નવજીવન ન્યૂઝ. અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી ભલે બંધ થઇ હતી, પણ તે ચાલુ હોવાના પુરાવાઓ સામે આવ્યા છે, અને આ તમામ હેરાફેરી કોઇક ભેજાબાજના આશીર્વાદથી ચાલી રહ્યાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. મેઘરજના શિવરાજપુરા પાસે દારૂની ખેપ મારતી કારને અકસ્માત નડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પૂરપાટ ઝડપે બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હતા તે સમયે રોડની નજીક ઊભી રહેલ ટ્રેકટરની ટ્રોલીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ઇસરી પોલિસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ રેંજ આઈ.જી અને જિલ્લા પોલિસ વડાની કડક કાર્યવાહી છે જેને લઇને દારૂબંધીનો કડક અમલ થઇ રહ્યો છે, પણ હજુ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી હોવાનો પુરાવો સામે આવ્યો. જો કારને અકસ્માત ન નડ્યો હોત તો કદાચ ખ્યાલ જ ન આવતો કે જિલ્લામાં દારૂની હેરાફેરી થાય છે. પણ હવે સ્પષ્ટ થયું કે, દારૂની લાઈન હજુ પણ ચાલુ છે અને કોના આશીર્વાદથી થાય છે તે પણ લોકોને ખ્યાલ છે. જિલ્લાની સૌથી મોટી એલ.સી.બી. ની નાક નીચે આટલી મોટી દારૂની હેરાફેરી થાય છે ત્યારે હવે ફરીથી એલ.સી.બી. સવાલોના કોયડામાં આવી ગઇ છે. જિલ્લામાં દારૂની લાઈન ચાલે છે, તે હવે સ્પષ્ટ થયું છે, પણ સવાલ એ થાય છે કે, શું હપ્તાઓ પહોંચતા હશે કે શું ? LCB ના ભેજાબાજ કોણ છે તેમની કામગીરી પર પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
![]() |
![]() |
![]() |











