Thursday, April 30, 2026
HomeGujaratકહાની દીકરીના પ્રેમનીઃ અરવલ્લીમાં દીકરીના લીવર ડોનેશનથી પિતાને મળ્યું નવું જીવન

કહાની દીકરીના પ્રેમનીઃ અરવલ્લીમાં દીકરીના લીવર ડોનેશનથી પિતાને મળ્યું નવું જીવન

- Advertisement -

અરવલ્લીમાં લાગણીનો મહાસાગર: પિતાનું લીવર કામ કરતું બંધ થયું તો પરણેલી દીકરીએ પોતાના ‘કાળજાનો કટકો’ આપીને જીવતદાન આપ્યું!

બાયડ/અરવલ્લી: કહેવાય છે કે ‘દીકરો તો એક ઘર તારે, પણ દીકરી તો બે ઘર તારે’. આ કહેવતને અરવલ્લીની એક પરણીત દીકરીએ સાર્થક કરી બતાવી છે. સામાન્ય રીતે દીકરીને વહાલનો દરિયો કહેવામાં આવે છે, પરંતુ મુસીબતના સમયે તે પિતા માટે હિમાલય બનીને પણ ઊભી રહી શકે છે. બાયડના એક પિતા જ્યારે જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા હતા, ત્યારે તેમની દીકરીએ પોતાના શરીરનો અંશ (લીવર) દાન કરીને પિતાને પુનર્જન્મ આપ્યો છે.

- Advertisement -

પિતાની પીડા દીકરીથી ન જોવાઈ
બાયડ તાલુકાના મુખ્ય મથકે રહેતા મહેશભાઈ જીભાઈભાઈ બ્રહ્મભટ્ટ છેલ્લા ઘણા સમયથી લીવરની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. સારવાર દરમિયાન તબીબોએ સ્પષ્ટ કહી દીધું હતું કે, “તેમનું લીવર ફેઈલ થઈ ગયું છે અને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટ વિના બચવું મુશ્કેલ છે.” ડોનરની શોધ અને બીમારીની પીડા વચ્ચે પરિવાર હતાશામાં ડૂબી ગયો હતો. પિતાની આ વેદના ભિલોડાના મુનાઈ ગામે સાસરે રહેતી તેમની દીકરી હેતલબેન નરેશભાઈ પંડ્યાથી સહન ન થઈ.

સાસરી પક્ષના સાથથી લીધો ઐતિહાસિક નિર્ણય
હેતલબેને એક પણ ક્ષણનો વિચાર કર્યા વિના નક્કી કરી લીધું કે તે પોતાના પિતાને બચાવશે. જોકે, તે પરણેલી હોવાથી સાસરી પક્ષની મંજૂરી જરૂરી હતી. પરંતુ અહીં માનવતા મહેકી ઉઠી. સાસરિયાઓએ પણ વહુના આ નિર્ણયને વધાવી લીધો. તમામ મેડિકલ ટેસ્ટ બાદ હેતલબેને પોતાના લીવરનો હિસ્સો પિતાને દાન કર્યો. સર્જરી સફળ રહી અને પિતાને નવજીવન મળ્યું.

સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો
આજના સમયમાં પણ ઘણા લોકો દીકરાની ઘેલછામાં દીકરીને ઓછું મહત્વ આપે છે. પરંતુ બ્રહ્મભટ્ટ પરિવારના આ કિસ્સાએ સમાજની આંખ ઉઘાડી છે. હેતલબેને સાબિત કર્યું છે કે લોહીના સંબંધોમાં અંતર કે સાસરું ક્યારેય બાધારૂપ નથી બનતું. પિતાએ જેને ‘કાળજાના કટકા’ની જેમ ઉછેરી હતી, આજે એ જ દીકરીએ પોતાના કાળજાનો (લીવરનો) કટકો આપીને પિતૃઋણ અદા કર્યું છે. સમગ્ર પંથકમાં હેતલબેનની આ પિતૃભક્તિની ભરપેટ પ્રશંસા થઈ રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular