‘ફ્રિડમ એડ મિડનાઇટ’ કથાવસ્તુ અને વાસ્તવિકતામાં કેટલું અંતર છે?
કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘ફ્રિડમ એટ મિડનાઇટ’નો (Freedom at Midnight) ગુજરાતી ભાષામાં થયેલો અનુવાદ ‘અર્ધી રાતે આઝાદી’ વાચકવર્ગમાં ખાસ્સો લોકપ્રિય છે. જાણીતા નવલકથાકાર અશ્વિની ભટ્ટ (Ashwini Bhatt) દ્વારા આ પુસ્તકનો અનુવાદ થયો હતો. મૂળે આ પુસ્તક અંગ્રેજીમાં 1975માં પ્રકાશિત થયું હતું અને તે વાતને પચાસ વર્ષ થવા જઈ રહ્યા છે. અશ્વિની ભટ્ટ અનુવાદીત ‘અર્ધી રાતે આઝાદી’ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયું હતું, પરંતુ તે અનુવાદ ઉપલબ્ધ નથી. અગાઉના નામે અનુવાદીત થઈને હાલમાં ઉપલબ્ધ છે; તે પુસ્તકનો અનુવાદ ચિરાગ ઠક્કર દ્વારા થયો છે. પુસ્તકના મથાળાની જોડણીમાં થોડો ફેરફાર પ્રકાશકે કર્યો છે, જેમાં અગાઉ ‘અર્ધી’ હતું તે હવે ‘અડધી’ કર્યું છે. ‘ફ્રિડમ એટ મિડનાઇટ’માં હિંદુસ્તાનના ભાગલા, ભારત-પાકિસ્તાન દેશ તરીકે જન્મ, રજવાડાંઓનું વિલિનીકરણ અને તે દરમિયાન થયેલી હિંસા ઉપરાંત પણ અનેક રસપ્રદ બાબતોને આવરી લે છે. ‘ફ્રિડમ એટ મિડનાઇટ’ના મૂળ લેખક લેરી કોલન્સ અને ડોમિનિક લાપિયર છે. લેરી કોલન્સ અમેરિકાના હતા અને ડોમિનિક ફ્રાન્સના. આ બંને લેખકોએ મળીને આ પુસ્તક લખ્યું છે. પુસ્તક રસપ્રદ ઘટનાઓને આલેખે છે અને તેની રજૂઆત પણ સારી હોવાથી તેનો અનુવાદ હિંદી સહિત દેશની અનેક સ્થાનિક ભાષા સુધ્ધામાં પણ થયો. આ પુસ્તકની હકીકતોને ઘણે અંશે સાચી માની લેવામાં આવી. પરંતુ આજે પુસ્તકમાં લખાયેલા ઇતિહાસને ફરી ચકાસીએ તો ખ્યાલ આવે કે પુસ્તકમાં અનેક બાબતો એ રીતે ઉપસાવી કાઢવામાં આવી છે, જે તથ્યોથી ખાસ્સી વેગળી હોય.
‘ફ્રિડમ એટ મિડનાઇટ’ પુસ્તકના તથ્યોને ચકાસવી અને તેમાં રહી ગયેલી ક્ષતિઓ તર્ક-દલીલ અને સંદર્ભો સાથે પુનઃ મૂકી આપવી તે પડકારભર્યું હતું. પણ તે પડકાર બીજા એક પુસ્તકને તૈયાર કરતા ઝીલાયો, તે પુસ્તક એટલે ‘સરદાર પટેલ- પસંદ કરેલો પત્રવ્યવહાર-1945-1950’. બે ભાગમાં થયેલા આ ગ્રંથો મૂળે દુર્ગાદાસ દ્વારા સંપાદિત ‘સરદાર પટેલ્સ કૉરસ્પૉન્ડન્સ’ શ્રેણીના દસ ગ્રંથોમાંથી તૈયાર થયા છે. ‘સરદાર પટેલ્સ કૉરસ્પૉન્ડન્સ’ શ્રેણીના દસ ગ્રંથોને સારો એવો આવકાર મળ્યો, તેથી આ ગ્રંથોમાંથી પસંદગીના પત્રોને સરદાર પટેલના મંત્રી રહી ચૂકેલા શંકરે બે ગ્રંથોમાં સંપાદિત કર્યા. તે પછી આ બે ગ્રંથોનો ગુજરાતી અનુવાદ નગીનદાસ સંઘવી અને દીપક મહેતાએ કર્યો છે. 1945થી 1950ના ગાળામાં દેશ અતિશય નાજુક પરિસ્થિતિમાંથી પસાર થયો હતો અને તે ગાળા દરમિયાન સરદાર પટેલના પત્રોમાં અનેક વિષયોની ચર્ચા થઈ છે; તેમાં વિભાજન, સુરક્ષા, બંધારણ, નિરાશ્રીતો જેવાં અનેક વિષય સમાવિષ્ટ છે. આ ચર્ચાને અનુવાદકો બખૂબી રીતે ગુજરાતી ભાષામાં લઈ આવ્યા છે. આ પુસ્તકના આરંભે ‘તાજા કલમ’ કરીને ‘ફ્રિડમ એટ મિડનાઇટ’ પુસ્તકને અનુલક્ષીને લાંબી નોંધ મૂકવામાં આવી છે. આ નોંધ મૂળે અંગ્રેજીમાં લખનારા પુસ્તકના સંપાદક વી. શંકર છે. તેઓ લખે છે કે, ‘લેરી કલિન્સ અને ડોમિનિક લાપિયરનું લખેલું ‘ફ્રિડમ એટ મિડનાઇટ’ એની અત્યંત સરસ શૈલી અને સુંદર પ્રકાશનનું યુરોપમાં- ખાસ કરીને ફ્રાન્સ અને સ્પેનમાં વિશાળ વેચાણ થયું છે. ગ્રેટ બ્રિટન અને અમેરિકામાં પણ એનું સારું વેચાણ થયું છે. ભારતમાં પણ આ પુસ્તકને અને તેમાં આવતા વિવિધ પ્રસંગોને સારા પ્રમાણમાં પ્રસિદ્ધિ આપવામાં આવી છે. ખાસ કરીને એના સહલેખક ડોમિનિક લાપિયરે એને વધારે પ્રસિદ્ધિ આપી છે. વિવિધ પદ્ધતિઓ દ્વારા લાપિયર આ પુસ્તકમાં કહેવાયેલા પ્રસંગોમાં -મુખ્યત્વે સત્તાપલટા સાથે, 1947માં કોમી તોફાનો સાથે, દેશી રાજ્યોના જોડાણ સાથે અને ગાંધીજીની હત્યા સાથે સંકળાયેલા પ્રસંગોમાં – લોકોનો જિજ્ઞાસાપૂર્ણ રસ જાગ્રત કરવામાં સફળ થયા છે. બનાવોને નાટ્યાત્મક રૂપ આપવાની સુપરિચિત પદ્ધતિ અપનાવીને આ પુસ્તક ‘બેસ્ટ સેલર’ બન્યું છે. વારંવાર એવો દાવો કરવામાં આવ્યો છે કે આ પુસ્તક જે સમય વિશેનું છે તે સમયનો ઇતિહાસ રજૂ કરવાનો એનો પ્રયત્ન છે. પુસ્તક પૂરું કરવા માટે વિસ્તૃત અને પરિશ્રમયુક્ત સંશોધન કરવું પડ્યું છે. લાપિયરે કહ્યું છે તે પ્રમાણે આ પુસ્તક ઇતિહાસને અપાયેલી એક પ્રમાણભૂત અંજલિ છે. પણ આટલો પરિશ્રમ કરેલો હોવા છતાં અને આટલું સંશોધન કરેલું હોવા છતાં આ પુસ્તક ચોક્સાઈના અભાવથી અને હકીકતો કરતાં જુદી જ રજૂઆતોથી ઊભરાય છે. આને લીધે આ પુસ્તકનું ઐતિહાસિક સ્વરૂપ ખંડિત થાય છે. બનાવોમાં સંડોવાયેલી વ્યક્તિઓની રજૂઆત સાચી ઐતિહાસિક ભાવનાથી અથવા સંગીન ઐતિહાસિક અભિગમથી કરવામાં આવેલી જણાતી નથી. ખરેખર તો, ભારતની આઝાદી પૂર્વેના બનાવોના વૃત્તાંતમાં આ પુસ્તકના લેખકોએ તે સમયની પરિસ્થિતિની પાયાની હકીકતોનું, જે બનાવોને લીધે ભારતનું વિભાજન અનિવાર્ય બન્યું તે બનાવોના અર્થઘટનનું, અને 1946 અને 1947ના બનાવોમાં પક્ષો અને વ્યક્તિઓની ભૂમિકા અને જવાબદારીનું ઊંડું અને આશ્ચર્યજનક અજ્ઞાન અથવા એને અંગેની સમજદારીનો અભાવ દાખવ્યાં છે.’
આવું લખનારા સરદાર પટેલના અંગત મંત્રી વી. શંકર હોય ત્યારે તે વધુ ધ્યાન દઈને વાંચવું જોઈએ, કારણ કે ‘ફ્રિડમ એટ મિડનાઇટ’માં જે બનાવો-ઘટના-વ્યક્તિઓની ચર્ચા થઈ છે, તેમાં સરદારની ભૂમિકા ક્યાંકને ક્યાંક આવે છે. વી. શંકર આગળ પુસ્તકમાં તથ્યો સાથે ક્યાં બાંધછોડ થઈ છે તે વિશે લખે છે : “એક પ્રસંગે લેખકોએ[લેરી કોલન્સ અને ડોમિનિક લાપિયર] વધુ પડતું નાટકીય રૂપ આપ્યું છે. સરદારે એક ફાઈલમાં નોંધ લખેલી અને માઉન્ટબેટને એ નોંધ સામે વાંધો લઈ એ પાછી ખેંચવાનો આગ્રહ રાખેલો એને લગતો આ બનાવ હતો. અમે જાણીએ છીએ ત્યાં સુધી આ પ્રસંગે ગુસ્સાનો કે હઠનો કોઈ બનાવ બન્યો જ ન હતો. ગવર્નર-જનરલ માઉન્ટબેટને જ્યારે સરદારને કહ્યું કે મને આ નોંધ મારી ઉપર અંગત ટીકારૂપ લાગે છે ત્યારે સરદાર પોતાની ઉદાર મનોવૃત્તિ પ્રમાણે જરા પણ જીદ કર્યા વિના એ પાછી ખેંચી લેવા સંમત થયા. સરદાર એવા માણસ હતા જે પોતાનું મન બરાબર જાણતા. તેઓ દેશની સમક્ષ અને કૉંગ્રેસની સમક્ષ પડેલી મહત્ત્વની સમસ્યાઓ પર જ ધ્યાન એકાગ્ર કરતા. નજીવી બાબતો અંગે તેઓ કદી મુશ્કેલીઓ ઊભી કરતા નહીં. કંઈ નહીં તોયે આ લેખકોએ આપેલો વૃત્તાંત અને ખાસ કરીને કેટલીક જગ્યાએ વાપરેલી ભાષા, એની ચોક્સાઈ વિશે શંકા પ્રેરે છે.”
