Neha Bora Jantar Mantar demanding the resignation of Chief Election Commissioner Gyanesh Kumar: દિલ્હીમાં જંતર મંતર પર ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા રાજીનામું આપવામાં આવે તેવી માગ સાથે યુવાનો મેદાને પડ્યા છે. ચૂંટણી કાર્યવાહીને લઈને ગંભીર પ્રકારના આરોપો જ્ઞાનેશ કુમાર અને વડાપ્રધાન પર લાગી રહ્યા છે. આ પ્રોટેસ્ટ દરમિયાન AISA ની નેશનલ પ્રેસિડેન્ટ નેહા બોરા, સ્વરાજ ઈન્ડિયાના સભ્ય યોગેન્દ્ર યાદવ સહિત ઘણા લોકો ડિટેઈન થયા છે. જેમાં મહિલા પોલીસ પર અજી પ્રકારના આરોપ લાગવા લાગ્યા છે. મહિલા પોલીસ પર યુવતીઓ સાથે અભદ્ર વર્તન, પકડીને પુરુષ પોલીસને સોંપી માર ખવડાવવા, સ્ત્રીઓને ડંડા નહીં કોણી અને નખ મારવા અને અહીં સુધી કે બ્રા ખેંચવાના આરોપ લાગી રહ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર તરફ કૂચ કરી રહેલા અનેક પ્રદર્શનકારીઓની શનિવારે પોલીસે અટકાયત કરી હતી. All India Students’ Association (AISA)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરા અને Swaraj Indiaના સભ્ય યોગેન્દ્ર યાદવ સહિતના પ્રદર્શનકારીઓ બીજી વખત જંતર-મંતર તરફ જઈ રહ્યા હતા. એક દિવસ અગાઉ પણ બોરા અને યાદવ સહિત અંદાજે 550 પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. આ અગાઉ પહેલા દિવસે પણ 700 જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ હતી.
પોલીસે બંને દિવસના વિરોધ અંગે જણાવ્યું હતું કે પ્રદર્શન માટે મંજૂરી આપવામાં આવી નહોતી. શનિવારે પ્રદર્શનકારીઓ સતત બીજા દિવસે એકઠા થયા હતા અને જંતર-મંતર તરફ કૂચ શરૂ કરી હતી. નેહા બોરા, યોગેન્દ્ર યાદવ અને વિદ્યાર્થી કાર્યકરો ઉપરાંત રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ અને વકીલ પ્રશાંત ભૂષણ પણ ત્યાં હાજર હતા. પ્રદર્શનકારીઓએ બેરિકેડની પ્રથમ લાઇન પાર કરી હતી, ત્યારબાદ પોલીસે જંતર-મંતર રોડ નજીક તેમને અટકાવી બસોમાં બેસાડ્યા હતા.
અટકાયત દરમિયાન નેહા બોરા સહિત કેટલાક પ્રદર્શનકારીઓ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. સતત બે દિવસથી જંતર-મંતર ખાતે વિરોધના પ્રયાસોને પગલે મધ્ય દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી હતી. નવી દિલ્હી જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા હતા. વિસ્તારમાં આશરે 5,000 પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા અને અનેક સ્તરે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું.
આજે શનિવારે કેટલીક મહિલાઓ દ્વારા દિલ્હીની મહિલા પોલીસ પર ગંભીર આરોપો લગાવાયા હતા. અહીં સુધી કે હવે ડંડાથી નહીં, કોણી અને નખ મારીને મારવામાં આવતા હોવાના આરોપ પોલીસ પર લાગી રહ્યા છે. બીજી બાજુ આજે કોક્રોચ જનતા પાર્ટીએ મુંબઈમાં જ કહ્યું કે હવે આગામી 10મી ઓક્ટોબરે તેઓ જંતર મંતર પર પ્રોટેસ્ટ કરશે. જેને લઈને હવે આ પ્રોટેસ્ટમાં એક તરફ નેહા બોરા અને અન્ય અગ્રણીઓ સાથે યુવાનો છે તો હવે કોક્રોચ જનતા પાર્ટી GenZ સાથે ત્યાં પહોંચવાની તૈયારી કરી રહ્યું છે.
શુક્રવારના વિરોધને લઈને પોલીસે અજાણ્યા લોકો સામે ત્રણ FIR નોંધ્યાનું પણ જણાવાયું છે. તેમાં જાહેર સેવક દ્વારા જારી કરાયેલા આદેશના અનાદર, જાહેર સેવકને ફરજ બજાવવામાં અવરોધ, જાહેર સેવક સામે ગુનાહિત બળના ઉપયોગ અને કેટલાક લોકો દ્વારા સમાન હેતુસર કરવામાં આવેલા કૃત્યો સહિતની કલમો હેઠળ તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.
ગાંધી જયંતીના દિવસે જંતર-મંતર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. સવારે જ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન અને જંતર-મંતર આસપાસનો વિસ્તાર બેરિકેડથી સીલ કરવામાં આવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, 4,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો. દરેક ઝોનની જવાબદારી DCP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી હતી. પ્રદર્શન સ્થળ પર નજર રાખવા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
AAPના દિલ્હી પ્રમુખ સૌરભ ભારદ્વાજ સવારે આશરે 10:30 વાગ્યે ત્યાં પહોંચ્યા હતા અને પોલીસે તેમને પણ બસમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ અશોકા રોડ, જનપથ અને ટોલ્સટોય રોડ તરફથી આવતા પ્રદર્શનકારીઓને પાર્લામેન્ટ સ્ટ્રીટ નજીકના રાઉન્ડઅબાઉટ પાસે રોકવામાં આવ્યા હતા અને તેમને ફતેહપુર બેરી તથા બદારપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
AISAના રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરા જ્યારે Swaraj Indiaના યોગેન્દ્ર યાદવ અને RTI કાર્યકર નિખિલ ડે સાથે ત્યાં પહોંચ્યા ત્યારે પોલીસના જણાવ્યા મુજબ 500 લોકોની અટકાયત થઈ ચૂકી હતી. બોરાએ અશોકા રોડ પાર કરીને પાર્લામેન્ટ સ્ટ્રીટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેમને પાછળ ધકેલ્યા બાદ બોરા અને યાદવ રસ્તા પર બેસી ગયા હતા અને સમર્થકોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ બંને સહિત કેટલાક પ્રદર્શનકારીઓને બસમાં બેસાડ્યા હતા.
બસમાંથી યોગેન્દ્ર યાદવે ગાંધી જયંતીના દિવસે દિલ્હીમાં થઈ રહેલી પોલીસ કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે સરકારની સરખામણી બ્રિટિશ સરકાર સાથે કરી હોવાનો અહેવાલમાં ઉલ્લેખ છે.
અગાઉ 700થી વધુ લોકોની અટકાયત થયાનો દાવો કરવામાં આવ્યો હતો, જોકે પોલીસે અટકાયત કરાયેલા પ્રદર્શનકારીઓની સંખ્યા આશરે 550 હોવાનું જણાવ્યું હતું. તેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝા સહિતના લોકોનો સમાવેશ થતો હતો.
ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનમાંથી શેર કરવામાં આવેલા એક વીડિયોમાં આતિશીએ જણાવ્યું હતું કે તેઓ જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા અને દિલ્હી પોલીસે AAPના નેતાઓ તથા કાર્યકરોની અટકાયત કરી હતી. વીડિયોમાં કેટલાક અટકાયતમાં લેવાયેલા AAP કાર્યકરો ‘જ્ઞાનેશ કુમાર, રાજીનામું આપો’ જેવા સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.
પ્રદર્શન પહેલાં સૌરભ ભારદ્વાજે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે વિરોધ કરવો તેમનો લોકશાહી અધિકાર છે. તેમણે પોલીસ દ્વારા મંજૂરી ન મળ્યાની વાતનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે AAPએ છ દિવસ પહેલાં શાંતિપૂર્ણ પ્રદર્શન માટે મંજૂરી માગી હતી.
જંતર-મંતર સુધી પહોંચી ન શકેલા કેટલાક પ્રદર્શનકારીઓ બપોર સુધી જનપથ આસપાસ નાના જૂથોમાં વિરોધ કરતા રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા વડાપ્રધાન તથા CEC વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓએ મતદાર યાદીની SIR પ્રક્રિયા અને ‘વોટ ચોરી’ સાથે જોડાયેલા સંદેશાવાળા પોસ્ટર પણ પ્રદર્શિત કર્યા હતા.
પ્રદર્શન દરમિયાન હાજર એક IT પ્રોફેશનલે જણાવ્યું હતું કે વિરોધ માત્ર CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચના રાજીનામાની માંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ SIRને લઈને પણ લોકોમાં અસંતોષ છે. અન્ય એક પ્રદર્શનકારીએ ચૂંટણી પંચ પાસેથી જવાબદારી નક્કી કરવાની માંગ સાથે પ્રદર્શનમાં ભાગ લેવાનું પોતાનું કારણ જણાવ્યું હતું.
સાંજે આશરે 6 વાગ્યા સુધીમાં તમામ પ્રદર્શનકારીઓને મુક્ત કરી દેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે BNSSની કલમ 163 હેઠળના પ્રતિબંધાત્મક આદેશો 21 ઓક્ટોબર સુધી વિસ્તારમાં લાગુ રહેશે. પોલીસના જણાવ્યા મુજબ, હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી અને પ્રદર્શનકારીઓની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. પોલીસે પ્રદર્શનકારીઓ સાથે મારપીટના આક્ષેપને નકારી કાઢ્યો હતો.








