Wednesday, July 1, 2026
HomeGeneralતે કાકાનો હનુમાન હતોઃ કાકા ઉઠે તે પહેલા બંગલે હાજર સુઈ જાય...

તે કાકાનો હનુમાન હતોઃ કાકા ઉઠે તે પહેલા બંગલે હાજર સુઈ જાય પછી બંગલો છોડવાનો

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): આપણે ત્યાં મોટા માણસની વાતો ખુબ લખાય છે અને તેની ચર્ચા પણ થાય છે, પરંતુ દરેક મોટા માણસને મોટો બનાવવામાં અને તેમને મોટા રાખવા માટે એક સામાન્ય માણસ હોય છે, જે તેની નોંધ ભાગ્યે જ લેવાય છે, આવુ જ એક નામ છે શેતલ પંડયા (Shetal Pandya), મુળ કલોલલની વતની, નાનપણથી રાષ્ટ્રીય સેવક સંઘ સાથે લગાવ જેના કારણે વિવિધ પ્રસંગે કેશુભાઈ પટેલ (Keshubhai Patel) અને નરેન્દ્ર મોદી (Narendra Modi) સહિતના નેતાઓને મળવાનું થતુ, શેતલના ઘરની સ્થિતિ સામાન્ય, 1995માં ભાજપની પહેલી વખત સરકાર બની, મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલ આવ્યા, તેમના અંગત સ્ટાફ લેવાનો હતો, નરેન્દ્ર મોદીના ધ્યાનમાં આવ્યુ કે શેતલને નોકરીની જરૂર છે તેમણે શેતલ પંડયા(Shetal Pandya)ને કેશુભાઈ પટેલના અંગત સ્ટાફમાં કલાર્ક તરીકે નિયુકતી કરી, મુખ્યમંત્રી સાથે એકસો કરતા વધુનો સ્ટાફ હોય છે પણ કોણ જાણે કેશુભાઈ પટેલને શેતલનું કામ જચી ગયુ, કેશુભાઈ પટેલની નાની નાની બાબત શેતલના ધ્યાનમાં હોય, તેમની આંખ ફરે અને શેતલ તેમના મનને કળી જતો.શેતલ પંડયા 1995થી 2021 સુધી કાકાના નિધન સુધી તેમનો અંગત સહાયક રહ્યો.



કલાર્ક તરીકે જોડાયેલા શેતલને હવે કેશુભાઈ પટેલના અંગત સહાયક તરીકે મુકવામાં આવ્યો, અને શેતલ કેશુભાઈના જીવનનું અભીન્ન અંગ બની ગયો, તે તમામ સ્થળે કેશુભાઈના પડછાયાની જેમ જોવા મળે છે, થોડીક ક્ષણ માટે પણ જો શેતલ પોતાની દુર થાય તો તે કેશુભાઈ પટેલને પણ પસંદ ન્હોતુ કદાચ પરિવારના કોઈ એક સભ્ય કરતા પણ વધુ શેતલ કેશુભાઈને સમજવા લાગ્યો હતો, કેશુભાઈ પટેલને નજીકના લોકો કાકા કહી સંબોધતા હતા, શેતલ કહે કાકા મુખ્યમંત્રી હોવા છતાં તેમને જીવ તો નાના માણસમાં હતો, એક દિવસ જનસંપર્કમાં એક 70 વર્ષના માજી આવ્યા, તેમની ફરિયાદ હતી કે તેમના દિકરાઓએ તેમની સહી લઈ માજીનું મકાન પોતાના નામે કરાવી લીધુ અને માજીને કાઢી મુકયા, ત્યાં હાજર અધિકારીઓએ માજીની ફાઈલ જોઈ મુખ્યમંત્રીને કહ્યું સાહેબ આમાં કઈ થઈ શકે નહીં કાયદેસર હવે માજીના સંતાનો જ ઘરના માલિક છે, કેશુભાઈનો પીત્તો ગયો તેમણે કહ્યું અરે ભાઈ માણસ કાયદા માટે છે કે કાયદો માણસ માટે કઈ પણ કરે આ માજીને પોતાનું ઘર પાછું મળે કે નહીં પણ તેમના રહેવાની વ્યવસ્થા થાય તે જોવાની જવાબદારી આપણી છે, આખરે સંબંધીત કલેકટર દ્વારા માજીને પોતાનું ઘર પાછું મળ્યું.

શેતલ કહે છે મુખ્યમંત્રીના રસાલામાં અંગત સ્ટાફ સહિત મોટો પોલીસ કાફલો હોય છે, પણ કાકા તેમની પણ ચિંતા કરતા હતા, એક દિવસ અમે પ્રવાસમાં હતા, સતત સભાઓ ચાલી રહી હતી, જેના કારણે એક સ્થળે બીજા સ્થળે ભાગવું પડતું હતું, હું કાકાની કારમાં હતો રાતના 11 વાગી રહ્યા હતા, તેમણે મને પુછયું શેતલ તમે બધા જમ્યા કે નહીં મેં કહ્યું ના હવે રાતે ઘરે જઈ જમીશું, તેમણે તરત કારના ડ્રાઈવરને કહ્યું હાઈવે ઉપર પહેલી હોટલ આવે ત્યાં કાર ઉભી રાખજો અને હાઈવેની હોટલમાં અમારો રસાલો રોકાયો, કેશુભાઈએ કહ્યું હું કારમાં જ બેઠો છું, તમે બધા જમી લો અને તમામ સ્ટાફ અને સલામતી રક્ષકો હોટલમાં જમ્યા હતા. શેતલ કહે છે લીલાબાના અવસાન પછી કાકા માનસીક રીતે એકલા પડી ગયા હતા. બે દાયકાથી રાજકારણ સાથે સીધો સંબંધ તુટી ગયો હતો પણ કોરાના આવ્યો ત્યારે તેમણે શેતલને બોલાવી કહ્યું ગાંધીનગરની હોસ્પિટલમાં કેટલા આઈસીયુ-ઓકસીઝન અને વેન્ટીલેટર બેડ છે તેની તપાસ કરી મને કહે કારણ કોઈ માણસ આપણી પાસે મદદ માંગવા આવે ત્યારે આપણી પાસે પુરતી વિગત હોવી જોઈએ.




લીલા બા સાથે તેમનો દિવસ સવારની પહેલી ચ્હાથી શરૂ થતો, સવારે કાકા અને બા એક જ ચ્હામાંથી અડધી અડધી ચ્હા સાથે પીતા, પણ બા ગયા પછી કાકા અંદરથી ભાંગી ગયા હતા, જેના કારણે મારે તેમની સાથે સતત રહેવુ પડતું હતું કાકા સવારે ઉઠે તે પહેલા બંગલે હું પહોંચી જતો અને રાતે સુઈ જાય પછી જ હું નિકળતો હતો. સવારના નાસ્તામાં તેમના માટે ઓલ ટાઈમ ફેવરીટ ગાંઠીયા હતા અને જમવામાં દાળ તેમની પ્રિય હતી. કયારેક શેતલ કોઈની સાથે ગુસ્સામાં વાત કરે તો તે શેતલને સમજવતા કે આપણે આપણું સારાપણું નહીં છોડવાનું કોઈ માણસ આપણી સાથે ખરાબ વ્યવહાર કરે અને તેવો જ વ્યવહાર આપણે તેની સાથે કરીશું તો જગતમાં સારા માણસોની સંખ્યા ઘટતી જશે, જયારે કોઈ માણસ તેમની સાથે ખોટું બોલે ત્યારે પહેલા તો નારાજ થતાં અને થોડીવાર પછી તેને બોલાવી સમજાવતા કે ખોટું લાંબો સમય ટકતું નથી એટલે જુઠને ટાળી શકાય તો તેવો પ્રયત્ન કરવો.

- Advertisement -

કેશુભાઈ સાથે શેતલનો નાતો ભગવાન અને હનુમાન જેવો હતો, 25 વર્ષ સુધી કેશુભાઈ પટેલના અંગત સહાયક તરીકે કામ કરનાર શેતલ પંડયાએ કયારેય કેશુભાઈના સહાયક તરીકે નોકરી કરે છે તેવો ભાવ આવવા દિધો નથી, કાકાના અનેક સારા માઠા પ્રસંગનો શેતલ સાક્ષી છે, પણ કયારેય કોઈની સામે મોઢું ખોલ્યું નથી, કેશુભાઈ નારાજ થાય તો કયારેય તેને માઠું લાગ્યું નથી. ઓકટોબર 20માં કેશુભાઈનું નિધન થયું, શેતલ પંડયાએ જાણે પોતાનું સ્વજન ગુમાવ્યું તેવો ભાર તેના મન ઉપર હાવી થયો આજે કાકાની વિદાયને બે વર્ષ થયા, શેતલ પોતાની મુળ સરકારી નોકરીના સ્થળે પરત ફર્યો છે, પણ શેતલ કહે છે કાકા નથી તેની સૌથી મોટી ખોટ મને પડી છે. કાકાની સાથેની જીંદગીમાં શીડયુલ ટાઈટ હતું આજે મને લાગે છે કે મારી જીંદગી ખોરવાઈ ગઈ છે, આવા અનેક શેતલ પંડયાઓ આપણા નેતાઓની આસપાસ હોય છે પણ નેતાઓને નજીકથી જોનાર પત્રકારો પણ તેમની અને તેમના કામની ભાગ્યે જ નોંધ લેતા હોય છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular