Sunday, April 19, 2026
HomeGujaratવલસાડ પોલીસને મળી સફળતાઃ મુંબઈની 7 સ્ટાર હોટલને ફૂંકી મારવાની ધમકી આપનારા...

વલસાડ પોલીસને મળી સફળતાઃ મુંબઈની 7 સ્ટાર હોટલને ફૂંકી મારવાની ધમકી આપનારા બેને ઝડપ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડ: વલસાડ પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓએ મૂંબઈમાં આવેલી એક સેવન સ્ટાર હોટલ ધ લલિતને બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાવી દેવાની ધમકી આપી હતી અને તેમની સામે મુંબઈના સહારપૂર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ વ્યક્તિ વલસાડથી છે જેના કારણે આ અંગે વલસાડ પોલીસને જાણ કરતાં તેમણે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, ગઇકાલે કોઈ અજાણ્યા વ્યક્તિએ મુંબઈ સ્થિત ધ લલિત હોટલમાં ફોન કરીને રિસેપ્શન પર કામ કરતી મહિલાને ધમકી આપી હતી કે પાંચ કરોડ રૂપિયા આપો નહીં તો અમે તમારી હોટલમાં પાંચ બોમ્બ લગાવીને હોટલ ઉડાવી દઇશું. પહેલા આરોપીએ લેન્ડલાઇન પરથી કોલ કર્યો હતો અને બાદમાં મોબાઈલ નંબર પરથી કોલ કર્યો હતો. બીજા કોલમાં આરોપીએ હોટલમાં ફરજ બજાવતા એક્સિક્યુટિવ અધિકારી સાથે વાત કરી હતી અને હોટલ ઉડાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ સમગ્ર ઘટના બાદ હોટલ મેનેજમેન્ટ દ્વારા સહારપૂર પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યા કોલ અંગે ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ પોલીસ દ્વારા ધમકીભર્યા કોલની પ્રાથમિક તપાસ કરતાં ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસને જાણકારી મળી હતી કે આરોપીઓનો આઇપી વાપી-વલસાડમાં ટ્રેસ થાય છે. જેના કારણે મુંબઈ પોલીસ દ્વારા વલસાડ SP ડૉ. રાજદીપસિંહ ઝાલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

વલસાડ SPને જાણકારી મળતા જ તેમણે SOGની એક ટીમ બનાવી હતી અને આ ટીમ દ્વારા ગણતરીના સમયમાં વિક્રમકુમાર સિંગ અને યેશુકુમાર સિંગ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. આ બંને આરોપીએ ધરપકડ થયા બાદ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમનો બોમ્બ બ્લાસ્ટ કરવાનો કોઈ ઇરાદો ન હતો તેમણે માત્ર પૈસા કમાવવાના હેતુથી જ આ કામ કર્યું હતું.

આ ઉપરાંત તેમણે પોલીસ સમક્ષ એ પણ કબૂલાત કરી હતી કે તેમણે આ કામને અંજામ આપવા માટે અઠવાડીયા સુધી મુંબઈની ધ લલિત હોટલની રેકી પણ કરી હતી. પોલીસે આરોપીએ પાસેથી 7 મોબાઈલ ફોન, 12 ચાલુ સિમ કાર્ડ અને 50 જેટલા નવા સિમ કાર્ડ જપ્ત કર્યા હતા. આરોપીઓની ધરપકડ બાદ વલસાડ પોલીસ દ્વારા આરોપીઓને સહારપૂર પોલીસ સ્ટેશન વધુ તપાસ માટે સોંપી દીધા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular