પ્રશાંત દયાળ નવજીવન : શહેર દિવાળીની તૈયારી કરી રહ્યુ હતું ત્યારે અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમને ગત મંગળવારે જાણકારી મળી કે અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલી પારસમણી સોસાયટીમાં રહેતા દયાનંદ શાનબાગ અને તેમના પત્ની વિજયાલક્ષ્મી શાનબાગની કોઈએ હત્યા કરી નાખી છે, ઘટનાની જાણકારીના પગલે ઘાટલોડીયા પોલીસ અને સિનિયર પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે અડાલજ રહેતા મૃતકના પુત્રએ ઘરમાંથી કોઈ બાબત ચોરાઈ નથી તેવી જાણકારી આપતા પોલીસ વિમાસણમાં મુકાઈ હતી, બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા, ક્રાઈમ બ્રાન્ચને સુચના મળી હતી કે તમામ અધિકારી તેમના સ્ટાફ સાથે ઓપરેશન ડબલ મર્ડર કેસમાં સામેલ થઈ જશે અને દિવાળી દરમિયાન પણ તેમની કામગીરી યથાવત રહેશે. જો કે દિવાળીની રજા બાજુ ઉપર મુકી કામ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને રવિવારની રાતે સફળતા મળી અને બે હત્યારાઓને ઝડપી લીધા હતા, રવિવારે મોડી રાતે ડીસીપી ચૈતન્ય માંડલીકની હાજરીમાં ક્રાઈમ બ્રાન્ચે હત્યારાઓને સાથે રાખી મોડી રાત્રે હત્યાની ઘટનાનું રીકંશટ્ર્કશન કર્યુ હોવાની જાણકારી મળી છે.
શાનબાગ દંપત્તી ઘાટલોડીયાના પારસમણી એપાર્ટમેન્ટમાં ત્રીજામાળે રહેતો હતો, તેમની સાથે અડાલજ રહેતા પુત્રની દિકરી પણ રહેતી હતી, હત્યાના પહેલા શાનબાગની પૌત્રી સાયકલ ચલાવવા રીવરફ્રન્ટ ગઈ તેના અડધો કલાક પછી મેડીકલ સ્ટોરમાં કામ કરતો કર્મચારી દવા આપવા શાનબાગના ઘરે આવ્યો હતો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો આથી તેણે અંદર ડોકયુ કરતા તે સ્તબ્ધ થઈ ગયો હતો કારણ શાનબાગ દંપત્તી લોહીના ખાબોચીયામાં પડયુ હતું, તેણે બુમા બુમ કરતા પડોશીઓ દોડી આવ્યા હતા અને પડોશીએ પોલીસ અને શાનબાદના પુત્રને જાણકારી કરી હતી, પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા શાનબાગ દંપત્તીનું મૃત્યુ થયુ હતું, બંન્નેના ગળા ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા હતા, માતા પિતાના સમાચાર મળતા દોડી આવેલા પુત્રની પોલીસે પુછપરછ કરતા તેણે જાણકારી આપી હતી કે ઘરની તમામ વસ્તુઓ અકબંધ છે.
આમ ચોરી અને લુંટના ઈરાદા વગર હત્યા થઈ હોવાને કારણે પોલીસની પ્રથમ શંકા પરિવારના સભ્યો ઉપર ગઈ હતી આ મામલે પોલીસે સાથે રહેતી શાનબાગની પૌત્રીની પુછપરછ કરી હતી, પણ કોઈ નક્કર કડી હાથ લાગી ન્હોતી, પોલીસે જુના ઘરઘાટી સહીત સંખ્યાબંધ શકાસ્પદ વ્યકિતઓને બોલાવી પુછપરછ કરી હતી આમ છતાં કોઈ કડી મળી નહીં, બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં સામેલ થઈ હતી, પણ સમસ્યા એવી હતી કે સોસાયટીમાં સીસી ટીવી નહીં હોવાને કારણે પોલીસને ઘટના સમયે કોણ આવ્યુ હતું તેની માહિતી મળી ન્હોતી, ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેકટર જે એમ ચાવડા અને નીખીલ બ્ર્હ્મભટ્ટ સહિત તમામ અધિકારીઓ સમગ્ર વિસ્તારમાં આવેલી દુકાનોના સીસી ટીવી ચેક કરી રહ્યા હતા જો કે તેમા પણ જેની ઉપર શંકા જતી તેનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો ન્હોતોસ કયાં ક્રાઈમ બ્રાન્ચ શર્ટના આધારે તપાસ કરતી તો કયારેક પેન્ટના રંગના આધારે તપાસ કરતી હતી, એક સ્થળે એક ટોપી પહેરેલી વ્યકિત નજરે પડતી હતી જો કે તેનો ચહેરો અસ્પષ્ટ હતો.
કયારેક નસીબ પણ મદદ કરે છે, ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ દુકાનમાં બેસી સીસી ટીવી ચેક કરી રહ્યો હતો ત્યારે જ ત્યાંથી એક ટોપી પહેરેલી વ્યકિત પસાર થતી હતી,. તરત ચાલાક પોલીસ કર્મચારીને ધ્યાન આવ્યુ કે આપણે આવી ટોપીવાળા વ્યકિતનું ફુટેઝ જોયુ છે,. આથી તેને અટકાવી તેને પુછતાં તે ડરી ગયો હતો આથી તરત તેને ત્યાંથી લઈ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યો હતો,. જો કે પોલીસના પ્રશ્નનો જવાબ તે આપી શકયો નહીં અને તેણે જ તેના સાથી સાથે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી, મુળ ઝારખંડનો વતની અને પારસમણી પાછળ ઝુપડામાં રહેતા ઝારખંડના આ બંન્ને આરોપીઓ શાનબાગ દંપત્તીની હત્યા કરી હોવાનું કબુલ્યુ હતું જો કે તેમણે હત્યા પછી ઘરમાંથી માત્ર પાંચસો રૂપિયા જ લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે રીકંશટ્ર્કશન પણ કર્યુ જો કે હત્યારાઓ ત્રીજામાળે રહેતા શાનબાગને કેમ નિશાન બનાવ્યા, હત્યા માટે છરી કયાંથી લાવ્યા અને હત્યા પછી તેમણે ચોરી કેમ ના કરી તેવા અનેક પ્રશ્નોના ઉત્તર મેળવવાના હજી બાકી છે
હત્યારાઓ ઝારખંડના હોવાને કારણે આ કોઈ નકસલ પ્રવૃત્તી પણ હોઈ શકે તેવી પોલીસને આ શંકા છે પોલીસ હત્યારા અને શાનબાગ પરિવારના કોઈ સભ્ય સાથે સંપર્કમાં છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે, હત્યા પછી હત્યારાઓ ભાગી જવાને બદલે પોતાના ઝુંપડામાં જ રહેતા હતા. આમ તો માનતા હતા કે પોલીસ તેમના સુધી પહોચી શકશે નહીં.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.