Friday, September 11, 2026
HomeGujaratપોલીસ ઈન્સ્પેક્ટરો અને સબ-ઈન્સ્પેક્ટરોએ મોડી રાત સુધી દારુ-ચીકનની મહેફિલ માણી | શતરંજ-25

પોલીસ ઈન્સ્પેક્ટરો અને સબ-ઈન્સ્પેક્ટરોએ મોડી રાત સુધી દારુ-ચીકનની મહેફિલ માણી | શતરંજ-25

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-25, નવજીવન ન્યૂઝ): રાતની ટ્રેનમાં અમદાવાદ પહોંચેલી રાજસ્થાન પોલીસની ટીમ તૈયાર થઈ લગભગ આઠ વાગ્યા સુધીમાં શાહીબાગ એટીએસની ઑફિસમાં આવી ગઈ. સંત્રી અને ફરજ ઉપરના કમાન્ડોને બાદ કરતાં કોઈ ન હતું. પહેલાં તો એટીએસના કંપાઉન્ડમાં રાજસ્થાન પોલીસના આસિસ્ટંટ સબ ઇન્સ્પેક્ટર કાનજી સીંધાએ થોડાંક ચક્કરો માર્યાં પછી કંટાળો આવતાં, મુખ્ય ગેટ પર એલએમજી ગન સાથે ઊભા રહેલા સંત્રી પાસે તે ગયો. ગનને કવર આપવા માટે રેતીની ગુણો આડી મૂકવામાં આવી હતી, જેથી કરી કદાચ એટીએસની ઑફિસ ઉપર આતંકવાદી હુમલો થાય તો સંત્રી રેતીની ગુણોની આડશમાં રહી સલામત રીતે વળતો જવાબ આપી શકે, કાનજી સંત્રી પાસે જતાં તેણે સોલ્ડર બેઇઝ જોઈ પૂછ્યું : “રાજસ્થાન પુલિસ?” કાનજીએ ‘હા’ પાડી. તેણે તરત ખિસ્સામાંથી બીડી-બાકસ કાઢી, કાનજી સામે ધરી. કાનજીએ ગડીમાંથી સારી બીડી પસંદ કરી બે હોઠોની વચ્ચે દબાવી. તેને સળગાવી અને સળગી છે તેની ખાતરી માટે ઊંડો કશ મારી ધુમાડો બહાર કાઢતાં પૂછ્યું, “સા’બલોગ કિતને બજે આતે હૈં.” સંત્રીએ કહ્યું, “સા’બલોગોં કા કોઈ ભરોસા નહીં.” તરત જ કાનજીએ કહ્યું, “નહીં, હમારે એસપી સાહબ ભી આનેવાલે હૈ.” બંને વાતો કરી રહ્યા હતા… કાનજી રાજસ્થાન પોલીસની તકલીફોની વાત કરતો હતો, જ્યારે સંત્રી ગુજરાત પોલીસ-અધિકારીઓના ત્રાસની ફરિયાદ કરતો હતો, આમ કરતાં કરતાં સાડા દસ વાગી ગયા… ત્યાં એક જિપ્સી કૅમ્પસમાં પ્રવેશી. કાનજી સાઇડમાં ખસી ગયો. સંત્રી સાવધાન થઈ ગયો. કાર ગયા પછી કાનજીએ સંત્રી સામે જોતાં સંત્રીએ કહ્યું : “ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત હૈ, બડે અચ્છે ઇન્સ્પેક્ટર હૈ.”

