ફોટોજર્નાલિસ્ટ તરીકે પ્રશાંત પંજિયારનું નામ જાણીતું છે. ફોટોજર્નાલિસ્ટનું કાર્ય છબિ દ્વારા ન્યૂઝ સ્ટોરી દર્શાવવાનું છે અને પ્રશાંત પંજિયારની તે બાબતે ખ્યાતિ આંતરરાષ્ટ્રિય સ્તર સુધી પહોંચી છે. તેઓએ ‘ઇન્ડિયા ટુડે’ અને ‘આઉટલુક’ જેવાં મીડિયા સંસ્થાનોમાં લાંબા સમય સુધી કામ કર્યું. તેમના વિશે વાત કરવાનો ઉપક્રમ એટલો જ કે હાલમાં તેમનું એક પુસ્તક ‘ધેટ વિચ ઇઝ અનસિન’ પ્રકાશિત થયું છે. પુસ્તકના પ્રકાશક નવજીવન ટ્રસ્ટ છે અને તેમાં પ્રશાંત પંજિયારે તેમની તસવીર સાથે પૃષ્ઠભૂમિમાં રહેલી અજાણી સ્ટોરીઝને મૂકી છે. તેમનું સૌથી પ્રસિદ્ધી અને પ્રશંસા પામેલું કાર્ય ચંબલ ઘાટીનું છે, જ્યાં તેમણે વર્ષો સુધી રહીને ત્યાંના ડાકુઓનું તસીવીરી દસ્તાવેજિકરણનું કામ કર્યું. તે સિવાય પણ એંસી-નેવુંના દાયકાની મહત્ત્વની ઘટનાઓના પ્રશાંત સાક્ષી રહ્યા છે. પ્રશાંતના કાર્યનું ફલક વ્યાપક છે પણ તેની ઝલક તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલાં પુસ્તક ‘ધેટ વિચ ઇઝ અનસિન’માં જોઈ શકાય છે.
ફોટોજર્નાલિઝમના ક્ષેત્રે ભારતનો ઇતિહાસ ઉજ્જવળ નથી અને સ્થાનિક ભાષાઓના અખબારોમાં તો આજે પણ તેઓની સ્થાયી જગ્યા નથી. અંગ્રેજી અખબારો અને મેગેઝિનોમાં ફોટોજર્નાલિસ્ટોને અવસર આપ્યા છે અને આ અવસર હજુ તો આપવાની શરૂઆત થઈ હતી તે વખતે પ્રશાંતે આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તે વખતે કંઈ કારકિર્દી ઘડવાનો ઇરાદો નહોતો, બસ શોખથી ફોટોગ્રાફીની શરૂઆત થઈ. ફોટોગ્રાફી કરવી તે નિજાનંદ તો હતો જ, પણ ખૂબ જલદી તેઓ ચંબલના એક એસાઇમેન્ટ સાથે સંકળાયા. કામ હતું ચંબલની ઘાટીમાં ડાકુઓ વિશે જાણવા-સમજવાનું. ચંબલ ઘાટીમાં ડાકુઓનો ડેરો રહ્યો છે. દેશના મધ્ય વિસ્તારમાં આવેલાં આ ક્ષેત્રમાં સામંતી અને જાતિ વ્યવસ્થાની સામે બળવો કરીને ડાકુની ટોળકીમાં સામેલ થવું સામાન્ય હતું.
પ્રશાંતે ડાકુઓની આ દુનિયા જોઈ ત્યારે જે કલ્પના કરી હતી તેનાથી તદ્દન જુદું હતું. પ્રશાંત એક મુલાકાતમાં નોંધે છે કે, તેઓ ફિલ્મોમાં દર્શાવવામાં આવતાં ડાકુઓથી તદ્દન જુદા હતા. સામાન્ય રીતે ફિલ્મોમાં ડાકુઓ કુર્તા પહેરતા અને તેઓના ખભે અથવા કમરમાં કારતૂસો રહેતી. અને સાથે તેઓ ઘોડા પર જ આવતાં. પરંતુ પ્રશાંત જ્યારે ચંબલ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમની પાસે ઘોડા કે વાહનો નહોતા. ચાલીને જ તેઓ સફર કાપતા અને સામાન્ય રીતે પોલીસનો યુનિફોર્મ પહેરતા હતા. સૌથી અગત્યનું કે ડાકુગીરીથી થતી તેમની કમાણી ખૂબ નહોતી, બલકે એવું કહી શકાય કે શહેરમાં એક સામાન્ય ચોર કરતાં પણ તેઓની પાસે ઓછા પૈસા રહેતાં.
પ્રશાંતને જ્યારે ચંબલમાં જવાનું થયું તે કાળે ફૂલન દેવીની ગેંગે 22 રાજપૂત લોકોને મારી નાંખ્યા હતા તે ઘટના તાજી હતી. આ ઘટનાની પ્રતિક્રિયા એટલી તીવ્ર આવી કે તત્કાલિન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વી.પી. સિંઘે રાજીનામું આપ્યું હતું. બસ આ પછી કલ્યાણ મુખરજી નામના એક રિસર્ચ સ્કોલર પ્રશાંત પાસે આવ્યા. કલ્યાણને ડાકુઓના સમાજ પર એકેડેમિક રિસર્ચ કરવું હતું. થોડો વિચાર કર્યા બાદ એક અન્ય સાથી બ્રિજરાજ સિંઘ સાથે તેઓ ચંબલ જવા ઉપડ્યા.
પોતાના જ ખર્ચે પ્રોજેક્ટ પાર પાડવાનો હતો એટલે તેમાં ઝડપથી કામ કરવાનો પણ ઉદ્દેશ હતો. પરંતુ જ્યારે પ્રશાંત, કલ્યાણ અને બ્રિજે આ કામ ઉપાડ્યું અને તેઓ ચંબલની કેટલાક ક્ષેત્રમાં જઈ આવ્યા ત્યારે તેમને લાગ્યું કે આપણે એક ડાકુની ગેંગ ઉપર જ પુસ્તક કેમ ન લખીએ? તે વખતે અન્ય ડાકુ ગેંગ કરતાં માલ્ખનસિંઘ નામના ડાકુની ગેંગ કુખ્યાત હતી. મલ્ખનસિંઘ ‘બાઘી’ બન્યો હતો તેના માલિકના અત્યાચાર સામે. તેની બગાવત તેને દાસ્યૂ સમ્રાટ ગેંગનો મુખિયા બનાવ્યો હતો.
માલ્ખનસિંઘને મળવાનો રોમાંચ પ્રશાંતને હતો, પણ આ સાહસમાં જોખમેય હતું. જે વ્યક્તિને પોલીસ શોધતી હોય તેની પાસે પહોંચવું પ્રશાંત અને તેમના સાથીઓ માટે સરળ નહોતું. પહેલાં તો પ્રશાંત અને તેના સાથીઓ એવાં સ્થાને પહોંચ્યા જ્યાં તેમને માલ્ખનસિંઘના ગેંગના ઇન્ફોર્મર હોવાની બાતમી મળી. આ ઇન્ફોર્મરો પાસે તેઓએ મળવાનો મેસેજ મોકલ્યો. જોકે માલ્ખનસિંઘે તેમાં કોઈ રસ ન દાખવ્યો. પરંતુ જ્યારે તે આત્મસમર્પણનો વિચાર કરવા લાગ્યો ત્યારે તેણે પ્રશાંત અને તેના સાથીઓને મળવાનો સમય આપ્યો. એકાદ વર્ષ બાદ આ સંયોગ ઊભો થયો હતો અને રાતની મુસાફરી કરીને તેઓ માલ્ખનસિંઘના ગેંગના ઠેકાણે પહોંચ્યા. તે જાણતો હતો કે ત્રણ પત્રકારો તેની શોધખોળ કરી રહ્યા છે. પ્રશાંત કહે છે કે જ્યારે તેને પહેલીવાર મળ્યા ત્યારે તેને લાગ્યું કે અમે તટસ્થ પત્રકારો છીએ અને તેના આત્મસમર્પણ વિશે મધ્ય પ્રદેશ સરકાર સાથે વાતચીત કરીશું. જોકે અમે તો વળતી વેળા સુધી અમારું કામ કરી ચૂક્યા હતા. અમારી પાસે માલ્ખનસિંઘની માહિતી અને છબિઓ આવી ચૂકી હતી.
આ મુલાકાત પછી મહિનામાં જ માલ્ખનસિંઘે આત્મસમર્પણ કર્યું અને પછીથી પ્રશાંત ને તેના સાથીઓએ જેલમાં તેની મુલાકાત કરીને એક પુસ્તક લખ્યું. આ પુસ્તકનું નામ છે : ‘માલ્ખન : ધ સ્ટોરી ઑફ બેન્ડિટ કિંગ’. માલ્ખન સિંઘ સ્થાનિકો વચ્ચે લોકપ્રિય હતો. ચંબલનો તે છેલ્લો ડાકુ હતો. તે સામાન્ય ગુનેગારોની જેમ ડાકુ નહોતો બન્યો, બલકે તેનું સ્વમાન ઘવાયું અને તે આ માર્ગે વળ્યો. સિંઘને ચંબલ બેહદ પસંદ હતું. તે પોતે દારૂ નહોતો પીતો અને ન તો તેમના સાથીઓને પીવવા દેતો. તે ગરીબોનો મસીહા હતો અને મંદિરો નિર્માણ કરાવતો. તેની ગેંગના સભ્યને સ્ત્રીઓ સાથે અણછાજતું વ્યવહાર કરવાની છૂટ નહોતી. અને જો ક્યારેક તેમનો સામનો મહિલા સાથે થાય તો તેના ગેંગના સભ્યો તુરંત તે મહિલાના ચરણસ્પર્શ કરતા.
જ્યારે મલ્ખાન અને તેની ગેંગે આત્મસમર્પણ કરવાનો દિવસ આવ્યો ત્યારે તેને જોવા માટે આસપાસના ગ્રામજનો એકઠા થયા હતા. આત્મસમર્પણ નિશ્ચિત જગ્યા પર થયું અને પોલીસ અને ગેંગ સમાધાની કરવા પર સંમત થયા. આત્મસમર્પણ પૂર્વે મલ્ખાન તેના મૂળ ગામ બિલાઓમાં રાતવાસો કર્યો હતો. તે અને તેના ગેંગે ત્યાં પૂજા કરી, ફાયરીંગ કર્યું. પછી તેઓએ તસવીર ખેંચાવડાવી. આ બધું જ થયું ત્યારે પ્રશાંત અને તેના સાથીઓ ત્યાં હાજર રહ્યા હતા. અહીંયા જ તેમની સાથે પ્રશાંત સહિત તેમના સાથીઓએ માલ્ખન સિંઘ સાથે વાતચીત કરી. સરકારના પ્રતિનિધિઓ પણ ત્યાં હાજર હતા. માલ્ખનના પિતા તે દિવસે એ જોઈને દુઃખી હતા કે તેમનો દીકરો કાયદા સામે સમર્પણ કરી રહ્યો છે. બસ ત્યાંથી માલ્ખનને જેલમાં લઈ જવામાં આવ્યો 1983માં જ્યારે મલ્ખાનને પેરોલ મળ્યા ત્યારે પ્રશાંત અને તેના સાથીઓ મલ્ખાન સાથે ચંબલ ગયા હતા. ચંબલ તેઓ મલ્ખાનના દીકરા અને દીકરીને મળ્યા હતા.
મલ્ખાનસિંઘની સ્ટોરી કાગળ પર ઉતરે તે દરમિયાન પ્રશાંતનું ચંબલ વિસ્તારમાં રહેવાનું સારું એવું બન્યું હતું. તેમ છતાં માલ્ખન ગેંગ દ્વારા થયેલી ખૂનાખરાબી વિશે સાંભળ્યું ન હતું. જોકે પ્રશાંત એવું યાદ કરે છે કે, પુસ્તકના કામ કરતા હતા તે વખતે ગનફાયર અને ડાકુઓના મૃતદેહોના તેઓ સાક્ષી રહ્યા હતા. આવાં જ એક કહેવાતા ડાકુઓને મારવામાં આવ્યો હતો ત્યારે પણ પ્રશાંત ત્યાં હાજર હતો. પાનસિંઘ તોમરને પણ જ્યારે મારવામાં આવ્યો હતો ત્યારે પણ પ્રશાંતની ત્યાં હાજરી હતી અને પોલીસે પાનસિંઘને મારીને તેનો મૃતદેહ શો માટે મૂકી હતી. પોલીસ સાથે ડાકુ ગેંગ સાથે થતી ખૂનાખરાબી ત્યારે સામાન્ય હતી.
ચંબલમાં જવાનું બન્યું ત્યારે પ્રશાંત ઉંમર ચોવીસ વર્ષની હતી અને પછીથી પ્રશાંતને જમીન સંબંધિત મુદ્દાઓમાં વધુ રસ જાગ્યો. ચંબલ અગાઉ પણ તેઓ બિહારમાં નક્સલ મૂવમેન્ટને જોઈ ચૂક્યા હતા. પણ તે કહે છે કે આ બધો જ રોમાંચ તો હતો જ, પણ તેમાં ક્યાંય હળવાશ નહોતી. ડાકુઓને સમજવાનો આ ગંભીર પ્રયાસ હતો. પ્રશાંતનું કહેવું છે કે નક્સલીઓ અને ડાકુઓ સ્થાપિત હિતો સામે અન્યાય વિરુદ્ધ જંગ છેડવાને લઈને ઊભા થાય છે. પરંતુ તેઓ અલગ છે. નક્સલીઓનો પ્રયાસ સામંતી વ્યવસ્થાને તોડી પાડવાનો હોય છે જ્યારે ડાકુઓ એવી કોઈ ક્રાંતિ કરવાનો વિચાર ધરાવતા નથી, તેઓ માત્ર આ સામંતી વ્યવસ્થામાં ન્યાય ઝંખે છે. 1940થી 60 સુધીમાં ચંબલમાં ડાકુઓ કહેરના સમાચાર પૂરા દેશમાં ચમકતા હતા. પરંતુ પછીથી તેમનો અસ્તકાળ શરૂ થયો અને તેઓ લૂંટ બંધ કરી અને તેઓ અપહરણ-ખંડણીમાં પડ્યા. અને નેવુંનો દાયકો આવતાં આવતાં ચંબલ ડાકુઓથી મુક્ત થઈ ચૂક્યું હતું.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.