નવજીવન.અરવલ્લી: ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ ધરાવતું જાહેરનામું અરવલ્લી જીલ્લામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. મોડાસામાં પોલીસે ગેરકયદેસર ચાઈનીઝ દોરીનો વેપલો કરતા વેપારીઓ અને શખ્સોને ઝડપી પાડવા ડ્રાઇવ યોજી ચાર સ્થળેથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરના પગલા ભર્યાં હતા. જીલ્લા એસઓજી પોલીસે મનપસંદ રેડીમેડ સ્ટોર્સમાંથી ૧૧ ફીરકી, શંકર ક્રેકર્સમાંથી ચાઈનીઝ દોરી અને તુક્કલ ૫૦૦ નંગ, ટાઉન પોલીસે ખલીકપુર ગામના યુવાન પાસેથી ૫૯ ફીરકીઓ અને મેઘરજ રોડ પર આવેલી ગાયત્રી પતંગ સ્ટોરમાંથી ૩ નંગ ફીરકીઓ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જીલ્લામાં દર વર્ષે લાખ્ખો રૂપિયાની ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચી વેપારીઓ ખિસ્સા ગરમ કરી રહ્યા છે.
અરવલ્લી જીલ્લા એસઓજી પોલીસે મોડાસા ચાર રસ્તા નજીક આવેલ મનપસંદ રેડીમેડ સ્ટોર્સમાંથી ૧૧ ફીરકી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધો છે. જો કે એસઓજી પોલીસે મનપસંદ રેડીમેડ સ્ટોરના માલિક કપિલ શ્રવણ શાહ પાસે થેલામાંથી મોટી માત્રામાં ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી લીધા પછી ત્રણ હજાર રૂપિયાની કિંમતની ૧૧ ફીરકીનો જથ્થો ઝડપાયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે જીલ્લા પોલીસવડા મનપસંદ સ્ટોર્સમાં લાગેલ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગની ચકાસણી કરી દૂધનું દૂધ અને પાણીનું પાણીની જેમ તટસ્થ કામગીરી કરે તેવી લોક માંગ પ્રબળ બની છે જીલ્લા એસઓજી પોલીસે અન્ય એક રેડમાં મોડાસા માર્કેટયાર્ડમાં આવેલી શંકર ક્રેકર્સમાં ત્રાટકી ૬૮ હજારથી વધુની કિંમતની ૫૦૦ નંગ ચાઈનીઝ દોરી અને તુક્કલ ઝડપી પાડી દુકાન માલીક શ્યામ શીશપાલ મહેશ્વરી સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મોડાસા ટાઉન પોલીસે ખલીકપુર ગામમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનો વેપલો થતો હોવાની બાતમી મળતા ખીલકપુર ગામના વિશાલસિંહ રણજીતસિંહ ચૌહાણના ઘરે ત્રાટકી ૧૧ હજારથી વધુની ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી તેમજ મેઘરજ રોડ પર આવેલ ગાયત્રી પતંગ સ્ટોરેસમાંથી ૩ ફિરકી ચાઈનીઝ દોરી જપ્ત કરી સ્ટોર માલિક શ્યામજી વિશ્રામ ભાઈ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.








