Thursday, April 16, 2026
HomeFeature Postદેશમાં પ્રથમ જળસ્ત્રોતોની ગણતરી: સંગ્રહિત પાણીના હિસાબનો અહેવાલ

દેશમાં પ્રથમ જળસ્ત્રોતોની ગણતરી: સંગ્રહિત પાણીના હિસાબનો અહેવાલ

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશમાં પ્રથમ વખત વૉટરબોડીઝ ગણતરીના આંકડા જાહેર થયા છે. વૉટરબોડીઝનો અર્થ થાય છે જળસ્ત્રોત; તેમાં તળાવ, સરોવર, ચેકડેમ, જળાશયો, મોટી ટાંકીઓ અને અન્ય કેટલાંક જળસ્ત્રોતનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં આ પ્રકારની ગણતરી પ્રથમવાર થઈ છે અને તેની આવશ્યકતા ત્યારે વર્તાઈ જ્યારે સંસદીય સમિતિ દ્વારા પાણીના સ્ત્રોત વિશે એવી ટિપ્પણી કરી કે “દેશમાં આવેલા જળસ્ત્રોતોનો દેખરેખ, મરામત કરવામાં આવે અને જ્યાં દબાણ થઈ ચૂક્યું છે તેને ફરી જળસ્ત્રોત તરીકે નિર્માણ કરવામાં આવે” તે પછી આ પ્રકારના વૉટરબોડીઝની માહિતી હોવી જોઈએ તે અર્થે સરકારના તમામ વિભાગ સહમત થયા અને તેના આધારે 2018માં તેનું કામ આરંભાયું.

વૉટરબોડીઝ ગણતરીમાં જે પરિણામ આવ્યા છે તે મુજબ દેશમાં 24,24,540 વૉટરબૉડીઝ છે. સૌથી વધુ વૉટરબોડીઝ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને આસામમાં છે. દેશની ત્રીસ ટકા જેટલી વૉટરબોડીઝનો હિસ્સો માત્ર પશ્ચિમ બંગાળમાં છે. અને સૌથી ઓછી વૉટરબૉડીઝ જે રાજ્યમાં છે તેમાં પૂર્વીય ચાર રાજ્યો અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ છે અને ઉપરાંત લદાખ છે. હવે આ આંકડા આવ્યા છે તેમાં એ સમજવું જરૂરી છે કે વૉટરબૉડીઝ તરીકે આ ગણતરીમાં કયા જળસ્ત્રોતોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જેમ કે, વૉટરબોડિઝમાં દરિયો, નદી કે પછી કેનાલને સમાવવામાં આવ્યા નથી, જ્યાં પાણી વહીને એક સ્થળેથી બીજે જતું હોય. અહીં માત્ર એવાં જ જળસ્ત્રોતોનો સમાવ્યા છે જે કુદરતી રીતે કે માનવસર્જિત રીતે પાણીનો સંગ્રહ સિંચાઈ કે અન્ય કોઈ(જેમાં ઔદ્યોગિક, પીવાના પાણીની ટાંકી કે ધાર્મિક સ્થળો) ઉદ્દેશ્યથી થયો હોય. આ ઉપરાંત અન્ય કોઈ પણ રીતે જ્યાં પાણીનો સંગ્રહ નોંધપાત્ર રીતે થતો હોય તેને પણ આ ગણતરીમાં લેવામાં આવ્યા છે.

- Advertisement -

આ સરવે દેશભરમાં થયો છે અને તે માટે એક પદ્ધતિને અનુસરવામાં આવી છે. પ્રથમ આ સરવેમાં ગ્રામ્ય અને શહેરી સ્તરે કામ કરવામાં આવ્યું. આમાં કોઈ એક વૉટરબૉડી બે કે તેથી વધુ ગામમાં હોય તો તેને એક જ ગણવામાં આવી છે. હવે સ્વાભાવિક છે કે આવી દેશના સ્તરે ગણતરી થતી હોય તો તેનો રેકોર્ડ મેન્યુઅલ તો હોય જ, પણ સાથે ડિજિટલ હોય. તે કારણે આ બધા વૉટરબૉડીના ફોટોગ્રાફ લેવામાં આવ્યા છે, તેની માહિતી ડિજિટલી નોંધવામાં આવી છે. આ રીતે માહિતી રાજ્ય સ્તરે નોંધવામાં આવી અને તે પછી તેને કેન્દ્રિય સ્તરે પહોંચાડવામાં આવી. બીજું કે આ ગણતરીમાં રાજ્યનું સિંચાઈ ખાતું, પંચાયતી રાજ, રાજ્ય આયોજન પંચ, ગ્રામ્ય વિકાસ અને રાષ્ટ્રિય સેમ્પલ સરવેની પણ ભૂમિકા હતી. આ રીતે અલગ-અલગ વિભાગના સંયોજનથી દરેક રાજ્યોમાં સરવેનો અહેવાલ તૈયાર થયો છે.

વૉટરબૉડીઝના આ ગણતરીમાં સૌથી નોંધપાત્ર જે વિગત પ્રકાશમાં આવી છે કે દેશમાં 97 ટકા વૉટરબૉડીઝ ગ્રામ્ય વિસ્તારમાં આવી છે અને માત્ર ત્રણ ટકા શહેરમાં છે. આ ગણતરીથી એટલું તો નિશ્ચિત થાય છે કે શહેરી વિસ્તારોએ સંગ્રહ અર્થે મસમોટું કામ કરવાનું છે. આમાં એ પણ વિગત બહાર આવી છે કે વૉટરબૉડીઝમાં 75 ટકા હિસ્સો માનવસર્જિત છે, જ્યારે માત્ર 22 ટકા હિસ્સો કુદરતી છે. અને તેમાંથી એંસી ટકાની આસપાસના આવાં જળસ્ત્રોનો ઉપયોગ થઈ રહ્યો છે. સામાન્ય રીતે જ્યારે કોઈ પણ ગણતરી થાય ત્યારે તેમાં કેટલાંક તથ્યોના કારણો પણ દર્શાવવામાં આવે છે. પરંતુ અહીં રિપોર્ટમાં એવું કશુંયે નથી. માત્ર આંકડાઓમાં રજૂ કરવામાં આવ્યા છે. જેમ કે, પશ્ચિમ બંગાળમાં વૉટરબૉડીઝ વધુ છે તો કેમ છે?… તેના કારણો અહીં આપવામાં આવ્યા નથી.

પૂરા દેશભરમાં વૉટરબૉડીઝના જે પ્રકાર 60 ટકાથી વધુ જોવા મળે છે તે તળાવો છે. આપણા દેશમાં તળાવો કેમ વધુ છે તેનુ કારણ પાણીસંગ્રહ પર કાર્ય કરનારાં અનુપમ મિશ્રએ તેમના જાણીતા પુસ્તક ‘આજ ભી ખરે હૈં તાલાબ’માં આપ્યું છે. તેઓ આમાં લખે છે કે, “તળાવ પોતાની રીતે એક મોટું વર્તુળ છે. તળાવ એ કંઈ પશુઓ દ્વારા ખોદવામાં આવેલો એક ખાડો માત્ર નથી, જેમાં વરસાદનું પાણી આપોઆપ ભરાઈ જાય છે. આ વર્તુળને ખબૂ સમજી- વિચારીને અને સૂક્ષ્મ રીતે નિર્માણ કરવામાં આવ્યા છે. નાનાંથી મોટાં તળાવના અનેક રીતે અલગ-અલગ હોય છે. તેમનું વેગવેગળું કામ હોય છે અને તે રીતે નામ પણ.” આ રીતે તેઓ એક અન્ય જગ્યાએ પુસ્તકમાં ટાંકે છે : “જે સમાજને જીવન આપે, તેને નિર્જીવ કેવી રીતે કહી શકીએ? તળાવ જીવન છે અને સમાજ તેના ચારે તરફ જીવન રચે છે. જેની સાથે આટલો નજીકનો સંબંધ હોય, આટલો સ્નેહ હોય, અને તેથી જ લોકોએ તેના અલગ અલગ નામ રાખ્યા છે. રાજ્યોમાં, ભાષાઓમાં, બોલીઓમાં તળાવોના અનેક નામો છે.” અનુપમ મિશ્રએ તળાવોની મહત્તાની અને તેની આસપાસ ગુંથાયેલી કથાઓની વાત આ પુસ્તકમાં સરસ રીતે વર્ણવી છે.

