કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): વાતાવરણમાં ઠંડી અનુભવાય અને રોજબરોજની થાળીમાં આહારની વિવિધતા દેખાવા માંડે. શિયાળો શરીરને ભરપૂર પોષણ આપે તેવી ઋતુ છે, જેમાં શાકભાજી સારાં પ્રમાણમાં આવે છે અને સૌ કોઈ સ્વાસ્થ્ય બાબતે થોડા સભાન થાય છે. જોકે, આહારની અનેક માન્યતાઓ આપણા રોજબરોજના જીવનમાં ઘર કરી ગઈ છે અને તે માન્યતાઓ સ્વાસ્થ્યને (Health) નુકસાન પહોંચાડે છે. આજે સોશિયલ મીડિયીના અનેક પ્લેટફોર્મ પર ફૂડ વિશેની આવી ગેરમાન્યતાઓ તોડનારાં અનેક વિડિયો ઉપલબ્ધ છે. તેમાં ફિલ્મ સેલિબ્રિટીઓના ન્યૂટ્રનિસ્ટ રહેનારા રુજુતા દિવેકરનું નામ ટોપ પર છે, જેઓ સમયાંતરે પોતાના વિડિયો ફેસબુક અને યુટ્યૂબ પર મૂકે છે. એક ઇન્ટરવ્યૂમાં તેઓ ઘી વિશેની આવી માન્યતાને લઈને કહે છે કે, મોટા ભાગના લોકોનું માનવું છે કે ઘીથી કોલેસ્ટ્રોલ વધે છે અને તેઓ સદંતર ઘીની આહારમાંથી બાદબાકી કરી નાંખે છે. પરંતુ તેવું ન કરવું જોઈએ. ઘી ખરા અર્થમાં મેટાબોલિઝ્મને વધારીને કોલેસ્ટ્રોલ ઓછું કરવાનું કામ કરે છે. કોલેસ્ટ્રોલ ઘણી વાર તણાવથી પણ વધે છે. ઘી તણાવ ઘટાડવાનું અને વધુ સારી ઊંઘ માટે મદદરૂપ થાય છે. કરીના કપૂરથી માંડિને અનેક ફિલ્મી સેલિબ્રિટીઓને શરીર બાબતે સજાગ કરવાનું કામ કરનારાં રુજુતા કહે છે કે, આપણે ત્યાં ઘી એક વારસો છે. શરીરમાં વિટામિન ડી એબ્જોર્બ કરવા માટે પણ ઘી ડાયટમાં જરૂર હોવું જોઈએ. આવાં તો અનેક ફાયદા ઘી સંબંધે રુજુતા જણાવે છે, તેમાં વિશેષ વાત એટલી જ કે ઘીને સદંતર બંધ ન કરવું.

આહાર સંબંધિત જ્ઞાન લેવામાં આપણે હંમેશા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે તેના નિષ્ણાત નથી તેમને પણ સાંભળીએ છીએ અને તે પ્રમાણે આહારમાં બદલાવ લાવીએ છીએ. પરંતુ તમારા રોજબરોજના આહાર અંગે માત્ર ને માત્ર આહાર બાબતે જેઓ નિષ્ણાત છે તેમની જ વાત પર વિશ્વાસ કરવો જોઈએ. આ રીતે ચોખા વિશે પણ અનેક ગેરમાન્યતાઓ પ્રસરેલી છે અને ચોખાને આપણે આહારમાંથી બાદ કરી દઈએ છીએ. રુજુતા આ વિશે કહે છે કે ચોખાને પકાવીને કોઈ પણ રીતે આહારમાં લેવા એકદમ સુરક્ષિત છે. એક કપ ચોખામાં 35 ગ્રામ કાઇબ્રોહાઇડ્રેડ હોય છે. ચોખાનો એક કપ લગભગ 165 કેલેરી અને ચાર ગ્રામ જેટલું પ્રોટીન આપે છે. ચોખા ખાવાથી વજન વધતું નથી. ખરેખર તો ચોખા જલદીથી પચી જાય છે અને તેમાં કોલેસ્ટ્રોલ પણ નહિવત્ છે. તેમાં કાર્બોઝ હોય છે અને તે એનર્જી માટે એક સારો સ્ત્રોત છે. બીજી એવી પણ માન્યતા છે કે ચોખામાં ખૂબ પ્રમાણમાં સોડિયમ હોય છે, તે પણ ખોટું છે. ચોખામાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે.

આ ઉપરાંત આહારને અલગ-અલગ રીતે તૈયાર કરવાને લઈને પણ ગેરમાન્યતાઓ પ્રસરેલી છે, જેમ કે માઇક્રોવેવમાં આહાર જ્યારે ગરમ કરવામાં આવે છે તેને લઈને એવું કહેવાય છે કે, તેનાથી આહારમાં રહેલા પોષકતત્વોનો નાશ થાય છે. પણ શું ખરેખર એવું છે? એ વિશે જાણીતી ડિજિટલ ન્યૂઝ ચેનલ લલ્લનટોપ પર એક વિડિયો ઉપલબ્ધ છે અને તેમાં ગુરુગ્રામ સ્થિત ડૉ. રાજેશ કુમાર તેની સમજ આપતા કહે છે કે, માઇક્રોવેવમાં આહાર જે મૂકવામાં આવ્યો છે તે ઇલેક્ટ્રિક મેગ્નોટિક રેડીએશન દ્વારા ગરમ થાય છે અને રાજેશ કુમારનું તો ત્યાં સુધી કહેવું છે કે ગેસ અને ચુલાના મુકાબલે માઇક્રોવેવમાં આહાર વધુ ઝડપથી ગરમ થવાથી તેમાં પોષકતત્વો વધુ સલામત રહે છે. જોકે તેઓ અહીં એક વાત ટાંકે છે કે વિટામિન12 જે શરીર માટે અત્યંત જરૂરી છે, જો તેને ગરમ કરવામાં આવે તો તે નાશ પામે છે અને વિટામિન12 ગરમીથી નાશ પામે છે એટલે તે કોઈ પણ રીતે ગરમ કરો તે નાશ પામશે. જોકે અહીં ડૉ. રાજેશ એમ જરૂર કહે છે કે કોઈ પણ બાબતના ફાયદા અને નુકસાન હોય છે, તેમ માઇક્રોવેવમાં જો આહાર યોગ્ય રીતે પકવવામાં ન આવે તો તેનાથી નુકસાન વધુ થઈ શકે છે. પણ આજની ભાગદોડભરી જિંદગીમાં જો માઇક્રોવેવનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો તે મદદરૂપ સાબિત થઈ શકે છે.

આહાર અંગે સૌથી મોટી ગેરમાન્યતાને તોડવાનું કામ અત્યારે કોઈ કરી રહ્યું હોય તો તે ક્રિશ અશોક છે. ક્રિશ અશોક અંગ્રેજીમાં ‘મસાલા લેબ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક ખાસ્સું લોકપ્રિય થયું છે. તેઓ યુટ્યૂબ પર પણ આહારને લઈને રોજબરોજ વિડિયો બનાવે છે. ક્રિશની ખ્યાતિ આ બાબતમાં એટલી છે કે, તેમને આ વિશે કેટલાંક ડોક્ટરો પણ પૂછે છે અને તેમનો ઇન્ટરવ્યૂ લે છે. આવા એક ઇન્ટરવ્યૂમાં ક્રિશ અને ઇન્ટરવ્યૂ લેનારા ડૉ. પલ્લનીપન મનીક્કમ તેમને ફ્રિજ્ડ કરેલા આહાર વિશે પૂછે છે. આપણે ત્યાં ફ્રિજ્ડ કરેલાં આહારને લઈને એવી માન્યતા છે કે તેનાંથી પોષણ ઘટે છે અને આહારનો સ્વાદ બદલાઈ જાય છે. ક્રિશ આ વિશે કહે છે કે જે કોઈ પણ બાબત રસોડાનું કામ સરળ કરે છે તે ભારતમાં સ્વીકારાતું નથી. તેઓ કટાક્ષ કરીને એમ પણ કહે છે કે આ એક ષડયંત્ર છે જે ‘ઇન્ડિયન અંકલ્સ’ દ્વારા અમલમાં મૂકાયું છે. આ અંકલ્સ એ નથી જાણતાં કે રસોઈ કેવી રીતે થાય છે. તેઓ સતત એમ માને છે કે મહિલાઓએ હંમેશા રસોડામાં રહેવું જોઈએ અને અમારા માટે ગરમાગરમ રસોઈ બનાવવી જોઈએ. ફ્રિજ્ડ આહારને લઈને કેન્સરનો પણ ડર બતાવાય છે પણ ક્રિશ કહે છે કે તે પણ જુઠ્ઠાણું છે. ખરેખર ફ્રિજમાં જે પ્રક્રિયા થાય છે તેમાંથી પોષકતત્વો સુરક્ષિત રહે છે અને આજની વર્કિંગ વુમન માટે ફ્રિજ્ડ આશિર્વાદ સમાન છે. ક્રિશ અશોક ફ્રિજ્ડ કરેલી રોટલીને બીજા દિવસે આહારમાં લેવાનું હિતાવહ ગણે છે. અને અહીંયા તેઓ એમ પણ કહે છે કે જો તમે ફ્રિજ્ડ કરેલી રોટી કરતાં બહાર તાજાં મળતાં સમોસાને હેલ્ધી ગણતાં હોય તો તમે તમારું સ્વાસ્થ્ય બગાડી રહ્યા છો.
એ જ રીતે આજે ઓર્ગેનિગ ફૂડને આહારમાં સમાવવાને લઈને ખાસ્સી જાગ્રતતા જોવા મળે છે. ઓર્ગેનિક એટલે એવું ફૂડ જેમાં કોઈ પણ પ્રકારનું પેસ્ટિસાઇડનો ઉપયોગ ન થયો હોય. અને જે જેનિટિકલી તેમાં કોઈ છેડછાટ ન થઈ હોય. ક્રિશ અશોકનું માનવું છે કે ઓર્ગેનિક ફૂડ એ ઉમદા વિચાર લાગી શકે પરંતુ તે એપ્લિકેબલ નથી. તેનું કારણ આપતાં તેઓ કહે છે કે ઓર્ગેનિક ફૂડ એ સૌનો આહાર ન બની શકે, અને જે શ્રીલંકાએ ઓર્ગેનિક ફૂડને કાયદાની રીતે આવશ્યક બનાવ્યું હતું તેનું ઉત્પાદન એટલું ઘટી ગયું કે અન્ય દેશોમાંથી તેને નિકાસ કરવી પડી. એ જ પ્રમાણે ગોળ અને ખાંડને લઈને પણ ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. ખાંડના મુકાબલે ગોળને અનેક ગણો યોગ્ય ગણવામાં આવે છે. પહેલાં તો ક્રિશ એ સમજાવે છે કે ખાંડ એટલે શું? પહેલાં તો તેમાં ‘ગ્લુકોઝ’ છે, જે મોટા ભાગના સજીવ એનર્જી માટે પોતાના આહારમાં લે છે. ‘ફ્રક્ટોઝ’ જે મહદંશે ફળમાંથી મળે છે અને ‘ગેલેક્ટોઝ’ જે દૂધમાંથી મળે છે. ફ્રક્ટોઝ અને ગ્લુકોઝનો જ્યારે મેળવીએ ત્યારે ‘સુક્રોઝ’ બને છે, જે શેરડીમાં હોય છે. ખાંડ એ સો ટકા ‘સુક્રોઝ’ છે અને એ રીતે ગોળ 85 ટકા ‘સુક્રોઝ’ છે. ગોળમાં જે બાકીનો ભાગ છે તે ભેજ અને મિનરલ્સ છે. એટલે આપણા ગોળ એ ખાંડની જેમ શરીરમાં કામ કરે છે. શરીરમાં સુક્રોઝ ખાંડના રૂપમાં જાય કે ગોળના રૂપમાં તે કામ એક જ રીતે કરે છે. અને જો કોઈ એમ કહેતું હોય કે આયર્ન માટે તમારે ગોળ આહારમાં લેવો જોઈએ તો રોજની આવશ્યકતા પ્રમાણે સો ગ્રામ ગોળ આરોગવો પડે અને આ માત્રા ખૂબ વધુ છે. એ માટે હિતાવહ એ છે કે આયર્ન પાલકમાંથી મેળવવો. એટલે એટલું યાદ રાખવું કે ગોળ એ ખાંડ જેટલું નુકસાન કરે છે. આવી અનેક ગેરમાન્યતાઓ આપણા રોજબરોજના આહારને લઈને છે, તેમાંથી અહીં કેટલીક જ મૂકી શકાઈ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








