએ આ વર્ષે સોનાની ઘરાકી ૨૫થી ૩૦ ટકા વધુ રહેવાની.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રાદેશિક સીઇઓ સોમસુંદર પી આર કહે છે કે સોના ચાંદીને ફુગાવાના હેજ (રક્ષણ) તરીકે ગણવામાં આવે છે, આ સ્થિતિમાં જો આગામી દિવસોમાં જાગતિક ભાવ વધુ ઘટશે તો ભારતમાં સોનાં ચાંદીની લેવાલીનો રાફડો ફાટશે. આમ પણ અત્યારે અન્ય બજારોમાં મૂડીરોકાણ પર વાજબી વળતર ઓછું મળતું હોવાથી રોકાણકારો યોગ્ય નિર્ણય લઈ રહ્યા છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








