કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) અનેક નિવેદનો એવાં આપ્યા જેનો કોઈ આધાર, અર્થ કે તર્ક નહોતા. અંતિમ તબક્કાની ચૂંટણી પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે ફરી એક આવું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં તેમણે ગાંધીજી (Mahatma Gandhi) વિશે કહ્યું કે, ગાંધીજીની વિશ્વસ્તરે ઓળખ થઈ તે ‘ગાંધી’ ફિલ્મ આવ્યા બાદ. એ પહેલાં વિશ્વમાં ગાંધીજીને કોઈ ઓળખ મળી નહોતી. આમ તો ગાંધીજીને વિશ્વમાં મળેલી પ્રતિષ્ઠા અને ઓળખને અહીં બયાન કરવાની જરૂર નથી, પરંતુ જ્યારે વડા પ્રધાન ખુદ આ રીતનું જૂઠ્ઠાણું ચલાવે તો તે અંગે તથ્યો સામે મૂકવા જોઈએ. મોહનદાસ કરમચંદ ગાંધીની વિશ્વ સ્તરે ઓળખ પ્રસ્થાપિત તો તેઓ 1915માં ભારતમાં આવ્યા તે પહેલાં જ થઈ ચૂકી હતી. દક્ષિણ આફ્રિકામાં તેઓ બે દાયકા સુધી રહ્યા. 1893માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા અને 1914 સુધી ત્યાં રહ્યા. આ દરમિયાન તેમણે હિંદીઓ સાથે થઈ રહેલા અન્યાય સામે લડત ચલાવી અને આ લડતમાં હિંદીઓને ન્યાય અપાવી શક્યા.
દક્ષિણ આફ્રિકા દરમિયાન ગાંધીજીનું પ્રથમ જીવન ચરિત્ર લખાઈ ચૂક્યું હતું અને આ લખનારાં દક્ષિણ આફ્રિકાના જાણીતા પાદરી જોસેફ ડોક હતા. 22 પ્રકરણમાં ગાંધીજીનું જીવન આલેખી રહેલા જોસેફ ડોક ગાંધીજીના પ્રારંભના જીવનની અનેક વાતો ટાંકી છે. ગાંધીજીની તે વખતે ઉંમર ચાળીસની આસપાસ હતી. આ દરમિયાન તેમનો પત્રવ્યવહાર જગવિખ્યાત સાહિત્યકાર લિયો ટોલ્સ્ટોય સાથે થયો હતો. જીવનમાં આ બંને મહાનુભાવો રૂબરૂ મળ્યા ન હોવા છતાં તેમની વચ્ચે પત્રવ્યવહાર દ્વારા સહજતાથી આત્મિયતા કેળવાઈ હતી. ગાંધીજીની ઓળખ તત્કાલિન વિશ્વના અગ્રગણ્ય બૌદ્ધિકો, રાજકીય નેતાઓ અને કર્મશીલોમાં વ્યાપક રીતે પ્રસરી હતી. 1909ના અરસામાં તેમણે ‘હિંદ સ્વરાજ’ નામનું પુસ્તક લખ્યું. ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતી વેળાએ તેમણે આ પુસ્તક જહાજની મુસાફરી દરમિયાન લખ્યું હતું. આ નાનકડાં પુસ્તકે તે સમયે ખૂબ ચર્ચા જગાવી. 1938માં આ પુસ્તક વિશે જાણીતા મેગેઝિન ‘આર્યનપાથ’ દ્વારા એક વિશેષાંક પ્રકાશિત થયો હતો અને તેમાં તત્કાલિન વિશ્વના અગ્રગણ્ય બૌદ્ધિકોએ ગાંધીજીના ‘હિંદ સ્વરાજ’ પુસ્તકમાં રજૂ થયેલાં વિચારો અંગે છણાવટ કરી હતી. જો તે સમયે ગાંધીજીનું નામ માત્ર ભારત પૂરતું સીમિત હોત, તો જી. ડી. એચ. કોલ, ડેલિસલ બર્ન્સ, જોહન મેરી, જે. ડી. બોર્સફોર્ડે જેવાં બૌદ્ધિકો તે વિશે લખ્યું જ ન હોત. આ પુસ્તકમાં ગાંધીજીએ માણસના અવેજમાં મૂકાતા યંત્રોનો વિરોધ કર્યો. તેમણે તાર-ટપાલ અને રેલવેનો પણ વિરોધ દર્શાવ્યો છે. ગાંધીજીના આ વિચારોને તત્કાલિન બૌદ્ધિકોએ તપાસ્યા છે અને તે અંગે વિસ્તૃત ટિપ્પણી કરી છે.
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા ત્યારે તેઓ એક સફળ આગેવાન તરીકે ભારત આવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ સામેના અન્યાયની લડતને સફળતાપૂર્વક પાર પાડી હતી, જેથી દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને અન્યાયી કાયદા સામે રાહત મળી હતી. ભારત આવ્યા બાદ પણ તેમનું જીવન ચર્ચામાં રહ્યું અને વિશ્વભરમાં તેમનાં એકેએક પગલાંની નોંધ લેવાતી. ભારતમાં અનેક સત્યાગ્રહોની તેઓ આગેવાની લે છે. 1922માં તેમના પર થયેલા રાજદ્રોહ માટે થયેલી છ વર્ષની જેલની સજાની નોંધ દુનિયાભરમાં લેવાઈ હતી. ગાંધીજીના અનન્ય લડતની નોંધ લેનારાઓમાં યુરોપના જાણીતાં લેખક રોમાં રોલા પણ હતા. રોમાં રોલાએ 1924ના અરસામાં ગાંધીજી પર પુસ્તક લખ્યું હતું. બ્રાઝિલની લેખિકા મારિયા મોરાએ પણ ગાંધીજીના શાંતિ પ્રયોગ વિશે તે સમયે લખ્યું હતું. સ્વાભાવિક છે કે આ દરમિયાન ગાંધીજીનું મુખ્યત્વે કાર્યક્ષેત્ર ભારત રહ્યું અને અહિંયા તેમણે અંગ્રેજો સામેની લડત સાથે રચનાત્મક કાર્યો પણ કર્યા. 1930માં તેમણે આરંભેલી દાંડી કૂચ વખતે તેમનો ડંકો પૂરા વિશ્વમાં વાગ્યો. 1930માં અમેરિકાથી પ્રકાશિત થતાં જગવિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિન તેમને એ વર્ષે ‘મેન ઑફ ધ યર’ જાહેર કર્યા હતા. સપ્ટેમ્બર 1931માં આંતરરાષ્ટ્રિય ખ્યાતિ પ્રાપ્ત અખબાર ‘ધ બર્લિન્ગ્ટન હોકઆઇ’એ ગાંધીજીની તસવીર સાથે મથાળે લખ્યું હતું: ‘મોસ્ટ ટોક્ડ અબાઉટ મેન ઇન ધ વર્લ્ડ.’
1931ના અરસામાં દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના સાથી રહેલા ગ્રેહામ પોલાકના સહધર્મચારીણી મિલિ પોલાકે પણ ગાંધીજીના જીવન પર ‘મિ. ગાંધી : ધ મૅન’ નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તક તે પછી ‘સંતના સંસ્મરણો’ના નામે ગુજરાતીમાં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં મિલિ પોલાક લખે છે : ‘કેટલાક અમેરિકન મિત્રો સાથે મહાત્માજી સંબંધી વાત થતાં, મારાં સ્મરણો છપાવવાની મને ફરીથી વિનંતી કરવામાં આવી. જે વ્યક્તિ મારે મન પહેલાં, મહાત્મા, સંત કે ચાણક્ય બુદ્ધિ રાજનીતિજ્ઞ નહોતી. પરંતુ મહાન પ્રેમાળ મનુષ્ય – તેણે મારા પ્રતિ તથા મારા પતિ પ્રત્યે જાતિ, વર્ણ અને સમયાતીત પ્રેમ દર્શાવ્યો હતો.’ આ પુસ્તકમાં અમેરિકાના શાંતિવાદી રેવ. જે. હોમ્સનું ગાંધીજી વિશેનું નિવેદન છે. નિવેદન આ પ્રમાણે છે : ‘ગાંધીનો વિચાર આવતાં જ મારા મનઃચક્ષુ સમીપ મૂર્તિમંત ઇસુખ્રિસ્ત ઊભા રહે છે. એમનામાં ખ્રિસ્તની જીવનયાત્રાની પુનરાવૃત્તિ દૃષ્ટિગોચર લાગે છે. ખ્રિસ્તના શબ્દ પુનઃ ગાંધીના મુખ દ્વારા આબેહૂબ સંભળાવા લાગે છે. ખ્રિસ્તની માફક જ ગાંધી દેહદંડ ભોગવે છે. મનુષ્યજાતિ ઉન્નતિ પંથે ચઢે તે માટે ખ્રિસ્ત પ્રમાણે જ તે સ્વજીવનને પીલી રહ્યા છે.’ ગાંધીજીને અહીંયા ઇશુ ખ્રિસ્ત સાથે સરખાવવાનો ઉપક્રમ નથી, પરંતુ અમેરિકા અને યુરોપના અનેક પાદરી અને શાંતિવાદીઓ ગાંધીજીના જીવનને આ રીતે જોતા હતા.
ગાંધીજીના જીવનથી પ્રેરીત થઈને ઇંગ્લેન્ડની નૌકાદળના અમલદારના દીકરી મેડલિન સ્લેડ 1925ના અરસામાં ભારત આવ્યા. અહીંયા તેઓ ગાંધીજીના વિચાર અનુસાર જીવન જીવ્યાં. તેમને ભારતમાં નામ મળ્યું મીરાંબહેન. આજીવન તેઓ સાધિકાની જેમ રહ્યા. આ તમામ વિગતો જ્યારે તપાસીએ ત્યારે કોણ કહી શકે કે ગાંધીજીની ખ્યાતિ વિશ્વભરમાં નહોતી પ્રસરી? 1930માં ગાંધીજી જીવનના છ દાયકા વીતાવી ચૂક્યા હતા ત્યારે તેમને દુનિયાભરમાંથી રાજકીય આગેવાનો અને કર્મશીલ મળવા આવતા અને તેમની પાસેથી માર્ગદર્શન મેળવતાં. 1930માં તેમને સોમાલિયાથી રાજકીય આગેવાન ફરાહ ઓમર મળવા આવ્યા હતા. તેઓ ગાંધીજીને મળ્યા હતા અને તેમની અહિંસક લડતની પદ્ધતિથી ખાસ્સા પ્રભાવિત થયા હતા.
ગાંધીજી વિશે મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇનસ્ટાઇને 1939માં કહ્યું હતું કે – આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે હાડમાંસનો બનેલો ગાંધી જેવો માણસ આપણી વચ્ચે જન્મ્યો હતો. અમેરિકામાં અશ્વેતોના હક માટે ચળવળ ચલાવનારા માર્ટિન લ્યૂથર કિંગ ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત હોવાનું અનેક વખત કહી ચૂક્યા હતા. અમેરિકન ઇતિહાસકાર સ્ટેનલી વોલપાર્ટે તો ગાંધીજીને બુદ્ધ પછીના સૌથી મહાન ભારતીય ગણ્યા હતા. ફિલ્મના દિગ્દર્શક એટનબરોએ જે પુસ્તકથી પ્રભાવિત થઈને ગાંધીજી વિશે ‘ગાંધી’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું એ પુસ્તક વિદેશી પત્રકાર લૂઈ ફિશરે લખ્યું હતું. આ માટે તેઓ ગાંધીજી સાથે પૂરું એક અઠવાડીયું રહ્યાં હતા! જો ગાંધીજીને કોઈ ઓળખતું ન હોય તો શા માટે અમેરીકાનો દિગ્ગજ પત્રકાર ગાંધીજી સાથે રહે અને તેમની પર પછી વિગતવાર પુસ્તક લખે?
એટનબરોની ગાંધી ફિલ્મ તો છેક 1982માં રીલીઝ થઈ, પરંતુ એ પહેલાં 1953માં ગાંધીજીના જીવન પર અમેરિકામાં ‘મહાત્મા ગાંધીઃ ટ્વેન્ટીએથ સેન્ચ્યુરી પ્રોફેટ’ નામે ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટ્રી અમેરિકાની અતિ ખ્યાતનામ કંપની ‘યુનાઇટેડ આર્ટીસ્ટ’ દ્વારા બનાવવામાં આવી હતી અને તેમાં મહાત્મા ગાંધીના જીવન અને વિચારોને બહુ વિગતે રજૂ કરવામાં આવ્યાં હતા. 1968માં ભારતમાં પણ ગાંધીજી જીવન પર વિઠ્ઠલભાઈ ઝવેરીએ એક ડોક્યુમેન્ટરી બનાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો વિશ્વભરમાં પ્રવાસ કરવા માટે જાણીતા છે. તેઓ સત્તા પર આવ્યા ત્યારથી વિશ્વના અલગ અલગ દેશોમાં પ્રવાસ કરતા રહ્યા છે. તો વિશ્વ પ્રવાસી કહેવાતા આપણા વડાપ્રધાનના ધ્યાનમાં એ પણ વાત નહીં આવી હોય કે જે – જે દેશોમાં તેઓ પ્રવાસ કરી ચૂક્યા છે એમાંના મોટાભાગના દેશોએ ગાંધીજીના સ્ટેચ્યૂ તેમના દેશમાં મૂક્યા છે અને તેમના નામે મેમોરીયલ બનાવ્યાં છે! અમેરિકાના કેલેફોર્નિયા ખાતે 1950માં ગાંધી વર્લ્ડ પીસ મેમોરીઅલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 1969માં મહાત્મા ગાંધીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે 1969માં બેલ્જીયમ ખાતે પણ ગાંધીજીનું સ્ટેચ્યુ સ્થાપિત કરવામાં આવ્યું હતું.
દુનિયાના સૌથી જાણીતા નોબલ એવોર્ડ ગાંધીજીને આપવા અંગે પાંચ-પાંચ વાર વિચારણા થઈ હતી અને આ પુરસ્કાર ગાંધીજીને આપી નહોતો શકાયો એ માટે ખુદ નોબલ કમિટિ પણ અનેક વખત અફસોસ વ્યક્ત કરી ચૂકી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને અશ્વેતો માટે લડનારા નેલ્સન મંડેલાએ પણ પોતે ગાંધીજીથી પ્રભાવિત હોવાની વાત ગૌરવભેર સ્વીકારી હતી. આ પરથી તો એમ લાગે છે કે વિશ્વ તો ગાંધીજીને જાણતું જ હતું, પરંતુ કદાચ આપણા વડાપ્રધાન ગાંધીજીને એટનબરોની ફિલ્મ જોયા પછી જ જાણતા થયા હશે!
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796