- Advertisement -

આ ગણતરીમાં જળસ્ત્રોતોની માહિતી આપતાં વિવિધ નકશા છે, તેમાં એક ઠેકાણે જમીનમાં પાણી રિચાર્જ માટેની વિગત છે અને તે આધારે જોઈએ તો અત્યારે પાણી રિચાર્જનું સૌથી વ્યાપક કામ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં થયું છે. આ ઉપરાંત તેલંગાણા પણ નોંધપાત્ર રીતે તેમાં આગળ છે. એવું કહેવાય છે આપણું ભવિષ્ય પાણી બાબતે આપણે કેવાં નિર્ણય લઈએ છીએ તેના પર નિર્ભર છે. જેમ કે આજે પણ પ્રાચીન રોમ અને ટોક્યોના પાણીના આયોજન વિશેના ઉદાહરણ આપવામાં આવે છે. રોમમાં થયેલાં પાણીના આયોજન વિશે કહેવાય છે કે તેમનું આયોજન સૂક્ષ્મ હોવા છતાં તેમાં બુદ્ધિથી કામ લેવાયું નહોતું. બલકે તેમાં પર્યાવરણીય રીતે અણધડ હતું. જેમ કે પ્રાચીન રોમમાં ગટરનું પાણી સીધું નદીમાં છોડવામાં આવતું હતું. જ્યારે તેનાથી વિરુદ્ધ જાપાનમાં જે સિસ્ટમ પાણીના આયોજન કરવામાં વિકસાવવામાં આવી હતી, તેમાં ગટરનું પાણી ક્યારેય નદીમાં છોડવામાં ન આવ્યું અને તે કારણે વ્યવસ્થા વધુ સુદૃઢ હતી. આ ઉદાહરણ વૉટરબૉડીઝના યોગ્ય આયોજન અર્થે જાણીતાં પર્યાવરણવાદી સુનિતા નારાયણે ટાંક્યા છે. તેમનું એમ પણ માનવું છે કે આપણો દેશ પાણી બાબતે દેશમા સજાગતા આવી રહી છે. આ બાબતે તેઓ કારણ આપતાં લખે છે કે, 1980 સુધી પાણીનું આયોજનનો ઉદ્દેશ્ય માત્ર સિંચાઈ યોજનાઓ પૂરતો જ હતો, જેમાં મહદંશે બંધ અને ચેકડેમ બન્યા. પરંતુ ત્યાર પછી જે રીતે દેશમાં દુકાળની પરિસ્થિતિ ઊભી થઈ પછીથી સરકાર અને લોકોને પણ સમજાયું કે માત્ર મોટાં બંધ બાંધી દેવાતી સમસ્યાનો ઉકેલ નહીં આવે.

આપણાં દેશમાં અલગ-અલગ ભૌગોલિક સ્થિતિ છે અને તદ્ઉપરાંત વાતાવરણમાં પણ ખાસ્સું અંતર છે. અને તે પ્રમાણે સ્થાનિક સ્થિતિ-સંજોગો મુજબ પાણીનું આયોજન થવું જોઈએ. સરકાર હાલમાં 75 વર્ષના આઝાદીના ઊજવણીના પ્રસંગે દરેક જિલ્લા દિઠ 75 વૉટરબૉડિઝ નિર્માણ કરવાનો ટારગેટ રાખ્યો છે. આ સિવાય સુનિતા નારાયણનું એક સૂચન એવું પણ છે કે આપણે ત્યાં પાણીના સંગ્રહની જવાબદારી અને તેનો અંકુશ સ્થાનિક લોકોને આપવો જોઈએ. જેથી કરીને જનભાગીદારી પાણીને વધુ સારી રીતે સાચવી શકે. પાણી વિશે અવારનવાર ગંભીર ચર્ચા થાય છે, તેમ છતાં તેને લઈને ઠોસ અમલ થતો નથી. શહેરોમાં આજે પણ વૉટરબોડિઝ પર દબાણ થાય છે. આ ગણતરીમાં આવાં દબાણ થયેલાં વૉટરબોડિઝની સંખ્યા 40,000 દર્શાવવામાં આવી છે. દેશભરમાં જે વૉટરબૉડિઝ પર દબાણ થયું છે તેનો આ આંકડો હજુ પણ નાનો લાગે છે, કારણ કે આજના શહેરોમાં અનેક ગ્રામ્ય વિસ્તારો સમ્મલિત થયા છે અને તેમની વૉટરબૉડિઝ પર દબાણ થયું છે અને ઇમારતો બની ચૂકી છે. સમય જતાં વૉટરબૉડિઝના આ ગણતરીથી અન્ય પણ વિગતો પ્રકાશમાં આવશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular