Deputy Chief Minister Harsh Sanghavi in Chhota Udepur to woo the tribal community : ગુજરાતની ગાદી પર બેસવા માટે પાટીદારો અને ઓબીસી મતની જેટલી જરૂરી છે તેટલી જ આદિવાસીઓની પણ છે. આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસ અને હવે આમ આદમી પાર્ટી વધુ પ્રભુત્વ ધરાવે છે. ચૈતર વસાવા આદિવાસી નેતા (Tribal leader Chaitar Vasava) તરીકે એક મોટો ચહેરો છે અને હાલમાં તે જેલવાસ ભોગવી રહ્યા છે. વિધાનસભા-2027ની ચૂંટણીમાં સત્તા જાળવી રાખવી ભારતીય જનતા પાર્ટી માટે ભારે અઘરી બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ને ગુજરાતના આદિવાસીઓની ચિંતા સતાવવા લાગી છે અને એટલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ આદિવાસી વિસ્તારોમાં આંટાફેરા શરૂ કરી દીધા છે.
નવેમ્બર મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આદિવાસી વિસ્તારોમાં બે પ્રવાસ (Bhupendra Patel’s visit to tribal area) કરી ચૂક્યા છે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ગત 15 નવેમ્બરના રોજ છોટાઉદેપુર તથા દાહોદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ભૂપેન્દ્રભાઈએ હાજરી આપી એક રોડ શો પણ કરી નાંખ્યો હતો. ત્યારબાદ દાહોદ જિલ્લાના ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ ગરબાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સ્થાનિક આદિવાસી કલાકારો સાથે સંવાદ કર્યો હતો.
આદિવાસીઓ સમક્ષ પ્રેમ-ભાવ રજૂ કરીને ભૂપેન્દ્ર પટેલ પરત ફર્યાના એકાદ સપ્તાહમાં જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છોટાઉદેપુરના કવાંટ અને જેતપુર પાવી તાલુકાના આદિવાસી વિસ્તારમાં પહોંચી ગયા (Harsh Sanghavi’s visit to tribal area) છે. હર્ષ સંઘવીએ આદિવાસી વિસ્તારોમાં જનસંવાદ, જનસુનાવણી, ‘ખાટલા બેઠક’ અને વિકાસકાર્યોની સમીક્ષા શરૂ કરી દીધી છે. સંઘવીએ કવાંટની મોટી ચીખલોડ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ સાથે ભોજન લીધું હતું. ભાજપના હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક ઉપરાંત છોટાઉદેપુરના સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર્સ તેમજ યુવાઓ સાથે સંઘવીએ સંવાદ કર્યો હતો. સંઘવી આજે રવિવારે હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને જન સુનાવણી કાર્યક્રમ યોજાયો હતો અને 106 સ્થાનિક અરજદારોની રજૂઆતો સાંભળી હતી. વોલીબોલ સ્પર્ધામાં ભાગ લેનારા યુવા આદિવાસી રમતવીરોનો જુસ્સો વધારવા સંઘવી હાજર રહ્યા હતા.