‘ફ્રિડમ એટ મિડનાઇટ’ની પ્રસિદ્ધિના કારણે ઘણી ઘટનાઓથી લોકો પરિચિત થયા, પણ તેની મર્યાદાઓ પણ લોકોએ જસની તસ ગ્રહણ કરી. આગળ આવી એક બાબતનો સદંતર છેદ વી. શંકર ઉડાડતાં લખે છે : “આ પુસ્તક ભારતીય નેતાઓને ભોગે – ખાસ કરીને સરદારને ભોગે – માઉન્ટબેટનને ચડાવવાનો ગેરવાજબી પ્રયત્ન કરે છે તે ભારતનાં દેશી રાજ્યોના જોડાણનું ચિત્ર દોરવાની બાબત છે. લોકોને સનસનાટી પૂરી પાડતું કોઈ પણ પુસ્તક ભારતનાં દેશી રાજ્યના શાસકો વિશે પ્રચલિત થયેલી દંતકથાઓ જ્યાં ત્યાંથી ઉપાડીને એમનાં જીવન અને કાર્યોનું આંખને આંજી દે તેવું ચિત્ર રજૂ કર્યા સિવાય રહી શકે જ નહીં. ભારતમાં અને ભારતની બહાર જેમને વિશે બિનસત્તાવાર વાર્તાઓ અને દંતકથાઓ પ્રસરી હતી એ રાજવીઓનાં અત્યુક્તિભર્યા ચિત્રો દરોવાનું પ્રલોભન ઘણા લેખકો માટે દુર્નિવાર નીવડ્યું છે. તેમની ધારી લીધેલી જાતીય લીલાઓની અને તરંગી વર્તણૂકની કથાઓએ કેટલાંયે પુસ્તકોનું ધૂમ વેચાણ કરાવી દીધું છે…. ‘રાજમહેલો અને વાઘ, હાથી અને ઝવેરાત’ પરના પ્રકરણ વિશે વિગતમાં ઊતરવાની જરૂર નથી. રાજાઓના બયાનમાં જે ચીવટનો અભાવ છે તે ઓરિસાના મહારાજા અંગેના ઉલ્લેખમમાંથી સ્પષ્ટ થઈ જાય છે. એમાં કહેવાયું છે : ‘ઓરિસાનું સિંહાસન એટલે એક મોટો પલંગ. એમણે એ લંડનના કોઈ પ્રાચીન વસ્તુ વેચનારા પાસેથી ખરીદેલો અને તેમાં જોઈતાં રત્નો જડાવેલાં. એનું ખાસ આકર્ષણ એ હકીકતમાંથી નિર્માણ થયેલું કે એ રાણી વિક્ટોરિયાના પલંગની આબેહૂબ નકલ હતી. ઓરિસાના મહારાજાને એક ટોળાએ મહેલમાં ઘેરી લીધા હતા અને મહારાજા જોડાણખત પર સહી ન કરે ત્યાં સુધી એમને બહાર નીકળવા દેવાનો ઇન્કાર કર્યો હતો’” આ અંગે વી. શંકર નોંધે છે કે, “હકીકત એ છે કે ઓરિસા નામનું કોઈ દેશી રાજ્ય હતું જ નહીં પછી એ રાજ્યના મહારાજા તો હોય જ ક્યાંથી? ઓરિસા તો 1937ના એપ્રિલથી બ્રિટિશ ઇન્ડિયાનો એક પ્રાંત હતો, 1946 સુધી ત્યાં બ્રિટિશ ગવર્નરનું શાસન ચાલતું અને 1946માં એક ભારતીય વ્યક્તિને ત્યાં ગવર્નર નીમવામાં આવી. અત્યારે એ ભારતીય સંઘનું એક રાજ્ય છે.” એ ઉપરાંત વડોદરાના એક મહારાજાની વાત પણ કાલ્પનિક છે. વી. શંકર મુજબ વાત એમ કહેવાઈ છે કે, “મહારાજાએ બ્રિટિશ રેસિડન્ટના ભોજનમાં હીરાની રજ સરકાવી દઈને એને ઝેર આપવાનો પ્રયત્ન કરેલો અને એ માટે મહારાજા ગુનેગાર ઠરેલા. હવે હકીકત એ છે કે રેસિડન્ટને ઝેર આપવાનો પ્રયત્ન થયેલો એ બનાવ 1874માં બન્યો હતો. રેસિડન્ટના બે નોકરોએ કબૂલાત કરેલી કે મહારાજાએ અમને આ કામ કરવા લાંચ આપેલી. ગવર્નર નજરલે આમાં મહારાજ કેટલા ગુનેગાર છે તેની તપાસ કરવા છ માણસોનું કમિશન નીમેલું. ત્રણ જણાને લાગ્યું કે ગુનો પુરવાર થાય છે પણ બીજા ત્રણને લાગ્યું કે ગુનો પુરવાન નથી થતો. ભારત સરકારે મહારાજાને ખૂનની કોશિશના આરોપમાંથી મુક્ત કર્યા.” આવી અનેક વિસંગતાઓ વી. શંકરે ‘ફ્રિડમ એટ મિડનાઇટ’ વિશે આપી છે; પણ ઇતિહાસને લગતા આ તથ્યો બહાર આવતાં સુધીમાં તો અનેક આવી રજૂઆતો લોકો સુધી પહોંચી ચૂકી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796