નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા(AMC) દ્વારા ચા માટે વપરાતા પેપર કપ પર પ્રતિબંધ(Paper cups ban) લગાવવામાં આવ્યો છે. માત્ર અમદાવાદ(Ahmedabad) શહેરમાં જ રોજના 20થી 25 લાખ પેપર કપનો ઉપયોગ થતો હોય કચરો અને ડ્રેનેજ લાઈન બ્લોકની સમસ્યા સર્જાતા આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં ચાના વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે નવો ફણગો ફૂટ્યો છે જેમાં આ પ્રતિબંધથી સત્તાધીશો જ અજાણ છે તેવું સામે આવ્યું છે.
સત્તાધીશોનો નિર્ણયના વિરોધમાં
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રોજ લાખોની સંખ્યામાં ઉપયોગમાં આવતા ચાના પેપર કપ પર પ્રતિબંધ લગાવાયો છે. શહેરમાં કચરાની વિકરાળ બનતી સમસ્યા અને ડ્રેનેજ તેમજ સ્ટ્રોમ વોટરની પાઈપ લાઈન બ્લોક થવાની સમસ્યાને કારણે આ નિર્ણય કર્યાનું સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ જણાવે છે. મનપાના આ નિર્યણને મોટાભાગના લોકો સરાહનીય ગણે છે પરંતુ ચાના વેપારીઓ આ મામલે રોષે ભરાયા છે. ત્યારે ચૂંટાયેલા સત્તાધીશો અધિકારીઓના નિર્ણયની વિરોધમાં સૂર ઉઠાવતા જોવા મળ્યા છે. વળી એક વર્ગ એવો પણ છે જે આરોગ્યની ચિંતાને લઈ પેપર કપ પરના પ્રતિબંધને ગેરવાજબી ઠેરવી રહ્યાં છે.
કમિશનરે જાતે જ નિર્ણય કર્યો ?
પેપર કપ પર પ્રતિબંધ બાદ મનપાના અધિકારીઓ લારી-ગલ્લા પર ચેકિંગ માટે નિકળવાના હતા પરંતું હજુ તેવું થઈ રહ્યું નથી. જેની પાછળ ચૂંટાયેલા પ્રતિનિધીઓ અને વેપારીઓનો રોષ જવાબદાર હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. ત્યારે એક મીડિયાના અહેવાલ પરથી માહિતી મળે છે કે, આ મામલે મેયર જણાવે છે કે મનપા કમિશનર જાતે નિર્ણય લઈ શકે છે. તેમણે સત્તાધીશો સાથે કોઈ ચર્ચા કરી નથી. વળી હાલ મેયર તો વિદેશ યાત્રા પર છે માટે તેઓ પરત ફરશે ત્યારે આ મામલે ફરી ચર્ચા થશે. જેથી જણાય છે કે, પેપર કપ પર પ્રતિબંધ મામલે પુનઃવિચારણા કરવામાં આવી શકે છે.
મામલો ક્યાં પહોંચશે જોવું રહ્યું
મળતી માહિતી મુજબ હાલ આ મુદ્દે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ વિભાગની ટીમ માત્ર વેપારીઓની સમજાવટ કરશે. અને લારી-ગલ્લા ધારકોને પેપર કપ વિશે સમજણ આપી ઉપયોગ ટાળવા સમજ આપશે. પરંતુ નારાજ વેપારીઓ આ મામલે ઉચ્ચ અદાલત સમક્ષ ધા નાખે તેવી પણ તૈયારીઓ કરી રહ્યાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ત્યારે હવે જોવું રહ્યું કે પેપર કપના પ્રતિબંધના નિર્ણયને લઈ સર્જાયેલી અસમંજસનું શું પરિણામ આવે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








