Thursday, March 28, 2024
HomeBusinessફુગાવા અને માંગ પુરવઠાના ચક્રવ્યૂહમાં ફસાઈ જતાં રૂના ભાવ નીચે આવવા લાગ્યા

ફુગાવા અને માંગ પુરવઠાના ચક્રવ્યૂહમાં ફસાઈ જતાં રૂના ભાવ નીચે આવવા લાગ્યા

- Advertisement -

ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં વાયદો તેની એપ્રિલ ઊંચાઈથી ૩૫ ટકા સુધી ઘટી શકે

ભારતમાં ૧ કિલો રૂ પકવવા માટે અંદાજે ૨૨,૫૦૦ લિટર પાણીની આવશ્યકતા

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : કપાસ એ પાણી તરસ્યો પાક ગણાય છે, વોટર ફૂટ પ્રિન્ટ નેટવર્કના સર્વે પ્રમાણે ભારતમાં ૧ કિલો રૂ પકવવા માટે અંદાજે ૨૨,૫૦૦ લિટર પાણીની આવશ્યકતા રહે છે. જે ૧૨૪ કરોડ લોકોની દૈનિક સરેરાશ ૧૦૦ લિટર જરૂરિયાત જેટલું પાણી, રૂ પાકના ચાર ઉતારા માટે આવશ્યક હોય છે. ચીને ટ્રેડ વોર આરંભી અને કોરોના મહામારી શરૂ થઈ ત્યાર પછી એપ્રિલના છેલ્લા સપ્તાહમાં રૂના ભાવ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ૧૫૫.૯૩ ડોલરની ઊંચાઈ પહોંચી ગયા હતા. પણ હવે આ કોમોડિટી જગતના ફુગાવા અને માંગ પુરવઠાના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હોવાથી ભાવ નીચે આવવા લાગ્યા છે. ગુરુવારે એક તબક્કે ન્યુયોર્ક રૂ ડિસેમ્બર વાયદો ૯૬.૦૩ સેંટ બોલાયા અગાઉ ૧૦ જુલાઈએ બાવન સપ્તાહનું તળિયું ૮૨.૫૪ સેંટનું બનાવ્યું હતું. બેન્ચમાર્ક ભાવ જૂનના પ્રથમ સપ્તાહથી તૂટવા લાગ્યા હતા.

આઇસીઇ જુલાઇ રૂ વાયદો કટ થવા અગાઉ થોડાજ દિવસમાં ૩૦ ટકા જેટલો ઘટી ગયો હતો. ૧૦ જૂન ભાવ ૧૪૪ સેંટ હતો તે ૧૯ જૂનએ ૯૭.૬૦ સેંટ થઈ ગયો હતો. કોબેન્કસ નોલેજ એક્સ્ચેન્જનો ત્રિમાસિક અહેવાલ કહે છે કે વૈશ્વિક અર્થતંત્રો વેગથી નબળા પાડવા સાથે રૂની માંગ ઘટી રહી છે તે જોતાં ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં વાયદો તેની એપ્રિલ ઊંચાઈથી ૩૫ ટકા સુધી ઘટી શકે છે. તેઓ વધુ કહે છે કે છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી કપડું બનાવવામાં ઘટી રહેલી રૂ માંગ હવે ફરીથી વધવા લાગી છે.

કોટલૂક એ ઇંડેક્સ તાજેતરમાં ૧૫૦ પોઈન્ટથી ઘટીને ૧૨૭.૨૦ પોઈન્ટ રહ્યો હતો. અમેરિકન કૃષિ મંત્રાલયનો સાપ્તાહિક રિપોર્ટ કહે છે કે વર્તમાન વર્ષમાં આજ સુધીમાં યુએસ રૂ વેચાણ ૧૬.૨૪ લાખ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો) થયું હતું, જે ગતવર્ષના સમાનગાળામાં ૧૩.૮૬ લાખ ગાંસડી હતું. હાલમાં અમેરિકન કપાસ પાક ૩૪ ટકા ગુડથી એક્સેલન્ટ, ૩૬ ટકા વાજબી અને ૩૦ ટકા નબળી સ્થિતિમાં છે. એ તો નિશ્ચિત છે કે રૂ પાક ગતવર્ષના ૧૭૫ લાખ ગાંસડી કરતાં ઓછો ૧૫૫ લાખ ગાંસડી આવશે.

- Advertisement -

સૌથી વધુ ઉત્પાદન આપતું રાજ્ય વેસ્ટ ટેક્સાસ ૨૦૧૧ પછીનું સૌથી ઓછું ૩૫ લાખ ગાંસડી ઉત્પાદન જ આપી શકશે. જો આવુજ અન્ય રાજ્યોમાં પણ બને તો અમેરિકન ઉત્પાદનનો આંકડો ૧૪૪ લાખ ગાંસડી આવીને અટકી જઇ શકે છે. અમેરિકાએ અપલેન્ડ માટેનો રૂ આયાત સ્પેશ્યલ ક્વોટા ૨૮ જુલાઈથી ૫૫,૭૯૮ ગાંસડી સ્થાપિત કરી દીધો છે.

ભારતમાં રૂની ઉત્પાદકતા ૨૦૦૬-૦૭માં પ્રતિ હેક્ટર સરેરાશ ૪૦૦ કિલો હતી તે હવે તાજેતરના વર્ષોમાં થોડી વધીને ૪૫૦થી ૫૦૦ કિલો થઈ છે. જ્યારે વૈશ્વિક સરેરાશ ઉત્પાદકતા ૮૭૭ કિલોની છે. ભારત પાસે સામાન્ય રીતે ૫૦થી ૬૦ લાખ ગાંસડી વાર્ષિક પુરાંત રહે છે, પણ તાજેતરના વર્ષોમાં દર વર્ષે તેમાં ઘટાડો થઈ રહ્યો છે.

એનાલિસ્ટો કહે છે કે ૨૦૩૦ સુધીમાં ભારત ૭૨ લાખ ટન રૂ ઉત્પાદન કરતો દેશ થઈ જશે, ૨૦૨૧-૨૨ની રૂ મોસમમાં ઉત્પાદન અંદાજ ૩૬૦.૧૩ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાંક વર્ષથી રૂ ઉત્પાદન ૩૫૦થી ૩૬૦ લાખ ગાંસડી આસપાસ મુકાઇ રહ્યું છે. સામે સ્થાનીક વપરાશ વધીને ૩૦૦ લાખ ગાંસડીએ પહોંચ્યો છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular