- નુર દલાલો દર ઓછા કરવાનું દબાણ વધારી રહ્યા હતા પરિણામે ઇન્ડેક્સમાં નકારાત્મક સેન્ટીમેન્ટ સર્જાયું
- આયર્ન ઓર કોલસો જેવા ૧.૫ લાખ ટન બલ્ક કાર્ગો કેપસાઈઝનું નુર ૭૮૮ ડોલર વધી ૩૫,૩૫૭ ડોલર થયું
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): શીપીંગ નુરબજારે સપ્તાહાંતે નજીવો સુધારો દાખવ્યો હતો. શુક્રવારે આરંભમાં નુરદરો દબાણમાં જોવાયા બાદ, પેસિફિક મહાસાગર અને એટલાન્ટીક માર્ગો પર જહાજી નુર માંગ સુધારાજનક મોમેન્ટમ દાખવતા બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સમાં સારી એવી વૃદ્ધિ જોવાઈ હતી. આરંભમાં દરિયાઈ માર્ગો પર પ્રવૃત્તિ માર્યાદિત હતી. સાથેજ નવી પૂછપરછ પણ નાં હતી, પરિણામે જહાજ માલિકો મૂંઝવણમાં મુકાયા હતા અને નુરદર દબાણમાં આવી ગયા હતા. પણ પાછલા તબક્કામાં કેપ્સાઈઝ જહાજોના નુર એકાએક વધવા લાગતા દિવસ અંતે બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ ૧૮ પોઈન્ટ વધીને ૨૭૪૩ પોઈન્ટ થતા, ૧૭ જુલાઈ પછીની નવી ઉંચાઈએ પહોચી ગયો હતો.
કેપ્સાઈઝ જહાજી ઇન્ડેક્સ ૮૭ પોઈન્ટ અથવા ૨.૧ ટકા વધીને ૪૨૮૫ પોઈન્ટ ૧૬ જુલાઈ પછીની નવી ઊંચાઈ મુકાયો હતો. કેપ્સાઈઝ ઇન્ડેક્સ સપ્તાહ દરમિયાન ૪.૬ ટકા વધ્યો હતો. આયર્ન ઓર કોલસો જેવા ૧.૫ લાખ ટન બલ્ક કાર્ગોનું વહન કરતા કેપસાઈઝ જહાજોનું દૈનિક સરેરાશ નુર ૭૮૮ ડોલર વધીને ૩૫,૩૫૭ ડોલર થયું હતું. અલબત્ત, પનામેક્સ ઇન્ડેક્સ ૪૦ પોઈન્ટ ઘટીને ૨૦૨૪ પોઈન્ટ થયો જે ત્રણ મહિનાના તળિયે જઈ બેઠો. ગત સપ્તાહે પનામેક્સ ઇન્ડેક્સ ૧૦ ટકા તુટ્યો હતો. આ જહાજમાં ૬૦થી ૭૦ હજાર ટન અનાજ કે કોલસા જેવા સામનનું વહન થતું હોય છે, જેની દૈનિક સરેરાસ આવક ૩૬૧ ડોલર ઘટીને ૧૮,૨૧૩ ડોલર રહી ગઈ હતી.
બેંચ માર્ક કેપ્સાઈઝ જહાજની આવક વૃદ્ધિ સામે પનામેક્સ અને સુપ્રમેક્સની સરેરાશ આવક ઘટતાં, બાલ્ટિક ઇન્ડેક્સ ગતસપ્તાહે ૦.૩૦ ટકાનો ઘટાડો દાખવતો હતો. બજારમાં નુર માંગ પરત ફરતા અને નવા કાર્ગો રૂટ પર આંતરપ્રવાહ સુધારાજનક રહેતા સેન્ટીમેન્ટ સુધર્યું હતું. ગત સપ્તાહના આરંભે બીસીઆઈ ૫-ટીસી (બાલ્ટિક એક્સચેન્જ કેપ્સાઈઝ પાંચ ટાઈમ ચાર્ટર એવરેજ) ૩૧,૭૬૮ ડોલરના તળિયે હતો, તે સપ્તાહાંતે ૩૮,૮૬૦ ડોલર થયો હતો. સપ્તાહ દરમિયાન ખાણ કંપનીઓની નુરબજારમાં હિસ્સેદારી હોવા છતાં સર્વાંગી નુરબજારને નવો ટેકો મળ્યો હતો. કોલસા માટેના જહાજોની ૧૨ ડોલર ઊંચા ભાવે પણ માંગ વધતા સી-પાંચ (પશ્ચિમ ઓસ્ટ્રેલીયાથી ચીનના કીન્ગ્ડાઓ પોર્ટ) માર્ગ પર પ્રવ્રુત્તી વધી હતી. એટલાન્ટીક માર્ગે દક્ષિણબ્રાઝીલથી પશ્ચિમઆફ્રિકા સુધીના સી-૩ માર્ગ પર જહાજોની ગતિવિધિ વધુ હતી. આ માર્ગે ઓગસ્ટ ચાર્ટરનુર માંગ સારીએવી વધી હતી.
પનામેક્સ નુર આખું સપ્તાહ નબળા રહ્યા હતા. એક તરફ પૂછપરછ ઓછી હતી સાથેજ નુર દલાલો દર ઓછા કરવાનું દબાણ વધારી રહ્યા હતા, પરિણામે નકારાત્મક સેન્ટીમેન્ટ સર્જાયું હતું. બજારના અહેવાલો કહે છે કે આંતરરાષ્ટીય જળમાર્ગ પર ડ્રાય બલ્ક શીપીંગની આવજા સારી હતી. અલબત્ત, ચીનના દરિયાકિનારેથી ચીનના આંતરિક પોર્ટ પર નુરદરમાં સુધારો જોવાયો હતો. પેસિફિક મહાસાગરમાં જહાજોની ઉપલબ્ધી વધી હતી, સામે ડ્રાય બલ્ક કાર્ગોની માંગ ખુબ ઓછી હતી, પરિણામે નુર દબાણમાં આવ્યા હતા. ઉત્તરપેસિફિક, પૂર્વઓસ્ટ્રેલીયા અને ઈન્ડોનેશિયા માર્ગે ખાસ ઉત્સાહ ના હોતા જહાજ માલિકો સ્પર્ધાત્મક નુર ઓફર કરી રહ્યા હતા.
(અસ્વીકાર સુચના: commoditydnaઅને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