બીજો કલાક થયો. સંત્રીની નજર અનાયાસે ડાબી તરફ ગઈ. સર્કિટ હાઉસથી અમદાવાદ ઍરપૉર્ટ જવા માટેના રસ્તા ઉપર જમણી તરફ વળો એટલે બસો મીટરના અંતરે એટીએસની ઑફિસ હતી. સંત્રીએ બે-ત્રણ પોલીસકાર એક સાથે આવતી જોઈ. પહેલી કાર દાખલ થતાં જ તેણે ખભા સુધી રાઇફલ ઊંચી કરી સલામી આપી. તે કાર ઇન્દ્રસિંહ જાડેજાની હતી. તેમની જ કારમાં રાજસ્થાનના એસપી રાયસિંગ રાઠોર પણ બેઠા હતા. તે બધા જ સર્કિટ હાઉસથી સાથે નીકળ્યા હોવા જોઈએ. બીજી બે કાર રાજસ્થાન પોલીસની હતી, જેમાં ઇન્સ્પેક્ટર કિરણ રાજપૂત, સબ-ઇન્સ્પેક્ટર ઇકબાલ શેખ અને કાન્તિ ડામોર હતા. ત્રણે કાર પોર્ચ સુધી પહોંચી ત્યાં સુધીમાં રાજસ્થાનના એએસઆઇ કાનજી સીધા દોડતા ત્યાં પહોંચી ગયા. જેવા રાયસિંગ રાઠોર કારમાંથી ઊતર્યા તેની સામે સલામ કરતાં કહ્યું : “જયહિંદ જનાબ.” રાયસિંગે તેની સામે જોતાં પૂછ્યું, “પહુંચ ગયે? અચ્છા, આપકો એકાદ ઘંટે મેં યહા સે છોડ દેંગે. બાકી સૂચના કિરણ રાજપૂત દે દેંગે.” “ઠીક હૈ જનાબ.” પછી બંધ બારણે એક મિટિંગનો દૌર શરૂ થયો. તેમાં ઇન્દ્રસિંહ જાડેજા, ગુજરાત પોલીસના ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત, સબ-ઇન્સ્પેક્ટર ઉદય પટેલ, રાજસ્થાનના એસપી રાયસિંગ રાઠોર, ઇન્સ્પેક્ટર કિરણ રાજપૂત, સબ-ઇન્સ્પેક્ટર ઇકબાલ શેખ અને કાન્તિ ડામોર હતા. જોકે મિટિંગ ખાસ્સી લાંબી ચાલી. બહાર આવ્યા ત્યારે બપોર થવા આવી હતી. ઇન્દ્રસિંહે રાજસ્થાન પોલીસના એએસઆઇને જોતાં જ કેતન રાજપૂતને કહ્યું : “કેતન, પહેલાં આમની જમવાની વ્યવસ્થા કરી દે. પછી તેમને રાજસ્થાન જવા નીકળવાનું છે.” કેતને રાજસ્થાન પોલીસના તમામ અધિકારીઓ માટે જમવાનું કહી દીધું.

- Advertisement -

સાંજના ચાર વાગ્યા હતા. ઇન્દ્રસિંહની ચેમ્બરમાં રાયસિંગ પણ બેઠા હતા. એએસઆઇ કાનજીને કૉન્સ્ટેબલ બોલાવવા આવ્યો. તે ઇન્દ્રસિંહની ચેમ્બરમાં દાખલ થયો. સલામ કરી તેણે જોયું તો ત્યાં એક માણસ હાથકડી સાથે ઊભો હતો. તેને જોતાં જ કાનજી ઓળખી ગયો… તે રામ હતો. રામ પણ કાનજીને ઓળખતો હતો. કાનજીએ તેને ભૂતકાળમાં પકડ્યો હતો. તેણે પણ કાનજી સામે જોયું. બંનેની આંખ મળી. કાનજીના ચહેરા ઉપર આશ્ચર્ય હતું કે, રામ અહીંયાં ક્યાંથી?! પણ તરત રાયસિંગે કહ્યું, “કાનજી, આપ ઇસકો લે કે રાજસ્થાન જાયેંગે. અભી હમને ઇસકો અરેસ્ટ નહીં દિખાયા હૈ, આપ ઉસે અરેસ્ટ દિખાના. લેકિન આપ કી ઇન્ફર્મેશન દિખાના ઔર અરેસ્ટ ડુંગરપુર મેં દિખાના હૈ. એક વ્હિકલ કા ઇંતેજામ કિયા હૈ, ઇસકો લેકે આપ નિકલો.” ઇન્દ્રસિંહે વાત પૂરી કરતાં જ રામ તરફ ઇશારો કરતાં કાનજીને કહ્યું : “પૂરા ખ્યાલ રખના… ઇસે કોઈ તરહ કી તકલીફ ના હો.” કાનજીને આ વાક્ય કંઈ સમજાયું નહીં અને ગમ્યું પણ નહીં. કોઈ આઇપીએસ અધિકારી તેની જ સામે તેનો ખ્યાલ રાખવાની સૂચના આપે? તે રામનો હાથ પકડી બહાર આવ્યો ત્યારે રાજસ્થાનના ઇન્સ્પેક્ટર કિરણ રાજપૂત એક ખાનગી બોલેરો કાર પાસે ઊભા હતા. તેમણે કાનજીને કહ્યું, “ઇસમેં જાના હૈ. આપ કે આદમી કહાં હૈ?” તેવો સવાલ પૂછતાં કાનજી સાથે આવેલા રાજસ્થાન પોલીસના બે કૉન્સ્ટેબલો દોડતા આવ્યા અને ગાડીમાં બેસી ગયા. બોલેરો કાર રામને લઈ શાહીબાગથી નીકળી ગાંધીનગરથી થઈ મોટા ચિલોડા થઈ હિંમતનગર હાઇવે ઉપર દોડવા લાગી.

રાયસિંગે ડુંગરપુર પોલીસ સાથે વાતચીત કરી લીધી. રામની ધરપકડ બતાવી, કોર્ટમાં રજૂ કરી તેને સીધો જેલમાં મોકલી આપવાનો હતો. ઇન્દ્રસિંહે જે રીતે રામ સાથે ગોઠવણ કરી હતી, તે બધાં જ વચનો ગુજરાત અને રાજસ્થાન પોલીસ દ્વારા પૂરાં કરવામાં આવી રહ્યાં હતાં. રાજસ્થાન તરફ કાર દોડી રહી હતી, ત્યારે એએસઆઇ કાનજીના મનમાં પ્રશ્નો ચાલી રહ્યા હતા : જો બધાને અમદાવાદ આવવાનું હતું… તો બે પોલીસકાર હોવા છતાં તેમને કેમ ટ્રેનમાં અમદાવાદ મોકલ્યા? જો રામ એટીએસના હાથે પકડાઈ ગયો હતો, તેની ઑફિશિયલ ઍન્ટ્રી કરી તેને રાજસ્થાન પોલીસને કેમ સોંપ્યો નહીં? બાકીના અધિકારીઓ અમદાવાદ રોકાઈ ગયા હોવાને કારણે કંઈક કામ હજી બાકી હતું તે કયું કામ હતું કે એની ખબર કેમ પડતી ન હતી? રામ જ્યાંથી પકડાયો તેના બદલે તેની ધરપકડ કેમ ડુંગરપુરમાં બતાવવાની સૂચના આપી હતી? કાનજી કૉન્સ્ટેબલમાંથી આસિસ્ટંટ સબ-ઇન્સ્પેક્ટર સુધી પહોંચ્યો હતો. તેણે અનેક આઇપીએસ અધિકારીઓ જોઈ નાખ્યા હતા. તેને સમજાતું હતું કે કંઈક ગરબડ છે પણ તે પહેલી વખત ગરબડ શું છે તેનો અંદાજ મેળવી શકતો નહોતો. છેલ્લે તેણે પોતાના મનને એવું મનાવી લીધું કે આપણે તો ચિઠ્ઠીના ચાકર.

ઇન્દ્રસિંહ સાંજ થતાં પોતાની જ કારમાં રાયસિંગ સાથે ક્રાઇમ-બ્રાન્ચની ઑફિસે પહોંચ્યા. કામ કંઈ ન હતું, પણ તે ડીસીપી વછરાજાનીને મળી કેટલીક બાબતોનું બ્રીફિંગ આપવા માગતા હતા. વછરાજાની અને રાયસિંગ રાઠોર પહેલી વખત મળી રહ્યા હતા. બંને ચેમ્બરમાં દાખલ થતાં જ વછરાજાની પોતાની ચેરમાંથી ઊભા થઈ ગયા. ઇન્દ્રસિંહ અને રાયસિંગે તેમને સૅલ્યૂટ કરી, વછરાજાનીએ રાયસિંગને આવકારતાં તેમની સાથે હાથ મિલાવ્યો અને કહ્યું, “આપ કે કારનામે તો બહુત સુને. મુલાકાત પહેલી બાર હો રહી હૈ.” રાયસિંગના ચહેરા ઉપર શરમની રેખાઓ ખેંચાઈ. તે બોલવામાં માહિર હતા. રાયસિંગે કહ્યું, “સર જી, આપ ગુરુદ્રોણ હૈ, હમ તો એકલવ્ય કી ભાંતિ આપકી આરાધના કરતે હૈ.” હવે વછરાજાની શરમાઈ ગયા. તેમણે કહ્યું, “નહીં નહીં, ઑફિસર, ઇતના ભી બડા મત બનાઇયે.” પછી વછરાજાનીએ ‘રાઠોર કઈ બેચના છે? ક્યાં ભણ્યા? ઘરમાં કોણ કોણ છે?’ વગેરે આડીઅવળી વાતો કરી ત્યારે એસીપી દિનેશ નાયર કોઈ કામ માટે આવી પહોંચતાં ઇન્દ્રસિંહે તેમનો પરિચય કરાવતાં કહ્યું : “યે હમારે દિનેશ નાયર. બહુત હી કાબિલ ઔર બાહોશ ઑફિસર હૈ. નિઝામ ઔર રામ પે જો કામ હુવા ઇન્હોંને કિયા હૈ.” વછરાજાની ઇન્દ્રસિંહની સામે જોઈ રહ્યા હતા, કે આ માણસ કેટલું સિફતપૂર્વક ખોટું બોલી શકે છે. કારણ કે આખું ઑપરેશન એટીએસમાં બેસી ઇન્દ્રસિંહ પોતે હૅન્ડલ કરી રહ્યા હતા, છતાં તેની ક્રેડિટ તે નાયરને આપી રહ્યા હતા! નાયર એવું માનતા હતા કે બધું વછરાજાની જ કરે છે, પણ વછરાજાની તો માત્ર સૂચનાનો અમલ કરાવતા હતા.

- Advertisement -

દિનેશ નાયરને બહુ ઉત્સુકતા હતી. હવે નિઝામનું ઑપરેશન ક્યારે હાથ ધરાશે? પણ તે અંગે વછરાજાનીએ અને ઇન્દ્રસિંહે કોઈ ફોડ પાડી નહીં. નાયર પણ આઇપીએસ અધિકારી હતા. તે બંને સિનિયર અધિકારીઓના ચહેરાના ભાવ જોઈ સમજી ગયા હતા. તેમને જે જાણવાની જરૂર નથી તેવી કોઈ માહિતી તેમણે માગવી જોઈએ નહીં તેવું તેમના અધિકારી માની રહ્યા છે. નાયરને એટલી જ ખબર હતી કે, તે નિઝામ અને રૂપાને ગોલ્ડન ફાર્મ મૂકી આવ્યા છે અને રામ હજી એટીએસની કસ્ટડીમાં છે. રાત્રે જૂના સર્કિટ હાઉસમાં કેતન રાજપૂત સ્કૉચની બે બૉટલો અને તંદૂરી ચિકન સાથે પહોંચ્યો હતો. રાજસ્થાન પોલીસના ઇન્સ્પેક્ટરો અને સબ-ઇન્સ્પેક્ટરો સાથે મોડે સુધી મહેફિલ ચાલી હતી. દારૂ પીવાનું પૂરું થયું ત્યારે એટીએસનો સબ-ઇન્સ્પેક્ટર ઉદય પટેલ બધા માટે જમવાનું લઈ આવ્યો હતો. તેને બધાએ એકાદ પેગ પીવાનો બહુ આગ્રહ કર્યો પણ તે શનિવારે નહોતો પીતો.

જમવાનું લેવા જતાં શાહીબાગ કૅન્ટોન્મેન્ટમાં આવેલા હનુમાન મંદિરમાં દર્શન કરી આવ્યો હતો. તેના કપાળમાં રહેલું સિંદૂરનું તિલક તેની ચાડી ખાતું હતું. બધા જમ્યા પછી પોતાના રૂમમાં જતા રહ્યા. આજની રાત કેતન અને ઉદય પણ સર્કિટ હાઉસમાં રહેવાના હતા. ૨૪મી નવેમ્બર, સવારના સાડા પાંચ વાગ્યા હતા, ત્યાં આદેશના ફોનની રિંગ વાગી રહી હતી. તે ગમે એટલી ઊંઘમાં હોય પણ તરત ફોન ઉપાડી લેતો. તેણે સ્ક્રિન ઉપર નંબર જોયો ૦૭૯-૨૫૬૩૦૧૦૦. તેણે તરત ફોન ઉપાડી લીધો. આ સીટી પોલીસ કંટ્રોલરૂમનો હતો. કંટ્રોલરૂમમાં ફરજ બજાવનાર અને પોલીસ-કર્મચારીઓ સાથે તેને મિત્રતાનો નાતો હતો. તેને લાગ્યું કે આટલી જલદી ફોન આવ્યો?! કોઈ મોટી ઘટના હોવી જોઈએ. તેણે ફોન ઉપાડતાં કહ્યું : “હેલો.” સામે છેડેથી જે પોલીસ-કર્મચારી બોલી રહ્યો હતો તેણે પોતાનું નામ ન આપ્યું પણ આદેશ તેનો અવાજ ઓળખી ગયો. ત્યાંથી માત્ર કંઈક આવું કહેવાયું… “ જશોદાનગર ચોકડી પહોંચો. ઍન્કાઉન્ટર. દસ મિનિટ પહેલાં જ મૅસેજ છે…” અને ફોન કટ થઈ ગયો. ફરી પાછું એક ઍન્કાઉન્ટર! આદેશે આંખો ચોળી, ઊઠીને મોઢા ઉપર પાણીની છાલક મારી. બાલ્કનીમાં જઈ ફોન કાઢ્યો. તેને લાગ્યું કે પહેલાં સિગારેટ પી લેવી જોઈએ. સિગારેટ સળગાવી તેણે પોતાના ફોટોગ્રાફર નિખિલને ફોન કરી જશોદાનગર પહોંચવાની સૂચના આપી અને તે પોતે પણ ત્યાં રવાના થયો.

આદેશ ત્યાં પહોંચ્યો તો પોલીસે રસ્તો કૉર્ડન કરી નાખ્યો હતો. એક બાઇક ઢસડાયેલી હાલતમાં પડી હતી. તેની બાજુમાં લોહીનું ખાબોચિયું હતું. જોકે કોઈ લાશ ન હતી. ઓળખીતા ચહેરામાં કેતન રાજપૂત અને ઉદય પટેલ હતા. બીજા બધા અજાણ્યા ચહેરાઓ હતા. તેમની પાસે પણ રિવૉલ્વર હતી. આદેશના સ્વભાવ પ્રમાણે થોડા વખત સુધી તો આદેશ પોલીસ શું કરી રહી છે, ઘટના કેવી રીતે બની હશે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યાં જ ફૉરેન્સિક અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. લોહી પડ્યું હતું તે જગ્યાએ તેમજ ખાલી ખોખાં પડ્યાં હતાં તે જગ્યાએ ચોકથી ગોળ રાઉન્ડ કરી લીધાં. પોલીસ-ફોટોગ્રાફર ક્રાઇમ સ્પૉટના ફોટા લઈ રહ્યો હતો. સ્થાનિક પોલીસ મેઝર-ટેપ લઈ લાઇટના થાંભલાથી સ્પોટનું અંતર માપી રહી હતી. શિયાળો શરૂ થઈ ગયો હતો, જેના કારણે હજી ખાસ્સું અંધારું પણ હતું. જ્યાં બનાવ બન્યો ત્યાંની સ્ટ્રીટ લાઇટ બંધ હતી, એટલે કેટલાક પોલીસવાળા મોબાઇલ ફોનની ટૉર્ચનો ઉપયોગ કરતા હતા. હજી આદેશ તરફ કે તેના ફોટોગ્રાફર તરફ કોઈનું ધ્યાન ગયું ન હતું.

- Advertisement -

ત્યારે નારોલ તરફથી એક કાર આવતી દેખાઈ. તેની ઉપર ઝબક્યા કરતી લાલ લાઇટ તે વાહન પોલીસનું હોવાની ચેતવણી આપી રહ્યું હતું. આદેશ સહિત ત્યાં હાજર બધા તે તરફ જોવા લાગ્યા, બૅરિકેડ લગાવી જે પોલીસવાળો ઊભો હતો, તેણે બૅરિકેડ હટાવી લીધી. પણ કાર બૅરિકેડ પાસે જ આવીને ઊભી રહી. જ્યાં પહેલાંથી આદેશ પણ ઊભો હતો. તેણે જોયું તો તેમાંથી ઇન્દ્રસિંહ જાડેજા ઊતર્યા, તેમણે આદેશને જોતાં જ કહ્યું, “આદેશ વેરી ફાસ્ટ — પોલીસ કરતાં પણ પહેલાં પહોંચે છે.” પણ આદેશને પોતાના વખાણમાં કોઈ રસ ન હતો. તેણે તરત સવાલ પૂછ્યો : “શું બન્યું સાહેબ?” ઇન્દ્રસિંહના ચહેરાના ભાવ કહેતા હતા જાણે તેમને કંઈ જ ખબર નથી. તેમણે કહ્યું, “ગઈ કાલે રાજસ્થાન પોલીસ આવી હતી, તેમનો કોઈ વૉન્ટેડ આરોપી અમદાવાદ આવ્યો છે તેવી ઇન્ફર્મેશન હતી. તેમણે મદદ માગી એટલે મેં કેતન અને ઉદયને તેમની સાથે મોકલ્યા હતા.” કોણ હતો વૉન્ટેડ આરોપી? ઇન્દ્રસિંહ જાણે તેનું નામ યાદ કરતા હોય તેમ… ‘કોણ હતો’… ‘કોણ હતો’ વિચારી રહ્યા પછી તેમણે એક પોલીસવાળાને જ પૂછ્યું : “અલ્યા, પેલો મરી ગયો કોણ?” પેલાએ તરત કહ્યું, “નિઝામ.” વાત અટકાવતાં ઇન્દ્રસિંહે કહ્યું, “આદેશ, થોડી વાર પછી આપણે વાત કરીએ. ખરેખર હજી મારી પાસે કોઈ જ વિગત જ નથી. કંટ્રોલમાંથી ફોન આવ્યો એટલે તરત નીકળ્યો. હજી કેતન સાથે વાત કરી લઉં પછી તને બધું લખાવી દઉં.” ઇન્દ્રસિંહ ઇન્સ્પેક્ટર કેતન પાસે ગયા. તે આખો સીન ઑફ ક્રાઇમ સમજાવતો હોય તેવું બતાવવા લાગ્યો. ઇન્દ્રસિંહને ખબર હતી કે અખબારી તસવીરકારો તેમના ફોટા લઈ રહ્યા હતા. કેતન સમજાવી રહ્યો હતો કે નિઝામ કઈ તરફથી આવ્યો. તેને ક્યાં રોક્યો, તેણે કેવી રીતે ગોળી ચલાવી — વગેરે વગેરે.

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular