નવજીવન ન્યૂઝ. કચ્છ: અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપોરજોય વાવાઝોડાએ (Cyclone Biparjoy) ગતરોજ સાંજે કચ્છના (Kutch) જખૌ નજીક લેન્ડ ફોલ કર્યું હતું. જેના કારણે આજુબાજુના વિસ્તારોમાં તીવ્રતા સાથે પવન ફૂંકાતા ભારે નુકશાનના સમાચાર મળી રહ્યા છે. વિનાશક વાવઝોડામાં લોકોના જીવ ન જાય તે માટે તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ વચ્ચે રાહતના સમાચાર એ મળી રહ્યા છે કે મહાવિનાશક વાવઝોડામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. પરંતુ ચીજવસ્તુઓને ભારે નુકશાન થયુ છે. NDRF, SDRF અને ગુજરાત પોલીસની ટીમ દ્વારા આફતને પહોંચી વળવા સતત 24 કલાક ખડેપગે કામગીરી કરવામાં આવી હતી. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોનું જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. હાલ વાવાઝોડા બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠેર-ઠેર વિસ્તારોમાં પાણી ભરાયું છે. તે વચ્ચે NDRFના જવાનો લોકો માટે દેવદૂત બની રેસ્કયૂની કામગીરી કરતા હોવાનો વીડિયો (Rescue Video)સામે આવ્યો છે.
કચ્છમાં વાવઝોડાના લેન્ડ ફોલ બાદ કચ્છ, માંડવી, લખપત અને નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે લોકોના ઘરોમાં ઘૂંટણસમું પાણી ભરાઈ ચૂક્યું છે. માંડવીમાં ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો ઘરોમાં ફસાયા હતા. જેની જાણ NDRFની ટીમ થતા તાત્કાલિક મદદ માટે સ્થળે પહોંચી હતી. ઘરમાં ફસાયેલા 5થી 6 લોકોને હેમખેમ રીતે બહાર કાઢી લોકોના જીવ બચાવ્યા હતા. હાલ આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એક તરફ આકાશી આફત અને બીજી તરફ ઘરમાં પાણી ઘૂસી જતા લોકોનું જનજીવન ખૂબ જ પ્રભાવિત થયુ છે. ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે આખી રાત લોકો ઉંઘી શક્યા ન હોતા.
વાવાઝોડું ત્રાટક્યા બાદ કચ્છમાં ચોમેર તબાહીના દૃશ્ય જોવા મળી રહ્યા છે, કાચા મકાનોના પતરા ઉડ્યા છે. ચારેબાજુ નદીની માફક પાણી જ પાણી જોવા મળતા જળ, જમીન અને વાયુ ત્રણ આફતે જાણે કે કચ્છને બાનમાં લીધુ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મળી 5 હજારથી વધુ વીજપોલ ધરાશાયી થયા છે, જેના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ચૂક્યો છે. હજુ પણ પૂરઝડપે પવન ફૂંકાતા વીજપૂરવઠો પુનઃ કાર્યરત કરાય તેવી શક્યતા નહિવત જોવા મળી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796