Thursday, April 16, 2026
HomeBusinessસોનાના ભાવને ધ્યાનમાં લઈએ તો ચાંદી હજુ પણ સસ્તી

સોનાના ભાવને ધ્યાનમાં લઈએ તો ચાંદી હજુ પણ સસ્તી

- Advertisement -

મે મહીનાના આરંભથી અત્યાર સુધી ચાંદી ૧૨ ટકા અને સોનું પાંચ ટકા વધ્યા

રોકાણકારો તાંબામાં નફા બુકિંગ શરૂ કરશે તો ચાંદીને પીછેહઠ કરવાની ફરજ પડશે

ચાંદી આ વર્ષે સૌથી ઉત્તમ વળતર આપનાર કોમોડીટીઓમાંની એક સાબિત થઈ

પ્લેટિનમ એક વર્ષની ઊંચાઈએ મુકાઇ

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આખરે જે થવાનું હતું તે થયું, સપ્તાહ અંતે કીમતી ધાતુઓના ગ્રૂપને ચાંદીએ (Silver) દોરવણી આપવાનું કામ સંભાળી લીધું. ચાંદી ઘણા વર્ષોની ઊંચાઈ પ્રાપ્ત કરીને ગોલ્ડ સિલ્વર રેશિયોને (Gold Silver Ratio) ૧:૭૫ સુધીના લેવલે નીચે જવાની ફરજ પાડી. શુક્રવારે એકજ દિવસમાં ચાંદીના ભાવ વધીને ૩૧.૪૯ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૩૪૭ ગ્રામ) થયા ત્યારે એકજ દિવસમાં ઐતિહાસિક ૬.૨૫ ટકાનો ઉછાળો દાખવતાં હતા, એક સપ્તાહમાં આ ઉછાળો ૧૦ ટકાનો હતો. સોમવારે ભાવ ૩૨.૫૦ ડોલર, નવેમ્બર ૨૦૧૨ની ઊંચાઈએ પહોંચ્યા હતા.

શુક્રવારે ચાંદીને તેજીની ઘોડેસવારી કરાવવાનું કામ મુખ્યત્વે તાંબાએ કર્યું હતું. એલએમઇ ત્રિમાસિક તાંબું ૨.૮૮ ટકાના ઉછાળે સોમવારે ૧૧,૧૦૧.૫૦ ડોલર વિક્રમ ઊંચાઈએ પહોંચ્યું હતું. શક્ય છે કે હવે પછી ચાંદી ૩૩.૫ અને ૩૪.૫ ડોલરના રેસિસ્ટંટને પાર કરી જાય. જગતભરમાં રાજકારણીઓ યુદ્ધની મમતે ચઢતા, અને ફુગાવો બેકાબૂ બનતા વધેલા આર્થિક જોખમો સામે રક્ષણ મેળવવા રોકાણકારોએ વૈકલ્પિક અસ્કયામતોમાંથી લાભ લેવાનું શરૂ કર્યું. પરિણામે મે મહીનાના આરંભથી અત્યાર સુધી ચાંદી ૧૩ ટકા અને સોનું (Gold) ૫.૨૫ ટકા વધ્યા હતા.

- Advertisement -

સેન્ટ્રલ બેન્કોની મજબૂત માંગને ધ્યાનમાં રાખી ટ્રેડરો લેવાલ હતાં, સોમવારે હાજર સોનુ ૧.૨૫ ટકા વધીને ૨૪૪૫ ડોલર ઇન્ટ્રાડેમાં બોલાયું હતું. સોનાએ ૨૪૦૦ ડોલરના રેસિસ્ટંટને સફળતા પૂર્વક પાર કરી દેતા, તેજીવાળા હવે ૨૪૭૫ ડોલર ભાવને લક્ષ્યાંક બનાવશે. અમેરિકન અર્થતંત્રમાં જોખમ વધ્યું હોવા સાથે, વ્યાજદર ઘટાડવાની હવાને બળ મળતા રોકાણકારો હજુ પણ સોનાને સલામત રોકાણનું સ્વર્ગ ગણી રહ્યા છે. જો રોકાણકારો તાંબામાં વિક્રમ ઊંચાઈએથી નફા બુકિંગ શરૂ કરશે તો ચાંદીને પીછેહઠ કરવાની ફરજ પડશે.

સોનાએ નવા નવા વિક્રમો સ્થાપીને હેડલાઇન સર્જી, રોકાણકારોનું ધ્યાન આકર્ષિત કર્યું છે પણ, ચાંદીમાં ફંડો, રોકાણકારો સાથે ભરપૂર ઔધ્યોગિક માંગને પગલે સોના કરતાં વધુ વેગથી વધવાનું આરંભયું છે. સોનાને પાછળ રાખી દઈ ૨૦૨૪મા ચાંદીમાં ૨૫ ટકા કરતાં વધુની વૃધ્ધિ થઈ છે. પરિણામે આ વર્ષે સૌથી ઉત્તમ વળતર આપનાર કોમોડીટીઓમાંની એક સાબિત થઈ છે. જો સોનાના ભાવને ધ્યાનમાં લઈએ તો ચાંદી હજુ પણ સસ્તી છે. હાલમાં રેશિયો ઘટ્યો છે, તે જોતાં હજુ પણ ૧ ઔંસ સોનાથી ૭૫.૬૩ ઔંસ ચાંદી ખરીદી શકાય છે. ૨૦ વર્ષના રેશિયોની સરેરાશ ૬૮ની છે.

છેલ્લા ૨૦ વર્ષમાં જોઈએ તો ગોલ્ડ સિલ્વર રેશિયો ૧૯ માર્ચ ૨૦૨૦ના રોજ ૧૨૩.૪૯ની ઐતિહાસિક ઊંચાઈ અને ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ૬૩.૬૨ના તળિયે ગયો હતો. બંને ધાતુ, અર્થતંત્ર અને કરન્સી સામે સલામતી (હેજિંગ) અસ્ક્યામત હોવાથી ભાવો સમાંતરે સરખા વધવા ઘટવા જોઈએ. સેન્ટ્રલ બેન્કોની ખરીદી, ભારત અને ચીનનો રિટેલ ખરીદીમાં રસ, તેમજ અમેરિકા સહિત આખી દુનિયામાં વ્યાજઘટાડાની શકયતાએ સોનાને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદ કરી છે. સોનાની તેજી સાથે ચાંદી પણ તેજીના ઘોડે સવાર થઈ છે. આ તરફ સિલ્વર આધારિત એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણકારોનો ઊંચા ભાવે રસ ઘટ્યો છે, સાથે જ ફિઝિકલ ચાંદીમાં પણ નજીવી વેચવાલી જોવાઈ રહી છે.

- Advertisement -

કીમતી ધાતુ કોમ્પ્લેક્સમાં તમામ ધાતુના ભાવ વ્યાપક વધ્યા છે. પ્લેટિનમ એક વર્ષની ઊંચાઈએ મુકાઇ છે. જુલાઇ પ્લેટિનમ વાયદો સોમવારે ૧૧૦૫ ડોલર મુકાયો હતો. ગત સપ્તાહમાં પ્લેટિનમ ૯ ટકા અથવા ૯૦ ડોલર વધી હતી, જે ફેબ્રુઆરી પછી સૌથી વધુ સાપ્તાહિક વધારો હતો. આ સપ્તાહે અમેરિકન અર્થતંત્રના આંકડા ખાસ કરીને ઘરોનું વેચાણ, ઉત્પાદન અને સર્વિસ સેકટરના સેન્ટિમેન્ટનો સર્વે પર રોકાણકારો ધ્યાન કેન્દ્રિત કરશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular