નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: મણિપુરની હિંસાને (Manipur Violence) લઈને હવે બે મહિના ઉપરનો સમય વીતી ચૂક્યો છે. હવે આ પૂરો મુદ્દો સુપ્રિમ કોર્ટે (Supreme Court) ધ્યાને લીધો છે અને કેન્દ્ર સરકાર પાસે તે અંગે જવાબ માંગ્યા છે. સુપ્રિમ કોર્ટમાં બેચની આગેવાની કરતાં મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ (CJI dy chandrachud) પહેલાં તો પોલીસ પર પ્રશ્ન કર્યા. કેન્દ્રના પક્ષ મૂકનારા સોલિસિટર જનરલ તુષાર મહેતાને મુખ્ય ન્યાયાધીશે પૂછ્યુ કે, “મહિલાઓ પર થયેલા અત્ચાચારની ઘટના 4 મેના રોજ ઘટી હતી અને તેની એફઆઈઆરની નોંધણી 18 મે નારો જ થઈ હતી. કેમ પોલીસે આ ઘટનાની એફઆઈઆર લેવામાં 14 દિવસ લીધા? અને પોલીસ 4 મેથી 18 મે સુધી શું કરતી હતી?” સુપ્રિમ કોર્ટની આ બેન્ચે એ પણ નોંધ કરી છે કે “મહિલાઓ પર થયેલી આ ભયાવહ ઘટનામાં તેમની સાથે જાતિય હિંસા પણ થઈ હતી. અને બે અઠવાડિયા પહેલાં સોશિયલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થયો હતો. અને આ એક માત્ર આવી ઘટના નહીં હોય, બલકે આવી અન્ય ઘટનાઓ બની હોય તેવી સંભાવના છે.”
સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે સોલિસિટર જનરલ તુષાર મહેતાને એમ પણ પૂછ્યું કે, “4 મેના રોજ ઘટના બની હતી તે દિવસે એફઆઇઆર કરવામાં પોલીસને શું અડચણ આવી હતી?” આ સંદર્ભે તુષાર મહેતાએ જણાવ્યું કે, “18 મેના દિવસે આ ઘટનાની નોંધ લેવાઈ. અને વિડિયો આવતાં માત્ર 24 કલાકમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી.” મુખ્ય ન્યાયાધીશે એમ પણ પૂછ્યું કે કુલ કેટલી એફઆઈઆર નોંધાઈ છે? સોલિસિટર જનરલે તે વિશે કહ્યું કે, આ ઘટના બની ત્યાં વીસ એફઆઈઆર નોંધાઈ છે અને પૂરા રાજ્યમાં અલગ-અલગ ઘટનાઓને લઈને કુલ 6000 એફઆઈઆરની નોંધાઈ છે.
સુપ્રિમ કોર્ટે આ ઘટનાને ગંભીરતાથી તો લીધી છે, પણ સાથે સાથે મણિપુરની હિંસાને લઈને દરેક બાબતો સંબંધે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. મુખ્ય ન્યાયાધીશ એક પછી એક પ્રશ્ન પૂછતાં હતા. આગળ તેમણે પૂછ્યું કે, ‘મહિલાઓ સાથેની આ ઘટની બની ત્યારે શું પોલીસ અજાણ રહી? અને કેમ એફઆઈઆર 20 જૂનના રોજ મેજિસ્ટ્રેટ પાસે ટ્રાન્સફર કરવામાં આવી?’ પછી એમેય કહ્યું કે, “બીજી એક વાત. તમે કહ્યું કે 6000 એફઆઈઆર નોંધાઈ છે. આ એફઆઈઆરનું વર્ગીકરણ થયું છે કે નહીં? મહિલાઓ વિરુદ્ધ ગુનાઓમાં કેટલાં લોકો સામેલ હતા? જેમ કે કેટલી એફઆઈઆર એવી છે જેમાં વ્યક્તિઓને નુકસાન થયું હોય, કેટલી એવી છે જેમાં સંપત્તિનું નુકસાન થયું છે અને ધાર્મિક સ્થાનોને નુકસાન થયું હોય તેવી એફઆઈઆર કેટલી છે?” આ પ્રશ્નો અંગે સોલિસિટર જનરલ પાસે કોઈ જવાબ નહોતો. આ જવાબથી મુખ્ય ન્યાયાધીશને આશ્ચર્ય થયું અને તેમણે એમ પણ કહ્યું કે મહિલાઓ સાથે જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે તે હિંસા વ્યવસ્થામાં પ્રસરી હોય ત્યારે જ બને.
મણિપુર અંગે થયેલી લાંબી ચર્ચા દરમિયાન મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું કે, “પીડિતાના નિવેદનમાં તેમણે એમ કહ્યું છે કે પોલીસ દ્વારા જ તેમને ભીડને સોંપવામાં આવ્યા હતા. આ સ્થિતિ નિર્ભયાના કેસ જેવી નથી. નિર્ભયાનો કેસ પણ ભયાવહ હતો, પરંતુ તે ઘટના એકલદોકલ સમાન હતી. પરંતુ મણિપુરની ઘટના તેવી નથી. વ્યવસ્થામાં જ્યારે હિંસા પેસી જાય ત્યારે આવી ઘટના બને છે. ‘આઈપીસી’ હેઠળ આવી ઘટનાને વિશેષ અપરાધમાં સમાવિષ્ટ થાય છે. તમને એવું નથી લાગતું કે આવી ઘટના બને ત્યારે તેમાં વિશેષ ટીમની જરૂર છે? મણિપુરને હવે શાંત પાડી શકે તેવાં કોઈ સ્પર્શની જરૂર છે. કારણ કે આ હિંસા અટકી રહી નથી.”
મણિપુરના હિંસા દરમિયાન મુખ્ય ન્યાયાધીશ પ્રશ્ન કરતાં રહ્યા અને સોલિસિટર જનરલ પાસે કોઈ જવાબ ન હતો તેમ લાગતું હતું. મુખ્ય ન્યાયાધીશે એ વાત પણ ટાંકી કે, “અમારો વિચાર એ છે કે સમાજની આસ્થા પુનઃ સ્થાપિત થાય. આ બંધારણીય પ્રક્રિયા છે. આ સંદેશો આપણે સૌ સુધી પહોંચાડવો જોઈએ.”








