CJP GYANESH KUMAR RESIGNATION PROTEST: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા શરૂ કરવામાં આવેલા ‘જેલ ભરો આંદોલન’ને પગલે શુક્રવારે દિલ્હી અને મુંબઈમાં વિરોધ પ્રદર્શન યોજાયા હતા. ચૂંટણી યાદીની Special Intensive Revision (SIR) પ્રક્રિયા અને મતદારોના નામ સાથે જોડાયેલી કથિત અનિયમિતતાઓને લઈને પ્રદર્શનકારીઓએ CECના રાજીનામાની માંગ કરી હતી. બંને શહેરોમાં સુરક્ષા વધારવામાં આવી હતી અને દિલ્હીમાં 700થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીઓને ટાંકીને જણાવાયું છે.
CJP દ્વારા મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક (Chatrapati Shivaji Maharaj Park) ખાતે સાંજે 4 વાગ્યે Gate No. 6 પાસે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. CJPના સ્થાપક અભિજીત દિપકેએ જણાવ્યું હતું કે આ અભિયાન અન્ય શહેરોમાં પણ વિસ્તરશે અને અંતે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન યોજાશે. સંસ્થા પોતાને સ્વતંત્ર રાખશે અને 6 ઓક્ટોબરના ચૂંટણી પંચ સામેના વિપક્ષના પ્રદર્શનમાં જોડાશે નહીં, તેમ પણ જણાવાયું હતું.
મુંબઈમાં વિરોધ માટે Shivaji Parkની મંજૂરી પોલીસ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, પાર્કમાં સભા માટેના નિયંત્રણો, નાગરિક પરવાનગી તથા ટ્રાફિક અને ઇમરજન્સી અવરજવર અંગેની ચિંતાઓને કારણે મંજૂરી આપવામાં આવી નહોતી. તેમ છતાં CJPએ ‘જેલ ભરો…’ વિરોધની જાહેરાત કરી હતી.
CJPના અભિજીત દિપકેએ મુંબઈમાંથી આંદોલન શરૂ કરવા પાછળનું કારણ સમજાવતા 2024ની લોકસભા ચૂંટણી અને ત્યારબાદની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 48માંથી 9 બેઠકો જીતી હતી, જ્યારે છ મહિના બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 132 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. મહાયુતિના સહયોગી પક્ષો સાથે મળીને 288માંથી 230 બેઠકો મળી હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવ્યા મુજબ, 2024ની લોકસભા ચૂંટણીમાં મહાયુતિને કુલ 17 બેઠકો મળી હતી, જેમાં ભાજપની 9, શિવસેનાની 7 અને NCPની 1 બેઠકનો સમાવેશ થતો હતો. બીજી તરફ મહાવિકાસ આઘાડીએ કોંગ્રેસની 13, શિવસેના (UBT)ની 9 અને NCPની 8 બેઠકો સાથે કુલ 30 બેઠકો મેળવી હતી. એક બેઠક અપક્ષને મળી હતી.

વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે ‘વોટ ચોરી’ના આક્ષેપો કર્યા હતા અને મહારાષ્ટ્રની વિદર્ભની બેઠકોનો ઉલ્લેખ કરીને ચૂંટણી વ્યવસ્થામાં કથિત ગેરવ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ગાંધી જયંતીના દિવસે વિરોધ પ્રદર્શન અંગે દિપકેએ મહાત્મા ગાંધીના આંદોલનોનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ વરિષ્ઠ પત્રકાર અને શાંતિ કાર્યકર જતિન દેસાઈએ મુંબઈનો મહાત્મા ગાંધી સાથેનો ઐતિહાસિક સંબંધ દર્શાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, 9 ઓગસ્ટ 1942ના રોજ તત્કાલીન બોમ્બેના ગવાલિયા ટેન્ક ખાતે મહાત્મા ગાંધીએ ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી.

દિલ્હીમાં જંતર-મંતર ખાતે પણ CEC જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન All India Students’ Association (AISA), રાજ્યસભા સાંસદ મનોજ ઝા અને સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા બોલાવવામાં આવ્યું હતું. તેમાં AAP નેતાઓ, Indian Youth Congressના સભ્યો તથા વિદ્યાર્થી અને નાગરિક સમાજના કાર્યકરો જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ જ્ઞાનેશ કુમારના રાજીનામા અથવા મહાભિયોગની માંગ સાથે SIR પ્રક્રિયા અને મતદાનના અધિકારો પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતેના પ્રદર્શનને મંજૂરી આપી નહોતી અને Bharatiya Nagarik Suraksha Sanhita (BNSS)ની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કર્યા હતા. આ આદેશ હેઠળ પૂર્વ લેખિત મંજૂરી વિના પાંચ કે તેથી વધુ લોકોની સભા, સરઘસ, પ્રદર્શન, પિકેટિંગ અને ધરણા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, 700થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. SFIના લગભગ 700 સભ્યો જંતર-મંતર તરફ જવાનો પ્રયાસ કરતા તેમને અશોકા રોડ રાઉન્ડઅબાઉટ પાસે રોકવામાં આવ્યા હતા. AAP નેતા સંજય સિંહને પણ નોર્થ એવન્યુ પાસે રોકવામાં આવ્યા હતા. AISA ની નેહા બોરા સહિતના પ્રદર્શનકારી યુવાનોની અટકાયત કરી લેવાઈ હતી.
દિલ્હીમાં જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. મહત્વના સ્થળોએ બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા હતા અને પ્રદર્શન સ્થળ તથા આસપાસના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ટ્રાફિક પોલીસે જંતર-મંતર, પાર્લામેન્ટ સ્ટ્રીટ, અશોકા રોડ, ટોલસ્ટોય માર્ગ અને આસપાસના રસ્તાઓથી બચવાની સલાહ આપી હતી.

જંતર-મંતર પ્રદર્શન દરમિયાન પૂર્વ દિલ્હી મુખ્યમંત્રી આતિશી, ધારાસભ્ય કુલદીપ કુમાર, AAP પ્રવક્તા અનુરાગ ધાંડા અને કેટલાક નગરપાલિકા કાઉન્સિલરો સહિત AAPના નેતાઓ અને કાર્યકરોને દક્ષિણ દિલ્હીના ફતેહપુર બેરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
દરમિયાન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં CJPના પ્રદર્શન દરમિયાન ચૂંટણી પંચ સામેના આક્ષેપોને ‘ફેક નેરેટિવ’ ગણાવ્યા હતા અને ચૂંટણી કમિશનરો દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટીકરણોનો ઉલ્લેખ કર્યો હતો. બીજી તરફ CJPના સૌરવ દાસે CEC જ્ઞાનેશ કુમાર સામે આકરા આક્ષેપો કર્યા હતા અને લોકોને પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી હતી. કેટલાક સ્થાનિક રહેવાસીઓએ વારંવાર થતા પ્રદર્શનોને લઈને અસુવિધા, ટ્રાફિક અને શાળા-હોસ્પિટલની નજીકના વિસ્તાર અંગે વાંધો વ્યક્ત કર્યો હતો.
CJPના ભૂતપૂર્વ પ્રવક્તા વિજેતા દહિયાએ જંતર-મંતર ખાતે પ્રદર્શનકારીઓના વિરોધ કરવાના અધિકારનો બચાવ કર્યો હતો. CJPએ મુંબઈમાં પ્રદર્શન દરમિયાન અટકાયત કરવામાં આવતા કાર્યકરોને કાનૂની સહાય આપવા માટે વકીલોની ટીમ ઉપલબ્ધ રહેશે તેવી પણ જાહેરાત કરી હતી.45912








