Wednesday, April 22, 2026
HomeBusinessનવા પાકનો ડિસેમ્બર મકાઇ વાયદો ઓગસ્ટ ૨૦૨૧ પછીની નીચી સપાટીએ

નવા પાકનો ડિસેમ્બર મકાઇ વાયદો ઓગસ્ટ ૨૦૨૧ પછીની નીચી સપાટીએ

- Advertisement -

બેન્ચમાર્ક વાયદો પાંચ ડોલરની નીચે જવો સંભવિત

સંસ્થાગત મની મેનેજરો પણ મંદીની નવી જાળ ગૂંથવા શોર્ટ પોઝિશન સ્થાપિત કરવા લાગ્યા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : અમેરિકન મિડવેસ્ટ રાજ્યોમાં સૂકા હવામાનને લીધે મકાઇ ઉતારા (યીલ્ડ) સામે નવા જોખમો સર્જ્યા હતા, તે હવે હળવા થતાં ભાવ નીચેની તરફ ગતિ કરવા લાગ્યા છે. હવામાન ખાતાના નવા અનુમાનોને આધારે એનાલિસ્ટો હવે કહી રહ્યા છે કે મકાઇના (Corn) છોડવા તેના મહત્વના વિકાસ તબક્કે આવી ગયા છે, ત્યારે આગામી સપ્તાહનો વરતારો આ ઉનાળે વધુ ઉપયોગી સાબિત થશે. શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ ખાતે નવા પાકનો ડિસેમ્બર બેન્ચમાર્ક વાયદો ગુરુવારે સતત પાંચમા ટ્રેડિંગ સત્રમાં વધુ ઘટી ૫.૨૮ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) થયો, બેન્ચમાર્ક વાયદો ઓગસ્ટ ૨૦૨૧ પછીની નવી નીચી સપાટીએ બેસી ગયો હતો.

સંસ્થાગત તેજીવાળાએ તેમના લેણ હળવા કરતાં સીબીઓટી કૂલ ઓપન પોઝિશન (ઊભા ઓળીયા) ટકાવારીની દ્રષ્ટિએ પણ ઘટયા હતા. ખેડૂતો પણ નવા પાકનું હેજિંગ (સલામતી) ઊંચા ભાવે થઈ જાય, તેવી પસંદગીનો આગ્રહ રાખી રહ્યા છે. આ જોતાં નવા પાકનો બેન્ચમાર્ક વાયદો પાંચ ડોલરની નીચે જવો સંભવિત છે. સંસ્થાગત મની મેનેજરો પણ મંદીની નવી જાળ ગૂંથવા, શોર્ટ પોઝિશન સ્થાપિત કરવા લાગ્યા છે. અમેરિકન ખેડૂતોએ તો ભાવ ૬ ડોલર હતા ત્યારથી જ તેમનો ઊભો પાક હેજિંગ કરવાનું શરૂ કર્યું હતું. વાયદામાં ઉંધા બદલાય સર્જાવા શરૂ થયા, ત્યારથી માલવાળાઓનું હેજિંગ મુશ્કેલ થઈ પડ્યું છે. હાજર ભાવ ૬ ડોલર કરતાં વધુ છે, ત્યારે ડિસેમ્બર વાયદો હાલમાં ૫.૩૮ ડોલર મુકાય છે.

- Advertisement -

અમેરિકન મિડવેસ્ટ બેલ્ટમાં, જૂન આરંભે ભાવમાં હવામાંનું પ્રીમિયમ સર્જાયું હતું, તે હવે નીકળી ગયું છે. આ સપ્તાહ અને આવતા સપ્તાહના હવામાનના અમેરિકન વરતારા પાકને નવી જીવંતતા બક્ષશે જે વાયદામાં નવા વેચાણ માટેનું ટ્રીગર બની જશે. શુક્રવારે (આજે) જુલાઇ વાયદાનો પહેલો ડિલિવરી નોટિસ દિવસ છે. નવા પાકના વાયદા કરતાં જુલાઇ વાયદાના ભાવ ઊંચા ઉપજે છે, આનો અર્થ એ થાય કે હાજર બજારમાં જૂના માલની અછત પ્રવર્તે છે.

અમેરિકન અનાજ પાક સૂકા હવામાનને લીધે મુશ્કેલીમાં મુકાયા હતા, પણ હવામાનની નવી આગાહીઓએ બુધવારથી મકાઇ સહિતના બધા અનાજોના ભાવો દબાણ હેઠળ આવ્યા હતા. અમેરિકન કૃષિ મંત્રાલય આજે તેના જૂન વાવેતર સર્વે રિપોર્ટ રજૂ કરે તે અગાઉ એનાલિસ્ટોએ મકાઇ વાવેતર અંદાજ માર્ચના ૯૨૦ લાખ હેક્ટરથી ઘટાડીને ૯૧૮.૫ લાખ હેકટર મૂક્યો હતો.

મકાઇ એ જીવનાવશ્યક વસ્તુ છે, જગતના અર્થતંત્રો પર તેના ભાવની વ્યાપક અસર જોવા મળે છે. ખોરાક, ફ્યુઅલ, પશુ આહાર સહિત અનેક ઉપયોગમાં લેવાતી મકાઈનો વ્યાપક વેપાર આખા વિશ્વમાં થતો હોય છે. બ્રાઝિલ પછી અમેરિકામાં સૌથી વધુ મકાઇનું ઉત્પાદન થાય છે. જુદા જુદા કારણોસર જો મકાઈનાં ભાવમાં બદલાવ આવે તો તેની સીધી અસર અન્ય અનાજ પર થતી હોય છે, જેમાં માંગ પુરવઠા સ્થિતિ, હવામાનનું વલણ અને જગાણાની આર્થિક વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

દર વર્ષે ડિસેમ્બર મહિનો એ નવા મકાઇ પાકનો વાયદો ખેડૂતો અને વેપારીઓ માટે ખાસ હેજિંગ મહિનો ગણાય છે. ડિસેમ્બર ૨૦૨૩ના મકાઇ વાયદાને દૈનિક ચાર્ટને આધારે જોઈએ તો જણાય છે કે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યાર પછી મે ૨૦૨૨માં તે સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યો હતો. ત્યાર પછી એવા સમાચાર આવ્યા કે બ્રાઝિલ જમ્બો મકાઇ પાકને લઈને બજારમાં ઉતરશે એ સાથે જ ચીનથી એવા અહેવાલ આવ્યા કે મે ૨૦૨૩ મહિનામાં ભાવ ડાઉન ટ્રેન્ડ શરૂ ના કરે ત્યાં સુધી તેની ખરીદી આવશ્યકતા મુજબ ઓછી કરશે, આને લીધે ભાવ ઘટવા શરૂ થઈ ગયા હતા.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular