Sunday, April 19, 2026
HomeBusiness27 ફેબ્રુઆરીથી ચાંદીના પેપર સોદા સામે ચીને યુધ્ધ જાહેર કરી દીધું

27 ફેબ્રુઆરીથી ચાંદીના પેપર સોદા સામે ચીને યુધ્ધ જાહેર કરી દીધું

- Advertisement -

પેપર સોદાથી ભેરવાઈ પડેલા પશ્ચિમના એક્સ્ચેન્જ પરના સોદા સામે ડીલીવરીનું જોખમ
હાજર ચાંદી સામે રોકડા અને દૂરડીલીવરી વાયદામાં લાંબા સમયથી ચાલતા ઉંધા બદલા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા): હાજર ચાંદી સામે રોકડા અને દૂર ડીલીવરી વાયદામાં લાંબા સમયથી ચાલતા ઉંધા બદલા (હાજર કરતા વાયદામાં નીચા ભાવ)ના સૂચિતાર્થો કહે છે કે હાજર બજારમાં સતત અને મોટી લેવાલી રહ્યા કરે છે. પરિણામે ચીન સહિતના જગતના તમામ ચાંદી આધારિત ઉદ્યોગો મુશ્કેલીમાં મકાઇ ગયા છે. આના ઉપાય તરીકે ચીને 27 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવે તે રીતે ચાંદીના પેપર સોદા સામે યુધ્ધ જાહેર કરી દીધું છે. હાજર બજારમાં આવી વધુ પડતી માગે અમેરિકન કોમેક્સ અને એલબીએમએ (લંડન બુલિયન એન્ડ મેટલ એક્સચેન્જ)માં ચાંદીનો સ્ટોક તળિયાજાટક સ્થિતિમાં મુકાઇ ગયો છે. પરિણામે આવા પશ્ચિમના દેશોના પેપર સોદાએ ભાવ નિર્ધારણ પરનો પ્રભાવ ગુમાવી દીધો છે. હવે ગંભીર સમસ્યા સર્જાતાં, વાસ્તવિક હાજર બજારના ભાવ નિર્ધારણને પૂર્વીયદેશોની બજાર તરફ સ્થળાંતરી થવાની ફરજ પાડી છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા ચીને જાન્યુઆરી 2026થી નિકાસ પરવાનાઓ પર કડક નિયંત્રણો મૂકી દીધા, પરિણામે વાયદાની કે પેપર સોદાની તેજીનો ઊભરો સમવા લાગ્યો હતો.

- Advertisement -

શુક્રવારે કોમેક્સ માર્ચ 2026 ડિલિવરી વાયદો, હાજર ભાવ 78.32 ડોલર પ્રતિ ઔંસ (31.10347 ગ્રામ) સામે 10 સેન્ટના ઉંધા બદલાથી 78.22 ડોલર બોલાતો હતો. શાંઘાઇ કોમોડિટી એક્સ્ચેન્જ પર રજિસ્ટર્ડ ચાંદીનો સ્ટોક 2021ની સર્વોચ્ચ ઊંચાઈએથી 88 ટકા ઘટીને એક દાયકાના તળિયે 350 ટન રહી ગયો છે. ચીનમાં ફિજિકલ ચાંદીની ઐતિહાસિક અનામતની અછત સર્જાઇ છે, તેને રક્ષણ આપવા 27 ફેબ્રુઆરીથી વધુ પડતી તેજીના પેપર સોદા પર સીધુંજ હલ્લાબોલ કર્યું છે. આમ કરીને ચીને પોતાના ઉદ્યોગો અને રોકાણકારોને ફિજિકલ ચાંદીની આગામી ખતરનાક તેજીમાં, માંગ સામે રક્ષણ આપવાનો ઉપાય શોધી કાઢ્યો છે.

આપણે હવે ચાંદીના વાસ્તવિક સ્ત્રોત મેળવવાની દોડમાં ઉતરી ચૂક્યા છીએ. આ યુધ્ધ હવે ટ્રમ્પ પેપર ગેમ સામે ફિજિકલ (હાજર) ચાંદીના કબજા નિયંત્રણ અને સટ્ટાની તલવારબાજીમાં રૂપાંતરિત થવાનું છે. આની અસર હવે જાગતિક ચાંદી બજારમાં જડપથી જોવા મળશે. પશ્ચિમના દેશો માટેના ચાંદી મેળવવાના મુખ્ય સ્ત્રોત ચીન, હવેથી પોતાને ત્યાંથી ફિજિકલ ચાંદીનો પુરવઠા પ્રવાહ પર કુંડલી મારીને બેસી જશે. આને આપણે વૈશ્વિક સિલ્વર વોર કહીશું. એવું લાગી રહ્યું છે કે, જગતની સૌથી મહત્વની વ્યૂહાત્મક ખનીજ ચાંદી એકઠી કરવા, ચલણના પ્રિન્ટિંગ પ્રેસ તરીકે ઉપયોગ કરીને ચાંદીના સ્ટોકને પોતાને ત્યાં પ્રવાહિત કરીને, ચીન આ યુધ્ધ જીતી જશે.

