નવજીવન ન્યૂઝ. પટના: મુખ્ય વિપક્ષ ભાજપ દ્વારા વોકઆઉટ વચ્ચે બિહારમાં નીતિશ કુમારની મહાગઠબંધન સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે. આ પહેલા વિશ્વાસ મત પર ચર્ચા દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આરોપ લગાવ્યો હતો કે, ભાજપે 2020ની વિધાનસભા ચૂંટણીમાં જનતા દળ યુનાઈટેડ(JDU)ને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે, “પહેલા ચાર પાર્ટીઓ હતી, પરંતુ આજે આઠ પાર્ટીઓ અમારી સાથે છે. અમને નંદકિશોર યાદવને વિધાનસભાના સ્પીકર બનાવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ વિજય સિંહાને બનાવ્યા.” મુખ્યમંત્રીએ કહ્યું કે, “હું 2020માં મુખ્યમંત્રી બનવાનો ન હતો, ભાજપના દબાણમાં બનવું પડ્યું હતું. હું કંઈ બનવાની ઈચ્છા નથી રાખતો. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે JDUને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું, ભાજપે તમામ જૂના નેતાઓને બાજુ પર કર્યા છે.”
કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, “કેન્દ્રએ પટના યુનિવર્સિટીની માંગ પણ સ્વીકારી નથી. વર્ષ 2017માં કેન્દ્રએ 600 કરોડ આપ્યા અને કહ્યું કે ધારો કે દરેક ઘરમાં નળ હોય તો કેન્દ્રની યોજના છે પણ અમે સહમત નહોતા. હર ઘર નલની શરૂઆત 2015માં થઈ હતી, તે સમયે આરજેડી એકમાત્ર સહયોગી હતી. બિહારમાં રોડ બનાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું, કેન્દ્ર સરકારે નહીં, અટલજી બીમાર પડે તો અડવાણીજીને સત્તા મળવી જોઈતી હતી, પણ એવું ન થયું.”
નીતીશ કુમારે હંગામો મચાવનારા બીજેપી નેતાઓને કહ્યું કે, “જો તમે મારી વિરુદ્ધ બોલશો તો જ તમને કેન્દ્ર સરકાર તરફથી એવોર્ડ મળશે.” બીજેપીના બહિષ્કાર પર નીતિશ કુમારે કહ્યું કે, “તમને ઉપરથી કહેવામાં આવ્યું હશે એટલે તમે લોકો બહાર ગયા.”








