નવજીવન નવી દિલ્હી: તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર એલએસ લિડરના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શુક્રવારે સવારે 11 વાગ્યાથી જનરલ રાવત અને તેમની પત્નીના મૃતદેહને તેમના પરિવાર, મિત્રો અને જનતાના અંતિમ દર્શન માટે તેમના દિલ્હી સ્થિત ઘરે રાખવામાં આવશે. બપોરે લગભગ 2 વાગ્યે અંતિમયાત્રા શરૂ થશે. અંતિમ સંસ્કાર બેરાર સ્ક્વેર સ્મશાનગૃહમાં સાંજે 4 વાગ્યે નિર્ધારિત કરવામાં આવ્યા છે.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ટોચના સૈન્ય અધિકારીઓએ અકસ્માતમાં શહિદ થયેલા લોકોને ગુરુવારે પાલમ એરપોર્ટ પર શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, આર્મી ચીફ એમએમ નરવણે, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર, એર ચીફ માર્શલ એવીઆર ચૌધરી, રક્ષા સચિવ અજય કુમાર શહિદોને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં સામેલ હતા.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને સશસ્ત્ર દળોના અન્ય જવાનોને મારી શ્રદ્ધાંજલિ. ભારત તેમના મૂલ્યવાન યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. તે જ સમયે, પાલમ એરપોર્ટ પર હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા. એક હેંગરમાં 13 શબપેટીઓ રાખવામાં આવી હતી અને આ દરમિયાન પરિવારના સભ્યો પણ હાજર હતા. વડાપ્રધાન મોદી આ અવસરે મૃતકોના પરિવારજનો પાસે ગયા અને તેમની સાથે થોડીવાર વાત કરી.
ભારતીય વાયુસેનાના C-130J એરક્રાફ્ટ દ્વારા સુલુર એરબેઝથી મૃતદેહોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ મૃતદેહને ધૌલકુઆનની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે Mi-17 V5 હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ રાવત, તેમની પત્ની અને બ્રિગેડિયર લિડર સિવાય સશસ્ત્ર દળના 10 જવાનો શહીદ થયા હતા. દુર્ઘટનામાં શહીદ થયેલા અન્ય જવાનોમાં લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, વિંગ કમાન્ડર પીએસ ચૌહાણ, સ્ક્વોડ્રન લીડર કે સિંહ, જેડબલ્યુઓ દાસ, જેડબલ્યુઓ પ્રદીપ એ, હવાલદાર સતપાલ, નાઈક ગુરસેવક સિંહ, નાઈક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાઈક વિવેક કુમાર અને લાન્સ નાઈક સાઈ તેજાનો સમાવેશ થાય છે. અકસ્માતમાં એકમાત્ર બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની બેંગલુરુની એક સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Paid my last respects to Gen Bipin Rawat, his wife and other personnel of the Armed Forces. India will never forget their rich contribution. pic.twitter.com/LAq83VfoBf
— Narendra Modi (@narendramodi) December 9, 2021








