પ્રશાંત દયાળ (શતરંજ-104, નવજીવન ન્યૂઝ): પરમાર ઉતાવળે પટાવાળાની પાછળ નીકળ્યા. પંત સાહેબની ઑફિસ સુધી પહોંચતાં કેટકેટલાય વિચારો તેમની આગળ દોડી રહ્યા હતા. સવારના અગિયાર વાગ્યાથી કાનજી પંત સાહેબની ચેમ્બરમાં હતો. શું થયું હશે, સાહેબે આટલો મોડો કેમ બોલાવ્યો વગેરે પ્રશ્નો ચર્ચા માટે હતા. સામાન્ય રીતે પંતની ચેમ્બરમાં જતાં પહેલાં પરમાર દરવાજો નૉક કરતા હતા, પણ આજે વિચારોની આંધી વચ્ચે ખુદ પરમારને જ યાદ આવ્યું નહીં કે તેમણે ક્યારે દરવાજો ખોલ્યો અને મંજૂરી વગર તે ચેમ્બરમાં દાખલ થઈ ગયા. જોકે અંદર જતાં તેમને પોતાની ભૂલ સમજાઈ અને તેમનો ચહેરો તે વાતની ચાડી ખાતો હતો. જોકે પંત આખી વાત તરત સમજી ગયા. પરમાર માફી માગે તે પહેલાં જ પંતે કહ્યું, “કોઈ બાત નહીં પરમાર. બૈઠો.” પરમાર કાનજીની બાજુની ખુરશીમાં બેઠા. તેમણે કાનજી સામે જોયું… તેનો ચહેરો કહેતો હતો કે તે ખૂબ જ થાકી ગયો હતો. સવારથી હમણાં સુધી પંતે કેટલાય સવાલો પૂછી નાખ્યા હશે, ધમકાવ્યો હશે. ક્યારેક પંપાળીને વાત પૂછી હશે. આ બધી ઘટનાઓને કારણે કાનજી જાણે લાંબી દોડ દોડી આવ્યો હોય તેમ થાકેલો લાગતો હતો. હજી પરમાર કાનજીની સામે જોઈ શું થયું હશે તેનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે પંતે કેટલાક કાગળો પરમાર સામે મૂક્યા.
પરમાર એકદમ ઝબકી ગયા. પંતના ચહેરા ઉપર એક વિજયસ્મિત હતું. કાગળો સામે હતા પણ પરમારની નજર પંત સામે હતી. પંતે પરમારને કાગળ તરફ ઇશારો કરતાં કહ્યું : “ઇન્વેસ્ટિગેશન ઑફિસર આપ હૈ, હમ તો સિર્ફ આપકી મદદ કર રહે થે. જરા પઢ લિજિયે.” પરમારે કાગળો ઉપાડ્યા. હિંદીમાં ટાઇપ કરેલો જવાબ હતો. લગભગ દસ-બાર પાનાં હશે. પરમારે વાંચવાની શરૂઆત કરી. કાનજીએ પોતાના જવાબમાં જે કંઈ લખાવ્યું તે અક્ષરશઃ હતું કે, પછી પંતે પોતાની રીતે લખ્યું હતું તે કહેવું મુશ્કેલ હતું, પણ જે કંઈ વિગતો હતી તે કોઈ અણુબૉમ્બ કરતાં વિસ્ફોટક હતી. પરમાર વાંચતા જતા અને ક્યારેક પંત સામે તો ક્યારેક કાનજી સામે જોતા હતા. કાનજી નજર નીચી કરી બેઠો હતો, પણ પંતની નજર સતત પરમારના ચહેરા ઉપર ફેરફાર થતા હાવભાવ વાંચી રહી હતી. રૂમમાં નીરવ શાંતિ હતી. જેમ જેમ પાનાં વંચાતાં ગયાં તેમ તેમ પરમારનો ચહેરો ઉત્સાહમાં લાલ થઈ રહ્યો હતો, જાણે આખા શરીરનું લોહી તેમના ચહેરા તરફ ધસી આવ્યું હતું.
હમણાં સુધીનાં તમામ નિવેદનો ગુજરાતી ભાષામાં નોંધાયાં હતાં, પણ પંત જાણતા હતા કે કાનજી ગુજરાતી જાણતો નથી. કોર્ટમાં તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ખુદ પોલીસ-અધિકારીએ જાતે નિવેદન નોંધી લીધું, કારણ કે કાનજીને તો ગુજરાતી આવડતું જ નથી, માટે તેમણે હિંદી જાણતા પોતાના સ્ટેનોગ્રાફરને બોલાવી કાનજીનું આખું સ્ટેટમેન્ટ હિંદીમાં તૈયાર કરાવ્યું હતું. સ્ટેટમેન્ટ ટાઇપ થઈ ગયા પછી કાનજીને વંચાવી પણ લીધું હતું. સ્ટેટમેન્ટ વાંચી લેતા પરમારે પંત સામે જોયું, તેના ચહેરા ઉપર ભાવ હતો : ‘શું ખરેખર આ સાચું છે?’ પંત સમજી ગયા… તેમણે પરમારને કહ્યું, “દેખો પરમાર, મુઝે ગલત કરના નહીં હૈ. અગર મૈં ગલત કરને કા સોચૂંગા તો સબસે પહલે અમર ઠાકોર કો હી ડાલ દૂંગા. મેરે પાસ ઉસકે ખિલાફ કોઈ એવિડન્સ નહીં હૈ.” પંતના ચહેરા ઉપર ગઈકાલનો ગુસ્સો દોડી આવ્યો. જોકે પરમારને ખબર ન હતી કે પંત ગૃહમંત્રીને મળી આવ્યા હતા. પરમારને લાગ્યું કે પંતને માઠું લાગ્યું એટલે ખુલાસો કરતાં કહ્યું, “નહીં, નહીં, સર, ઐસી બાત નહીં.” પંતે કહ્યું, “દેખો પરમાર, જબ કેસ ટ્રાયલ પે આયેગા… મેરા તબાદલા (બદલી) હો ચૂકા હોગા: લેકિન કોર્ટ મેં તો તુમ્હેં હી પેશ હોના હૈ, કોઈ સવાલ હો તો પૂછ લો,” તેમ કહી કાનજી તરફ ઇશારો કર્યો. કાનજીએ પરમાર સામે જોતાં ધીમા અવાજે કહ્યું, “સર, જો ભી લિખા હૈ, વહ એકદમ સહી હૈ, મૈંને જો કહા વહી સા’બને લિખા હૈ.” આ વાત સાંભળી પરમારને રાહત થઈ.
નિઝામ અને રામને એકસાથે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. રામને એટીએસની ઑફિસમાં જ રાખવામાં આવ્યો હતો અને એએસઆઇ કાનજી અને તેનો સ્ટાફ રામને લઈ રાજસ્થાન જતો રહ્યો હતો. આ આખા કેસની એક મહત્ત્વની કડી હતી જે અંગે સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચ પાસે કોઈ માહિતી ન હતી. રામ અને નિઝામની હત્યાને જોડતી આ મહત્ત્વની કડી હતી. પરમારને યાદ આવ્યું કે પંત સાહેબ કહેતા હતા તે વાત સાચી પડી રહી હતી. ખરેખર આ કેસમાં માસ્ટર-માઇન્ડ ડીસીપી ઇન્દ્રસિંહ જાડેજા હતા. રાઇટર, ડિરેક્ટર અને સ્ક્રિપ્ટ-રાઇટર તે જ હતા. બાકી બધા કઠપૂતળીની જેમ નાચતા હતા. રામ જાડેજાનો બાતમીદાર હતો અને રામની મદદથી આખું ઑપરેશન જાડેજાએ પાર પાડ્યું હતું.
કાગળ ઉપર આ બધી વિગતો સ્પષ્ટ રીતે નહીં હોવા છતાં કાનજીના નિવેદન પછી સમજાઈ રહ્યું હતું. એટલે નિઝામને મારતાં પહેલાં કાનજીની ટીમ મારફતે રામને અમદાવાદથી રાજસ્થાન લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની ધરપકડ બતાવી તેને જેલમાં મોકલી આપ્યો હતો. રામના ઍન્કાઉન્ટર પછી પરમાર તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કારણ કે તેમને આ માહિતી આદેશે આપી હતી. જોકે પરમારને જોતાં વછરાજાની સાહેબનો ચહેરો બદલાઈ ગયો. આવું કેમ બન્યું તે હવે સમજાઈ રહ્યું હતું. એટલું જ નહીં, અક્ષય જૈન સાહેબે પણ તરત પાછા આવી જવાનો આદેશ આપ્યો હતો. આમ નિઝામ અને રૂપાના અપહરણથી લઈ હત્યા સુધીની ઘટનાનો રામ મહત્ત્વનો સાક્ષી હતો, તો પછી તેની પણ ગેમ કેમ કરી નાખવામાં આવી — તેનો ભાંડો કાનજીએ ફોડી નાખ્યો હતો. નિઝામની હત્યા થઈ જશે તે વાતથી ખુદ રામ અજાણ હતો, કારણ, જાડેજાએ તેની ધરપકડ થશે તેવું જ કહ્યું હતું, પણ નિઝામની હત્યા પાછળ પોતે જ દોષિત છે તેવી લાગણી અનુભવી રહેલો રામ અવારનવાર જેલ-અધિકારીઓને જોઈ લેવાની ધમકી આપતો હતો. બીજી તરફ રામની પૂછપરછ માટે પરમાર રાજસ્થાન જેલમાં આવી રહ્યા છે તેની જાણકારી વછરાજાનીને થતાં રામની ગેમ થઈ ગઈ. રાજસ્થાનથી રામને લઈ ખુદ કાનજી જ ગુજરાત આવવા નીકળ્યો હતો અને તેણે સબ-ઇન્સ્પેક્ટર દિવ્યાંગ ભટ્ટને રામની કસ્ટડી સોંપી હતી. ત્યાર બાદ રામ ફરાર થયો હોવાની ખોટી સ્ટોરી ઊભી કરી રામની હત્યા કરી દેવામાં આવી હતી.
પરમાર વિચારમાં પડી ગયા. સાલો પ્લૉટ તો કોઈ હિંદી પિક્ચરને ટક્કર મારે એટલો મજબૂત છે. તેને લાગ્યું કે આ પોલીસ-અધિકારીઓ પોલીસમાં આવ્યા તે કરતાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં ગયા હોત તો નામ અને દામ બંને કમાતાં. પરમારને વિચાર કરતો જોઈ પંતે કહ્યું, “પરમાર, યાદ હૈ જબ વો પીએસઆઇ ભટ્ટ કો હમને બુલાયા તો તુમ ભી ભટ્ટ કી બાત માન ગયે થે. તુમ્હેં લગ રહા થા કિ વો નિર્દોષ હૈ.” પરમારે માત્ર ‘હંમ…’ કહી માથું હલાવ્યું. પંતે કાનજીને સહી કરવાનું કહેતાં કાનજીએ પોતાના સ્ટેટમેન્ટ ઉપર સહી કરી આપી. કાનજીની સહીની બાજુમાં પરમારે પણ તેમની રૂબરૂમાં નિવેદન નોંધાયું તેની સહી કરી તારીખ નાખી.
‘હવે શું’ તેવો પ્રશ્ન પરમારના ચહેરા ઉપર હતો. પંતે કહ્યું, “દેખો પરમાર, કાનજીને હમેં કો-ઑપરેટ કિયા હૈ. એક છોટા પુલિસવાલા હૈ, ઉસને વહી કિયા જો ઉસકે સિનિયરને બતાયા થા, મૈં ઉસે પરેશાન કરના નહીં ચાહતા, યહ હમારા પ્રાઇમ વિટનેસ હૈ. મુઝે માલૂમ હૈ… જબ યહ બાત બહાર આયેગી કિ કાનજી વિટનેસ હો ગયા હૈ તો ઉસ પે કાફી પ્રેશર બઢેગા, લેકિન જેલ મેં જાના ઉસસે બહેતર પ્રેશર સહ લેના.” પંતે એક શ્વાસ લેતાં કહ્યું, “દેખો, કાનજી કો મૈં જાને દેતા, લેકિન હમારે સામને દિયા હુઆ સ્ટેટમેન્ટ કોઈ માયને નહીં રખતા. કાનજી યહાંસે નિકલ કે રાજસ્થાન જાયેગા, ઉસકે સિનિયર ઉસકે પાસ એક ઍફિડેવિટ કરવા લેંગે કિ હમને જબરન સ્ટેટમેન્ટ લિયા હૈ, ફિર હમારે પાસ કાનજી કો એક્સ્ક્યૂઝ બનાને કે સિવા કોઈ ચારા નહીં રહેગા. એક કામ કરતે હૈં, આપ કાનજી કા રહેને કા ઇંતઝામ કર દો.” પછી વિચાર કરતાં કહ્યું, “આપ ભી ઉસકે સાથ રહો. યહ બાત હમારે બીચ મેં રખના. કલ ઉન્હેં સીધા કોર્ટ મેં લે જાકે મૅજિસ્ટ્રેટ કે સામને હી યહ સ્ટેટમેન્ટ દિલવા દેના, ફિર ઉન્હેં જાને દેના.” પરમાર અને કાનજી ઊભા થયા. બંનેએ પંતને સલામ કરી. પંતે પરમાર સામે જોતાં કહ્યું, “દેખો પરમાર, કાનજી હમારા વિટનેસ હૈ, કોઈ દિક્કત નહીં હોની ચાહિયે. ખ્યાલ રખના.” પછી કાનજી તરફ જોતાં કહ્યું, “કાનજી, આપને પુલિસ મેં હમસે જ્યાદા નોકરી કી હૈ, ઇસ લિયે ઔર કુછ નહીં કહતા, લેકિન ઇમાનદારી સે નોકરી કરો. ખાખી વરદી પહનને સે નહીં મિલતી, ઉસકી ઇજ્જત કમાની પડતી હૈ. ઈશ્વર તુમ્હારી રક્ષા કરે.”
કાનજીએ ફરી સલામ કરી અને બંને ચેમ્બર બહાર નીકળ્યા. પરમાર ઑફિસની બહાર આવતાં સરકારી કાર લાગી ગઈ હતી. તેમણે ડ્રાઇવરને નીચે ઊતરી જવાની સૂચના આપતાં કહ્યું, “તમે અહીંથી જ નીકળો, હું ચલાવી લઉં છું.” અને ડ્રાઇવિંગ સીટ ઉપર પરમાર ગોઠવાઈ ગયા. તેમની બાજુમાં કાનજી બેઠો હતો અને કાર સીધી અમદાવાદ તરફ જવા રવાના થઈ હતી. પરમારની કારનો ડ્રાઇવર દૂર સુધી કારને જોતો રહ્યો. તેની નજર અને સમજની બહાર કાર નીકળી ગઈ.
(ક્રમશઃ)








