નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: રાજ્યમાં ભરતી પરીક્ષાના પેપરલીક (Paper Leaks) થવા સામાન્ય બાબત બની ગઈ હોય તેવો ઘાટ જોવા મળતો હતો. એવામાં તાજેતરમાં જ જૂનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર પરીક્ષાના દિવસે જ ફૂટી જતા સરકાર શરમજનક સ્થિતીમાં મુકાઈ હતી. ત્યારે ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ના બજેટ સત્રમાં સરકારે પેપરલીક મામલે બિલ રજૂ કરી કાયદો બનાવવાની તૈયારી શરૂ કરી હતી. આ બિલ પર હવે રાજ્યપાલે (Gujarat Governor) મંજૂરીની મહોર મારતા કાયદો બની ગયો છે.
રાજ્યમાં પરીક્ષાના પેપરલીક કરતા તત્વો સામે કડક હાથે કામગીરી થાય માટે ધ ગુજરાત પબ્લિક એક્ઝામીનેશન(પ્રીવેન્સન ઑફ અનફેર મીન્સ) બિલ 2023 બિલ (The Gujarat Public Examination (Prevention of Unfair Means) Bill, 2023) વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ બિલને આજરોજ રાજ્યપાલની મંજૂરી મળતા હવે તે કાયદો બનશે. આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે જાહેર પરીક્ષા (સરકારના વિભાગો દ્વારા પરીક્ષા લેવાય તે)માં ગેરરીતિ કે પેપરલીક કરવામાં આવે તો સજા કરવામાં આવશે.
આ કાયદો લાગુ થતા પરીક્ષામાં ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને ત્રણ વર્ષ સુધીની કેદ અને એક લાખ કરતા ઓછો નહીં તેવા દંડની પ્રાવધનાર કરવામાં આવ્યું છે. સાથે જ દંડની રકમ ચૂકવવામાં જો ચૂક થાય તો તેના વિરૂધ્ધ અધિનિયમ 1973ની જોગવાઈ હેઠળ ફોજદારી કાર્યવાહી કરી કેદની સજા કરવામાં આવશે. ઉપરાંત જો તપાસ ટીમના સભ્ય, સુપરવાઈઝર કે નિયુકત થયેલા કોઈ પણ કર્મચારીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવે તો આવું કરનારને ત્રણ વર્ષની જેલની સજા તેમજ 1 લાખથી ઓછા નહીં તેવા દંડની જોગવાઈ કરવામાં આવી છે.
મહત્વની વાત છે કે કાયદાની જોગવાઈ મુજબ જો પરીક્ષા યોજવા માટે જવાબદાર હોય તેવા અધિકૃત વ્યક્તિ કે અન્ય કોઈ કાવતરું રચી પરીક્ષાનું પેપરલીક કરે કે ગેરરીતિ આચરે અથવા પ્રયત્ન કરે તેને 5 વર્ષથી ઓછી નહીં તેવી જેલની કેદ પણ વધારેમાં વધારે 10 વર્ષની કેદની સજા તેમજ રૂપિયા 10 લાખથી 1 કરોડના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ટૂંકમાં ઓછામાં ઓછી 5 વર્ષની કેદની સજાની જોગવાઈ છે.
ઉલ્લેખનીય છે કે નવા કાયદાની જોગવાઈ મુજબ જો કોઈ વિદ્યાર્થી દોષીત ઠરે તો તે બે વર્ષ સુધી કોઈપણ જાહેર પરીક્ષા આપી શકશે નહીં. ઉપરાંત આરોપીઓની મિલ્કતને પણ ટાંચમાં લઈ શકાય તેવી જોગવાઈ પણ નવા કાયદામાં કરવામાં આવી છે. તેમજ દોષિત પાસેથી પરીક્ષા માટે થયેલો તમામ ખર્ચ પણ વસૂલવામાં આવશે. આ કાયદાની જોગવાઈ અનુસાર આ ગુનો બિન જામીન પાત્ર હોવા સાથે બિન માંડવાળ પણ રહેશે. આમ રાજ્ય સરકારે પેપરલીકની ઘટનાઓને નાથવા માટે અલગ કાયદો બનાવી દેવાયો છે.
વળી આ મામલાની તપાસને લઈને પણ કાયદામાં જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈ મુજબ પેપર ફોડવાના કાંડના ગુનાની તપાસ પી.આઈ. કક્ષાના અધિકારીથી નીચેના અધિકારી કરી શકશે નહીં. તેમજ જોગવાઈમાં ઉલ્લેખ કરાયો છે કે મોટાભાગે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના પોલીસ અધિકારીઓ જ સમગ્ર કેસની તપાસ કરશે.








