પત્રકાર અને સાહેબની તોડબાજીમાં ભાગીદારી
આરોપીની પત્રકારની ઑફિસ પર પોલીસ જાપ્તો ગોઠવી દેવાયો
નવજીવન ન્યૂઝ.સુરતઃ ગુજરાતનું કોઈ શહેર કે ગામ બાકી નહીં હોય જ્યાં ગેરકાયદેસર બાંધકામના નામે તોડ નહીં થતો હોય. સુરત શહેરમાં આવા એક તોડ પ્રકરણમાં Gujarat ACB ની ટીમ 24 કલાકથી મથામણ કરી રહી છે. 4 લાખની લાંચની રકમ લઈને ભાગી ગયેલા એક પત્રકાર કમ તંત્રી તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કલાસ વન અધિકારીને શોધવા ACB દોડધામ કરી રહી છે. એસીબીની ટીમે નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારની ઑફિસ ખાતે ગુરૂવાર રાતથી પોલીસ જાપ્તો ગોઠવી દેવાયો હતો. આજે એસીબી ટીમે ઑફિસમાંથી CCTV, DVR સહિત કેટલાંક ડિજિટલ એવિડન્સ કબજે કર્યા છે. સર્ચ દરમિયાન SMC ના ફરાર કાર્યપાલક ઈજનેર અને પત્રકારની સાંઠગાંઠના કેટલાંક પુરાવા પણ હાથ લાગ્યા છે.
તોડબાજીમાં પત્રકાર અને અધિકારીની ભાગીદારી
સુરત શહેરમાં આવેલા સંતોષ સબ ઈન્ડસ્ટ્રીયલ પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ થતું હોવાની નોટિસ આપી તેમજ ડિમોલેશનની કામગીરી આરંભી તોડ કરવાનું કાવતરૂં રચાયું હતું. Surat Municipal Corporation ના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાએ લાખોની લાંચ લેવા પત્રકાર ઈસ્માઈલ પઠાણ ઉર્ફે પરવાના ઉર્ફે ઇસ્લામ પઠાણ થકી પ્લોટ માલિકનો સંપર્ક કર્યો હતો. બાંધકામ નહીં તોડવાની શરતે શરૂઆતમાં 21 લાખ વિપુલે માગ્યા હતા. રકઝકના અંતે 15 લાખ નક્કી થતાં 4 લાખનો પ્રથમ હપતો 19 ફેબ્રુઆરીના રોજ અને બાકીના 11 લાખ આગામી સોમવારે આપવાનું નક્કી થયું હતું.
ફરિયાદીએ ચારેક મિનિટ બાદ PIને જાણ કરી
ગુરૂવારે રાતે ઈસ્માઈલ પઠાણ ઉર્ફે પરવાનાનો ફોન આવતા ફરિયાદીએ એસીબી પીઆઈ કે.જે.ધડૂક (PI K J Dhaduk) ને જાણ કરી હતી. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી ઑફિસમાં ફરિયાદી 4 લાખની લાંચ આપવા ગયા ત્યારે Team ACB થોડેક દૂર ઊભી રહી હતી. આરોપી લાંચ સ્વીકારી લે ત્યારબાદ ફરિયાદીએ એસીબી પીઆઈ ધડૂકને જાણ કરવાની હતી. જો કે, લાંચ આપતી વખતે ફરિયાદી ગભરાઈ ગયા હતા અને તેની જાણ આરોપીને થઈ જતાં તે 4 લાખની રોકડ સ્વીકારીને તુરંત ટુ વ્હીલર પર ફરાર થઈ ગયો હતો. ચારેક મિનિટ બાદ ફરિયાદીએ પીઆઈ ધડૂકને મામલાની જાણ કરી હતી. દરમિયાનમાં દૈનિક અખબારનો ઑફિસ બૉય કચેરીને તાળા મારી નીકળી ગયો હતો.
બંને આરોપી ફોન સ્વીચ ઑફ કરી ભૂર્ગભમાં
લાંચ પેટે સ્વીકારેલા 4 લાખ રૂપિયા સાથે આરોપી પત્રકાર ફરાર થઈ ગયો હોવાની જાણ થતાં એસીબીના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. ઈસ્માઈલ પઠાણ ઉર્ફે પરવાના ઉર્ફે ઈસ્લામ પઠાણે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરી દીધો હતો. બીજી તરફ મુખ્ય આરોપી વિપુલ ગણેશવાલાને ACB Trap ની જાણકારી મળતા તે પણ ફોન બંધ કરી ઘર છોડીને ભૂર્ગભમાં ઉતરી ગયા છે. એસીબીની ટીમે બંને આરોપીઓના ઘર તેમજ નિવાસસ્થાને સર્ચ કર્યું હતું.