જો આ ઓપરેશન સફળ થાય તો, પશ્ચિમની બેકિંગ સિસ્ટમ અત્યારે ચાંદીની અછતમાંથી બુલિયન બજારમાં ઉદ્ભવેલી ઇજારાશાહી ગમ્મે ત્યારે પડી ભાંગશે, અને લાલ ડ્રેગન ચાંદીના કબજેદાર બની જશે. ચીન અત્યારે એવી વ્યૂહરચના ઘડી રહ્યું છે કે, જેમાં તેના સોલાર પેનલ, ઇવી મોટર બેટરી, ઈલેક્ટ્રોનિક્સ અને મિલટરી જેવા સ્થાનિક ઉધ્યોગમાં ચાંદીનો પુરવઠો ખૂટી પડે તે અગાઉજ અથવા તેની અછત સર્જાય તે પહેલા જ માલ કોર્નર કરી લેવાની નિયત ધરાવે છે. ચીનના શાંઘાઇ કોમોડિટી એક્સચેન્જે આવી વ્યૂહરચના તૈયાર કરીને 27 ફેબ્રુઆરી 2026થી રોકડા (નિયર ટર્મ) વાયદા પર સીધો હુમલો કર્યો છે. જેમાં વાયદાના સોદાને સરભર કરવાની ફરજ પડે અને પોતાને ત્યાંની ફિજિકલ ચાંદીનો સ્ટોક, જે કટોકટીના સ્તરે તળિયે જતો રહ્યો છે તેનું રક્ષણ થાય.

- Advertisement -

આ પગલાંને લીધે ખાસ કરીને મોટાપાયે પેપર સોદાથી ભેરવાઈ પડેલા પશ્ચિમના એક્સ્ચેન્જ પરના સોદા સામે ડીલીવરીનું જોખમ સર્જાય અને આખી દુનિયામાં હાહાકાર મચી જાય. આ ઘાટનાથી અત્યારે દરેક ભારતીય રોકાણકારોએ એ સમજવાની જરૂર છે અથવા તેમણે પોતાને એવો સવાલ કરવો રહ્યો કે શું ચીન એવી કોઈ ચાલ રમી રહ્યું છે કે જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણે ચાંદીના ભાવનું નિર્ધારણ, ચીન જ કરી શકશે? પરિણામે ચીનનું ફયાટ (કાગળિયું) નાણું યુઆન આખી દુનિયામાં સર્વોપરી થઈ જાય અને ભાવ નિર્ધારણ માત્ર યુઆનમાં જ થઈ શકે? જે અત્યારે ડોલરમાં થાય છે. આમ કરવાથી જગતભરના આરબીટ્રાજ (ભાવ ફરકના) સોદા યુઆન તરફ આકર્ષિત થાય, ચાંદીની વૈશ્વિક તિજોરીઓ તળિયાજાટક થઈ જાય, અને તેનો ફિજિકલ પ્રવાહ ચીન તરફ વહેવા લાગે.

જો તમે વાયદાના સોદા સામે ચીનમાં આગોતરા અને ખાસ પ્રકારનો હેજિંગ ક્વોટા મંજૂર નહીં કરાવ્યો હોય તો, જે તે ડિલિવરી મહિનાની હેજિંગ પોજીશન, વાયદો કટ થવા પહેલા જ, તમારા તમામ સોદા આપોઆપ શૂન્ય થઈ જશે. માત્રને માત્ર સાચા ઔધ્યોગિક હેજિંગ સોદા જ, પૂર્વ મંજુરીથી ડિલિવરી દિવસ સધી ઊભા રાખી શકશે. સટ્ટાકીય તેજીના સોદા અથવા પૂર્વમંજૂરીના સોદા જ આગળ ખેંચી શકાશે. આનું સીધું પરિણામ વાયદામાં ફિજિકલ ડિલિવરીની ખેંચતાણ અને ભાવ પરનું દબાણ બંને ઘટશે. ફિજિકલ અથવા હાજર કોમોડિટી જેમ કે ચાંદીના સોદાનું સમાધાન, ઊંચા ભાવ ઓફર કારનાનરની તરફેણમાં જ આખરે પ્રવાહિત થતું હોય છે, અને મોટા નફાના હક્કદાર પણ તેઓ જ બનતા હોય છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular