નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ-ચોટીલા હાઈવે પર થયેલા કમકમાટીભર્યા અકસ્માતમાં (Rajkot chotila Bus Accident) ચાર લોકો સ્થળ પર મોતને ભેટ્યા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. સાંગાણી ગામ નજીક હાઈવે પર થયેલા અકસ્માતમાં ખાનગી બસ અને ટેન્કરની પ્રચંડ ટક્કર બાદ બસ આગની જવાળાઓમાં લપેટાઈ ગઈ હતી. અકસ્માત અને આગના કારણે બસમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓએ ચીસાચીસ કરી મૂકી હતી. ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાંકની હાલત ગંભીર છે.
રાજકોટ ચોટીલા હાઈવ પર મધરાત બાદ જઈ રહેલું એક ટેન્કર ટાયર ફાટતા બેકાબૂ બન્યું હતું. દરમિયાનમાં અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલી એક ખાનગી બસ ટેન્કર સાથે ટકરાતા પ્રંચડ ધડાકા થયો હતો અને બસ આગની જવાળાઓમાં લપેટાઈ ગઈ હતી. મુસાફરો બસમાંથી બહાર નીકળે તે પહેલાં જ ચાર પ્રવાસી ભડથું થઈ ગયા હતા. બાકીના 10 મુસાફરોને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમ તેમજ પોલીસ સ્થળ પર દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.








