Sunday, September 13, 2026
HomeNavajivan CornerLink In Bioઆર્ટિફિશિયલ સ્વીટનર જીવનમાં કડવાશ લાવી શકે છે?

આર્ટિફિશિયલ સ્વીટનર જીવનમાં કડવાશ લાવી શકે છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ WHO અંતર્ગત કાર્ય કરતી સંસ્થા ‘ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઑન કેન્સર’નો હાલમાં પ્રગટ થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આર્ટિફિશિયલ સ્વીટનર (Artificial Sweetener) એટલે કે કૃત્રિમ મીઠાશ કેન્સરને આમંત્રણ આપે છે. આર્ટિફિશિયલ સ્વીટનરમાં સૌથી વધુ એસ્પાર્ટેમનો ઉપયોગ થાય છે. આ સિવાય સેકરીન, સુક્રાલોસ, સ્ટેવિઆઅને એસેસુલફેમ પણ સ્વીટનર તરીકે ઉપયોગમાં લેવાય છે. એસ્પાર્ટેમ સિન્થેટીક કેમિકલ છે અને ખાંડ કરતા તે બસો ગણુ મીઠાશ ધરાવે છે. તેનો ઉપયોગ મહદંશે આઇસક્રીમ, કોલ્ડ ડ્રિંક અને ચ્યુંઇગ ગમ જેવાં ઉત્પાદનોમાં થાય છે. સ્વીટનરથી કેન્સર થવાની ભીતિ હાલમાં જેમ દાખવવામાં આવી છે, તેમ અગાઉ પણ અનેક વખત કેટલીક બીમારીના કારણોમાં વધુ પડતાં સ્વીટનરને દર્શાવવામાં આવતું રહ્યું છે. જેમ કે, હૃદય સંબંધિત બીમારી, અલ્ઝાઇમર અને માઇગ્રેન પણ તેનાથી થાય છે. આ અંગે 2015માં અમેરિકાના આહાર સંબંધિત માપદંડોની દેખરેખ રાખનારી સંસ્થા ‘ફેડરેલ ટ્રેડ કમિશન’ અને ‘ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન’ સમક્ષ એક પીટીશન પણ થઈ હતી. ત્યારે આ બંને સંસ્થાઓએ તપાસની ખાતરી આપીને તે વખતે કોઈ પણ પગલાં લીધા ન હતા. હવે તેને લઈને ફરી એક ચેતવણી આવી છે.

Artificial Sweetener News
Artificial Sweetener News

એસ્પાર્ટેમનો ઉપયોગ 6000થી વધુ પ્રોડક્ટમાં થાય છે. એસ્પાર્ટેમ એમિનો એસિડ ફેનિલેલાનાઇન અને અસ્પાર્ટિક એસિડ, આ ઉપરાંત તેમાં મિથાઈલ ઇસ્ટર હોય છે. 1987માં ‘યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનેશનલ’[યુપીઆઈ]માં સંશોધક ગ્રેગરી ગોર્ડન દ્વારા સ્વીટનરમાં રહેલાં ઝેરી તત્ત્વોને લઈને ખાસ્સા અહેવાલ પ્રકાશિત થયા હતા. તેમાં ગોર્ડને સ્વીટનરના ઉદ્યોગો અને અમેરિકાના આહારની તપાસ કરતી સંસ્થાઓની સાંઠગાંઠને પણ બહાર લાવ્યા હતા. આ અહેવાલોમાં ગોર્ડને અનેક ચોંકવાનારી વિગતો ટાંકી છે જેનાથી આર્ટિફિશિયલ સ્વીટનરના જોખમોને માપી શકાય. આ અહેવાલો આજે પણ ‘યુપીઆઈ’ પર વાંચી શકાય છે.

- Advertisement -
Artificial Sweetener WHO Report
Artificial Sweetener WHO Report

આ અહેવાલોથી ખ્યાલ આવે છે કે, એસ્પાર્ટેમ શોધનાર કંપની અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત ‘જી. ડી. સિઅર્લે’ હતી. આ કંપનીએ સૌપ્રથમ ‘નુટ્રાસ્વીટ’ નામે એસાર્ટેમને બજારમાં મૂક્યું હતું. બજારમાં મૂકતાં પહેલાં તેની તપાસ કરાવવામાં આવતાં કંપનીને ચેતવનારા ‘યુનિવર્સિટી ઑફ ઇલિયોન્સ’ના વિજ્ઞાનીઓ હતા. તે વખતે વિજ્ઞાનીઓને કંપનીને એટલે સુધી કહ્યું હતું કે જો આ પ્રોડક્ટ બજારમાં મૂકવામાં આવશે અને જો તેનો ઉપયોગ ગર્ભવતી મહિલાઓ કરશે તો તેનાં ગર્ભમાં રહેલાં બાળકોના મગજને પણ નુકસાન થઈ શકે છે. બાળકોના ડોક્ટર અને જિનિટીસ્ટ ડો. રેવુબન મેથાલોને પણ જી. ડી. સિઅર્લે કંપનીને જણાવ્યું હતું કે, માર્કેટમાં મૂકતાં અગાઉ હજુ પણ એસ્પાર્ટેમ પર સંશોધન થવું જોઈએ. જોકે તેવું સંશોધન ક્યારેય થયું નહીં. ગોર્ડનના આ અહેવાલોમાં તેમણે એવાં કેસ ટાંક્યા છે, જેમને એસ્પાર્ટમના વધુ સેવનથી નુકસાન થયું હોય અને તેમણે કંપની વિરુદ્ધ દાવા માંડ્યા હોય. તે વખતે પણ ગોર્ડનના આ રિપોર્ટ સામે અમેરિકાની આહારનો માપંદડ રાખતી સંસ્થાએ તપાસ કરાવી અને તેમાં થયેલાં સંશોધનોમાં છેલ્લે એસ્પાર્ટેમને આહાર માટે સુરક્ષિત ગણાવી લેવામાં આવ્યા હતા. જોકે ગોર્ડનની આ સિરીઝ અટકી નહીં. તેમણે આ અંગે એક અન્ય અહેવાલ પ્રકાશિત કર્યો તે ‘વ્હોટ ધ ક્રિટિક્સ સે અબાઉટ નુટ્રાસ્વીટ’. આ લેખમાં તેમણે અનેક ડોક્ટર અને વિજ્ઞાનીઓનું નિવેદન લીધું છે, જે સૌ એસ્પાર્ટેમને જોખમી ગણાવી રહ્યા છે. ઉપર દર્શાવેલી બીમારીઓ એસ્પાર્ટેમથી આવે છે તેવું અલગ-અલગ નિવેદનમાં ડોક્ટરો-વિજ્ઞાનીઓ સ્વીકારે છે.

Artificial Sweetener Article
Artificial Sweetener Article

આ વિશે દુનિયામાં અલગ-અલગ સ્થાને રિસર્ચ થયા છે. 2022માં ‘પીએલઓએસ મેડિસિન’ દ્વારા દસ હજારથી વધુ લોકોને સાંકળીને આર્ટિફિશિયલ સ્વીટનરના ઉપયોગની તપાસ કરવામાં આવી હતી. આ લાંબા ગાળાના સંશોધનમાં એવું સાબિત થયું હતું કે આર્ટિફિશિયલ સ્વીટનરથી મહિલાઓમાં સ્તન કેન્સર અને મેદસ્વીતા સંબંધિત કેન્સરનું જોખમ વધે છે. હવે જ્યાં આ સ્વીટરનરથી આટલાં બધા નુકસાન થઈ રહ્યા છે ત્યારે આ વેચનારી કંપનીઓ તેના સ્વાસ્થ્ય સંબંધિત લાભના ગુણગાન તો ગાય જ છે, સાથે તેને જાહેરાતોમાં પણ ઉપયોગ કરે છે. તેનો એક ગુણ તો ગાઇવગાડીને કહેવામાં આવે છે કે આર્ટિફિશિયલ સ્વીટનર વજન ઘટાડવામાં ઉપયોગી થઈ શકે છે.

આ કૃત્રિમ સ્વીટનરનો ઉપયોગ ભારતમાં પણ મોટાં પ્રમાણમાં થઈ રહ્યો છે. કેટલાંક કિસ્સામાં તો ડોક્ટર સ્વીટનરે પ્રિસ્ક્રાઇબ પણ કરે છે.પરંતુ હવે ‘ડબલ્યુએચઓ’ દ્વારા ચેતવણી આપવામાં આવતાં ‘ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા’એ પણ પોતાની રીતે તેના માપદંડ નિર્ધારીત કરવાનું ઠરાવ્યું છે. આપણા દેશમાં પણ એસ્પાર્ટેમનો ઉપયોગ અનેક પ્રોડક્ટમાં થાય છે. ખાસ કરીને કોલ્ડ ડ્રિંક્સ અને આઇસક્રીમમાં. ભારતમાં પણ તેના વિરુદ્ધ અનેક ડોક્ટરો ખોંખારીને બોલી રહ્યા છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ને આ અંગે ફોર્ટિસ હોસ્પિટલના ચેરમેન ડો. અનુપ મિશ્રા કહે છે કે, લોકોએ પોતાના આહાર વિશે સભાન રહેવું જોઈએ અને જ્યારે આર્ટિફિશિયલ સ્વીટનર લે ત્યારે તે રિસ્કફ્રી છે તેમ માનવું નહીં. મિશ્રા વિશેષ કરીને ડાયટ કોલાના વિરુદ્ધ છે અને તેઓ કહે છે કે, લોકો અજાણતા એસ્પાર્ટેમને આહારમાં લઈ લે છે. મિશ્રા તો ત્યાં સુધી કહે છે કે, ફ્રાન્સમાં થયેલાં એક અભ્યાસ દરમિયાન એવું સ્પષ્ટ તારણ આવ્યું હતું કે, એસ્પાર્ટેમ કેન્સર નોતરે છે. હું આ અભ્યાસને આધાર ગણું છું. તેમણે લોકો પર આર્ટિફિશિયલ સ્વીટનરના ઉપયોગની અસર યોગ્ય પ્રમાણમાં માપી હતી અને તેથી જ આ અભ્યાસને સ્વીટનરના ઉપયોગ સામે ચેતવણીરૂપ ગણું છું.

- Advertisement -

ચેન્નઈ સ્થિત ડાયાબિટીસ નિષ્ણાત ડો. વી. મોહન બિલકુલ વિપરીત વાત કરે છે, તેઓ કહે છે “ડબલ્યુએચઓ અહેવાલમાં કશુંય નવું જોતો નથી. ડબલ્યુએચઓ દ્વારા જ અગાઉ એમ કહેવામાં આવ્યું હતું કે, સ્વીટનરથી કેન્સરથી શક્યતા નહીવત્ છે. આપણી પાસે એવા કોઈ ઠોસ આધાર નથી કે સ્વીટનરને અતિ જોખમી કેટેગરીમાં મૂકીએ. મુખ્ય પ્રશ્ન એ છે કે કેલરી ખાંડથી વધુ ઘી, મેંદો અને અન્ય આવી ચીજવસ્તુથી આવે છે.” તેઓ કહે છે કે ચા કે કોફીમાં એસ્પાર્ટેમની એક-બે ટિકડી હું મારા ડાયાબિટીસના દરદીઓને પ્રિસ્ક્રાઇબ કરું છું. પરંતુ આ ડોઝ કેન્સરની શક્યતા જે દર્શાવવામાં આવે છે તેના કરતાં હજાર ગણો ઓછો છે. સ્વીટનરને જોખમી ન ગણાવતા પણ તેઓ એવું તો છેલ્લે જણાવે જ છે કે હજુ પણ આ અંગે ઠોસ અભ્યાસ થવો જોઈએ.

સ્વીટનર જોખમી છતાં તે વેચાય છે અને તેના પર અંકુશ આવી શક્યો નથી તેનું એક કારણ સ્વીટનરોનો ઉપયોગ કરતી મસમોટી કંપનીઓ લખલૂટ નાણાં ખર્ચે છે. મતલબ કે કંપનીઓ એટલે હદ સુધી જાય છે કે વિજ્ઞાનીઓ અને ડોક્ટરો મીડિયામાં અને ઇન્ટરવ્યૂમાં સ્વીટનર જોખમી નથી તેવો અભિપ્રાય આપે છે. સ્વીટનરની પ્રોડ્યુસ કરતી અમેરિકાની નૂટ્રાસ્વીટ એક પીઆર કંપનીને રોકી હતી, જે આ માટે ડોક્ટરોને મસમોટી રકમ ચૂકવતી હતી.

આ ઉપરાંત સ્વીટનરનો ઉપયોગ કરનારી કંપનીઓ મળીને ‘કેલરી કન્ટ્રોલ કાઉન્સિલ’ નામની એક સંસ્થા બનાવી છે. આ સંસ્થાના વેબસાઈટ પર જે કાંઈ માહિતી મળે છે તેમાં સ્વીટનરને એક સુરક્ષિત ગણાવ્યા છે. વેબસાઇટ પર એક જગ્યાએ એવો પ્રશ્ન ફ્લેશ થાય છે કે, “ઇઝ એસ્પાર્ટેમ સેફ?” મતલબ કે એસ્પાર્ટેમ સુરક્ષિત છે? તેના જવાબમાં અહીં લખવામાં આવ્યું છે કે, “દુનિયાની સોથી વધુ રેગ્યુલેટરી એજન્સીઓએ એસ્પાર્ટેમને સુરક્ષિત ગણાવ્યું છે. અંદાંજે બસોથી વધુ અભ્યાસમાં એસ્પાર્ટેમ સુરક્ષિત સાબિત થયું છે. ઉપરાંત ‘ધ યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી’એ પણ 2013માં જે અહેવાલ પ્રકાશિત કર્યો હતો તેમાં પણ એસ્પાર્ટેમને વયસ્ક અને બાળકો માટે પણ સુરક્ષિત ગણાવ્યું હતું.” આ લેખમાં જે વાત ઉપર લખી છે તેનાથી બિલકુલ વિપરીત અભ્યાસ, નિવેદન આ વેબસાઇટ પર જોવા મળે છે. છેલ્લે જાગ્રત નાગરિક તરીકે એટલું જ ધ્યાને લેવું રહ્યું કે સ્વાસ્થ્ય જેવી બાબતો પર આધાર સરકારી કોઈ એજન્સી પર ન રાખવો, બલકે આપણી સામાન્ય સમજ અનુસાર વર્તવું, કારણ કે બજારના ઝપેટમાં હવે ડોક્ટરો અને વિજ્ઞાનીઓ પણ આવી ગયા છે, જેઓ સ્પષ્ટ રીતે સત્ય ઉચ્ચારતા નથી. જેઓ ઉચ્ચારે છે તેમની વાત આપણી સુધી પહોંચતી નથી.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular