Wednesday, December 11, 2024
HomeGeneralમળવા જેવો માણસઃ તેઓ મારી સાથે હતા, તેમણે ભાવનગરના IGP અશોકકુમારની ઓફિસ...

મળવા જેવો માણસઃ તેઓ મારી સાથે હતા, તેમણે ભાવનગરના IGP અશોકકુમારની ઓફિસ બહાર બુટ કાઢયા અને મારી સાથે અંદર આવ્યા

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. ભાવનગર): હું અને મારી પત્ની શીવાની તા 20મી ફેબ્રુઆરીના રોજ ભાવનગર ,સરકીટ હાઉસ અમે પહોંચ્યા મે પાર્કિગમાં કાર કરી અને મારી નજર પોર્ચમાં પહોંચી ત્યાં એક દંપત્તી ઉભુ હતું. મને આશ્ચર્ય થયુ મને લાગ્યુ કે કદાચ તેઓ સરકીટ હાઉસનો સ્ટાફ હશે. હું તેમની પાસે પહોંચ્યો તેમણે મને નમસ્કાર કર્યો, મેં મારો પરિચય આપતા કહ્યુ હું પ્રશાંત, અમારૂ બુકીંગ હઠીસિંહભાઈએ કરાવ્યુ તેમણે મને કહ્યુ હું જ હઠીસિંહ છુ. અમે પહેલી વખત રૂબરૂ મળી રહ્યા હતા. આમ તો અમારો સંપર્ક છ વર્ષ પહેલા થયો, મે પોર્ટલમાં કામ શરૂ કર્યુ ત્યારે મારા પત્રકાર મિત્ર વિજયસિંહ પરમારે મને કહ્યુ ભાવનગર અને તેની આસપાસના જીલ્લામાં કોઈ પણ માહિતી જોઈતી હોય તો હઠીસિંહ ચૌહાણ કરતા કોઈ ઉત્તમ સંપર્ક હોઈ શકે નહીં તેમને દિકરો યશપાલ પણ ફોટોગ્રાફર છે, બસ ત્યારથી મારી સાથે હઠીસિંહ અને યશપાલની દોસ્તી શરૂ થઈ. છ વર્ષમાં અને પાંચસો કરતા વધુ સ્ટોરી ઉપર એક સાથે કામ કર્યુ તેવુ કહીશ તો અતિશયોકતિ ગણાશે નહીં.



હઠીસિંહનો મુળ વ્યવસાય ઝુલા બનાવવાનો છે. તેમણે કોલેજનું શિક્ષણ મેળવ્યુ નથી કોઈ પત્રકારત્વની સ્કુલમાં પણ ગયા નથી. લખવામાં તેમની મર્યાદા છે, પણ તેમના નસનસમાં પત્રકારત્વની સમજ છે. કઈ ઘટના સમાચાર બની શકે તેની પાક્કી સમજ છે. મારા સંપર્કમાં આવ્યા પછી એટલો ફરક પડયો કે માત્ર નેગેટીવ જ નહીં સારી બાબત હકારાત્મક બાબત પણ સમાચાર છે તેની સમજ કેળવાઈ છે, આખા ભાવનગર જિલ્લામાં તેમના જેવા સંપર્કોનો કોઈ વિકલ્પ નથી. લોંખડ સાથે પનારો હોવા છતાં માણસને ઓળખવાની તાકાત તેમની અંદર છે, જો કે તેઓ અજાત શત્રુ છે, તેઓ સામેની વ્યકિત મર્યાદા સાથે સંબંધ રાખે છે. તેમના મોંઢામાંથી કોઈ પણ વ્યકિતની નકારાત્મક બાબત જાળવી અધરી છે. અનેક વખત સ્ટોરીમાં તેમની બાઈલાઈન હોવા છતાં તેઓ તેના ભાર વગર જીવી શકે છે. પત્રકારત્વ તેમના મટે શ્વાસ લેવા જેટલુ સહજ છે, તેઓ બહુ ઉત્તમ કામ કરે છે, તેનું અભિમાન નથી, અને પત્રકારત્વના નામે મળતા આડ લાભથી તેઓ અને તેમનો દિકરો યશપાલ પોતાની દુર રાખી શકયા છે.

સરકીટ હાઉસમાં અમે મળ્યા ત્યારે હઠીસિંહ સાથે તેમના પત્ની કુંદનબા હતા. આમ તો મેં સરકીટ હાઉસમાં જયારે બુકીંગ કરવા માટે તેમને વિનંતી કરી ત્યારે જ તેમને સુર અને વિનંતી એવી હતી કે સરકીટ હાઉસમાં શુ કામ મારા ઘરે જ આવોને.. અમે પહેલી વખત મળી રહ્યા હતા જેના કારણે થોડો સંકોચ પણ હતો. મારા માટેનું તેમના મનમાં પણ ચિત્ર કઈક જુદુ અને મોટુ હતુ, પણ અમે મળ્યા તેની મિનીટીમાં તે ચિત્ર ભુસાઈ ગયુ, હઠીસિંહની જેમ તેમના પત્ની કુંદનબાનો સ્વભાવમાં પણ એક પ્રકારની સાલસતા અને પ્રેમાણપણુ હતું તેમને સતત આગ્રહ હતો કે અમે તેમના ઘરે આવીએ મેં હા પાડી અને કહ્યુ તમારી સાથે તમારા ઘરે જમીશુ. અમે તેમના ઘરે એક દિવસ જમવા પણ ગયા, કુંદનબાના ચહેરા ઉપર થોડો સંકોચ હતો, તેમણે મારી પત્ની શિવાનીને કહ્યુ અમારી ઘરે ડાઈનીંગ ટેબલ નથી નીચે જમવા બેસવાનું ફાવશે, હું હસી પડયો મેં કહ્યુ મારા ઘરે પણ ડાઈનીંગ ટેબલ નથી અમે નીચે બેસી જ બધા જમીએ છીએ.



હઠીસિંહને ભાવનગરનું ગુગલ કહીએ તો પણ ખોટુ નથી, માણસથી લઈ કોઈ પણ સ્થળની જાણકારી માંગો તો ક્ષણમાં તમારી પાસે હાજર થઈ જાય. ભાવનગરના આઈએએસથી લઈ આઈપીએસ , રાજનેતા અને નાના મોટા તમામ સાથે તેમના વ્યકિતગત જીવંત સંપર્ક છે. અમારે ઘણા મિત્રનો મળવાનું હતું પણ સમય ઓછા હોવાને કારણે ઘણાને મળ્યા વગર હું ભાવનગરથી પરત ફર્યો તેની નારાજગી પણ હશે, પણ તે નારાજગી દુર કરવા હું ફરી ભાવનગર આવીશ, અમે ભાવનગર રેંજના આઈજીપી અશોકકુમાર યાદવને મળવા તેમની ઓફિસે ગયા. અમે ઓફિસમાં દાખલ થતાં હતા, હઠીસિંહભાઈએ તેમના બુટ બહાર કાઢયા. મને થયુ કે પોલીસ અધિકારીની ઓફિસમાં કેમ બુટ બહાર કાઢયા, કદાચ તેવો નિયમ હશે હું પણ પગરખા ઉતારવા લાગ્યો, તેમણે મને કહ્યુ તમે નહીં, હું અશોકકુમારની ચેમ્બરમાં ગયો, મેં પાછળ ફરી જોયુ તો હઠીસિંહ મારી પાછળ ન્હોતા, થોડા થોડા સમયે મારી નજર દરવાજા તરફ જતી હતી. અશોકકુમારે પુછયુ સાથે કોઈ આવ્યુ છે, મેં કહ્યુ મારા મિત્ર બહાર બેઠા છે, તેમણે કહ્યુ અરે કેમ તે બહાર બેઠા છે બોલાવો તેમને હઠીસિંહ અંદર આવ્યા.

- Advertisement -

આ તેમના સ્વભાવની સાલસતા હતા, હું મહેમાન હોવાને કારણે તેઓ મારા પરિચત અધિકારીઓ સાથે એક મોકળાશ આપી રહ્યા હતા. આવી તાલીમ કોઈ સ્કુલ કોલેજમાં મળતી નથી, માણસે જાતે શીખવાનું હોય છે, હું તેમની સાથે ત્રણ દિવસ રહ્યો મને અને શીવાનીને લાગ્યુ કે હઠીસિંહ અને તેમના પરિવાર પાસેથી અમે ઘણુ શીખ્યા છીએ, એક માણસ તરીકે આપણે બીજા માણસ સાથે રહી કેવો વ્યવહાર કરવો જોઈએ તે સમજને તેમણે ઉંડી કરી છે. હઠીસિંહ અને તેમના પત્ની કુંદનબાના ચહેરા ઉપર કોઈ વાતનો કંટાળો અને થાક ન્હોતો. અનેક વખત તેમનો પ્રેમ તમને ગુંગણાવી દેશો તેવુ પણ લાગે પણ તેમનો તે સહજ સ્વભાવ છે, બીજા માટે પણ જીવવામાં તેમને આનંદ મળે છે તા 22મી ફેબ્રુઆરીનો દિવસ હતો, હઠીસિંહે વિનંતી કરી આજે આપણે કોઈ નાનકડી રેસ્ટોરન્ટમાં સાથે જમીશુ, મેં હા પાડી રાત્રે અમે ચારે એક રેસ્ટોરન્ટમાં ગયા.



હું શીવાની – હઠીસિંહ અને કુંદનબા હતા, અમે ટેબલ ઉપર ગોઠવાયા, તેમના હાથમાં એક નાનકડી પ્લાસ્ટીક બેગ હતી, મેં પુછયુ આ શુ છે, હઠીસિંહ અને કુંદનબાએ એકબીજા સામે જોયુ, પછી તેમણે મને કહ્યુ આજે તમારા લગ્નની વર્ષગાંઠ છેને.. મેં કહ્યુ હા તેમણે બેગ ખોલી એક નાનકડી કેક તેઓ અમારા માટે લઈ આવ્યા હતા. આમ તેમણે અમારી આગળની સફરને વધારે રોમાંચક બનાવી, હજી અમારે ભાવનગર અને ભાવનગરના અનેક મિત્રોને મળવાનું બાકી છે, પણ હઠીસિંહ અને તેમના પરિવારને મળ્યા પછી લાગ્યુ કે આપણી પાસે બહુ ઓછા દિવસો હતા. ભાવનગરમાં તમારે જવાનું થાય તો ઘણા જોવા જેવા સ્થળો છે, પણ હઠીસિંહ ચૌહાણ પણ મળવા જેવો માણસ છે. મારા તમારા જેવા સાદો માણસ પણ હરપળને જીવી જાણતો માણસ, ભાવનગર જાવ તો જરૂર તેમને મળજો, એક પ્રાર્થના સાથે વિરમુ છે હઠીસિંહ આજે છો તેવા જ કાયમ રહેશે, મા ભગવતીના આશીર્વાદ તમારી અને તમારા પરિવાર સાથે કાયમ રહે.


- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular