નવજીવન ન્યૂઝ.ઉનાઃ ગુજરાતમાં હાલમાં જ્યાં ચૂંટણીનો માહોલ છે ત્યારે જાતિ, ધર્મ, ઊચ-નીચને લઈને ગંદુ રાજકારણ રમાઈ રહ્યું છે ત્યારે લોકોના મનમાં નફરતનું ઝેર નાખવામાં આવી રહ્યું છે. જ્યાં દેશના આગેવાનો આ નફરતની ભાષા બોલી રહ્યા છે ત્યાં દેશના પંજાબ સ્થિત ચંદીગઢથી યુવાન ગુજરાતના ઉના શહેર સુધી ભાઈચારા અને એક્તાનો સંદેશ ફેલાવવા સાયકલ પર નીકળી પડ્યો છે. શું જાય છે આ યુવાનનું જો તે તમારા અમારા જેવી સામાન્ય જીંદગી વિતાવે તો? કોઈ કહે કે હિન્દુ તારો દુશ્મન છે, કોઈ કહે મુસ્લિમ તારો દુશ્મન છે, એવું માની કેમ લેતો નથી, પણ તેનું સાચું કારણ અને તેનું પરિણામ અને તેનો ખરો ધર્મ કદાચ આ યુવાન સારી રીતે જાણી ગયો છે. આપણા ગ્રંથોએ પણ આપણને જ્યાં માનવતા પરમોધર્મ પણ સિખવ્યું છે.
પંજાબના ચંદીગઢ ખાતે રહેતા અમિત ત્યાગી જ્યારે ધો. 8 માં અભ્યાસ કરતા હતા ત્યાંથી એક વિચાર આવ્યો હતો કે હું ભારત દેશ સહિત વર્લ્ડ ટુર પર જઈશ અને લોકો સુધી ભાઈચારા અને એકતાનો સંદેશ આપવા સાઇકલથી ટુર પર નીકળીશ. તેવા સંદર્ભે તેઓ પ્રથમ સમગ્ર ભારત દેશ ફરશે, જેના પગલે આજે ઉના શહેરમાં પહોંચતા તેમને 203 દિવસ થયા છે. કુલ 5500 કિ.મીનું અંતર કાપી ઉના શહેરમાં તેમજ દેલવાડામાં આવેલ સુપ્રસિદ્ધ ઝુલતા મિનારાની મુલાકાત લઈ તેમણે મિનારાને નિહાળ્યા હતા. તેમણે આવી ઇમારત ભારત દેશ માટે અજાયબીથી કમ નથી તેમ જણાવ્યું હતું.
ઉના પહોંચતા અમિત ત્યાગીને 203 દિવસ થયા. પંજાબના ચંદીગઢથી અમિત ત્યાગી તા. 22 ડિસેમ્બર, 2021થી નીકળ્યા છે. દરિયાઇ કાંઠા વિસ્તાર માર્ગે સાયકલ પર ફરી તેઓ એક કલાકમાં 20 કિ.મીનું અંતર કાપે છે. એક દિવસમાં તેઓ 156 કિ.મી કાપે છે. ભારત દેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોના તમામ ગામોની મુલાકાત કરી પ્રથમ શ્રીલંકા જશે. ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયા સહિતના તમામ દેશોમાં પરિભ્રમણ કરી સંદેશો આપશે. આમ તમામ દેશોમાં ફરતા તેમને 5 વર્ષ જેવો સમય લાગશે તેવું તેમણે જણાવ્યું હતું.