નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરાના વાઘોડિયા વિસ્તારના દબંગ નેતા તરીકેની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવના પુત્ર અને માજી કાઉન્સિલરને 20 લાખનો ચૂનો લાગ્યાની ઘટના બની છે. અમદાવાદના એક દંપત્તિ દ્વારા 20 લાખની ઠગાઈ કરવાની ઘટના બની છે. ધારાસભ્યના પુત્રએ ઠગ દંપત્તિ વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે, પોલીસે છેતરપિંડી મામલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના વાઘોડિયા રોડ 13-A, પ્રભાત સોસાયટીમાં રહેતા દિપક શ્રીવાસ્તવ આમ તો ખેતી તથા કન્સ્ટ્રક્શનના ધંધામાં છે પરંતુ તેઓ અગાઉ કાઉન્સિલર તરીકે પણ કામગીરી કરી ચુક્યા છે. દિપક વાઘોડિયા વિસ્તારના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો પુત્ર પણ છે. દિપકનો પરિચય થોડા સમય પહેલા અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી હેરિટેજ એન્કલેવમાં રહેતા કિર્તન ભરત રાવ સાથે થયો હતો. વર્ષ 2021ના જુલાઈ મહિનામાં દિપક શ્રીવાસ્તવ એમજી કંપનીની કાર વેચાણથી ખરીદવાની ઈચ્છા હોવાને કારણે મિત્ર કિર્તને કહ્યું કે મોરિસ ગેરેજ કંપનીમાં મારી સારી એવી ઓળખાણ છે, ઉદયપુર રાજસ્થાનમાં આવેલી એમજી કંપનીના ગોડાઉનમાંથી ગાડી સીધી અપાવી દઉં.
બીજી બાજુ કિર્તને કહ્યું કે, તેની પત્ની બીજલ બારોટ (રહે, કિસન બંગ્લોઝ, રાજપથ ક્લબ પાછળ, અમદાવાદ) માઈક્રોસ્કોસ્મ એલએલ પી. લી. નામની ભાગીદારી પેઢી ધરાવે છે તેના થકી કારનું બુકીંગ કરાવવાથી કંપની તરફથી સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળશે. કંપની અમને કાર આપે તે બાદમાં તમારા નામે ટ્રાન્સફર કરી તમારા ઘરે પહોંચાડી દઈશું.

કિર્તનને જે કહાની ઘડી તેમાં દિપક ધીમેધીમે વિશ્વાસ કરતાં આ વિસ્વાસ 20 લાખમાં પડ્યો હતો. દિપકે બે ઈન્સ્ટોલમેન્ટમાં રૂ. 20 લાખ કિર્તને કહેલી પેઢીને જમા કરાવ્યા, જેની રસીદ માગી તો ઉદયપુરની એમજી ગ્લોસ્ટર કારના બુકિંગની માત્ર રૂ. 50 હજારની બુકિંગ અમાઉન્ટ વાળી રસીદ આપી અને ત્રણ દિવસમાં કાર મળી જશે તેવું કહ્યું હતું. જોકે અઠવાડિયું થયું પણ ગાડી દિપને ક્યાંય જોવા મળી નહીં. બાકીના રુપિયા જમા કરાવ્યા કે નહીં તે પણ દિપને ખબર નહીં અને આખરે જ્યારે બાકીની રકમ માટે દિપકે કિર્તનને સવાલો કરતા કિર્તન તેના ગોળ ગોળ જવાબ આપવા લાગ્યો. કોરોના છે, સ્ટાફ નથી, સ્ટોક નથી વગેરે વગેરે બહાને સમય બગાડતો ગયો.
કિર્તન સામે હવે ભાજપના માજી કાઉન્સિલર અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રએ ફરિયાદ નોંધાવી છે. વડોદરાના પાણીગેટ પોલીસે તેમની ફરિયાદ આધારે છેતરપીંડીનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ગુનામાં બીજલ બારોટ અને કિર્તન રાવની સામે ફરિયાદ નોંધી છે.
![]() |
![]() |
![]() |











