નવજીવન ન્યૂઝ. દાહોદ: Dahod News : ગુજરાતનાં કેટલાક અંતરિયાળ વિસ્તારો કે જે જંગલથી નજીક છે, ત્યાં વન્ય પ્રાણીઓ ઘણી વાર ઘૂસી આવતા હોય છે અને માણસો કે પછી પશુઓ પર હુમલો કરતાં હોય છે. આ વન્ય પ્રાણીઓમાં મુખ્યત્વે દીપડા ગામોમાં ઘૂસી આવતા હોય છે અને હુમલા કરતાં હોય છે. આવો જ એક કિસ્સો દાહોદના (Dahod) ગરબાડા ગામમાં સામે આવી છે. એક વૃદ્ધ મહિલા રાત્રિના સમયે પોતાના ઘરની બહાર સૂઈ રહ્યા હતા તે દરમિયાન દીપડાએ મહિલા ઉપર હુમલો કર્યો હતો. દીપડાના હુમલાના (Leopard Attack) કારણે મહિલા ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ મહિલાનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરા મૂકી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદમાં આવેલા ગરબાડા ગામ ખાતે ગરમીનો સમય હોવાથી રાત્રિના સમયે ઘરની બહાર વૃદ્ધ મહિલા સૂઈ રહ્યા હતા, આ દરમિયાન મધરાત્રે દીપડો ગામમાં ઘૂસી આવ્યો હતો. બહાર ખાટલા પર સૂઈ રહેલા વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો અને મહિલાને ગળાના ભાગે બટકું ભરી લીધું હતું. જેના કારણે મહિલા ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા હતા અને બૂમાબૂમ કરતા ઘરના લોકો પણ બહાર દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં મહિલાને સારવાર માટે ગામના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું હતું.
દીપડાના હુમલાના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. માનવભક્ષી દીપડાના હુમલાની ઘટનાની જાણ વન વિભાગની ટીમને કરવામાં આવતા વનવિભાગની ટીમ પણ ગામ ખાતે દોડી આવી છે અને પાંજરા મૂકી માનવભક્ષી દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા અમરેલીના જાફરાબાદમાં પણ દીપડાએ 67 વર્ષીય વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો હતો. જેના કારણે વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ત્યારબાદ થોડા દિવસ અગાઉ જૂનાગઢના વિસવાદરના અંતરિયાળ ગામડામાં દીપડાએ બે વ્યકિતઓ પર હુમલો કર્યો હતો, જેના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અવાર-નવાર દીપડાઓના માણસો પર વધી રહેલા હુમલાથી લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








