નવજીવન ન્યૂઝ રાજકોટ: રાજકોટમાં ગઈકાલે રાત્રે હોટલ રૂમમાં પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ એસિડ પી ગયો હોવાની ઘટના પ્રકાશિતમાં આવી હતી. યુવાનને હાલ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, જામનગરની યુવતી અને કચ્છનો યુવાન જેમિસ ધનરાજભાઈ દેવાયતા બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું છે. ગઇકાલે સવારે 9 વાગ્યે જેમિસ અને યુવતી નોવા હોટલમાં આવ્યા હતા. આ બંને હોટલના 301 નંબરના રૂમમાં રોકાયાં હતાં. તે દરમિયાન જેમિસે યુવતીના ગળે પ્લાસ્ટિકની પટ્ટીથી ગળેટૂંપો આપી હત્યા કર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. જેમિસે યુવતીની હત્યા બાદ પોતે એસિડ ગટગટાવી ગયો હતો અને તે પહેલા પરિવારને જાણ કરી હતી.
સમગ્ર બાબતે મૃતક યુવતીના પિતાએ જણાવ્યું હતું કે ગઇકાલે સવારથી જ મારી દીકરીનો ફોન બંધ બતાવતા હતા. દીકરી સાંજ સુધી ઘરે પરત ન આવતાં અમે ફોન કર્યો હતો. ફોન કરતાં જેમિસે મારી દીકરીની હત્યા કરી નાખી છે અને હું પણ આપઘાત કરું છું તેમ જણાવ્યું હતું. વધુમાં જણાવતા કહ્યું કે, દીકરીના પ્રેમસંબંધ અંગે કોઈ જાણ નથી. અમારી તો એટલી જ માગ છે કે મારી દીકરીના હત્યારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુવતીના આધારકાર્ડમાં જન્મ 2005ના વર્ષમાં બતાવે છે, જ્યારે હોટલને ઝેરોક્સની નકલ આપી તેમાં જન્મનું વર્ષ 2003 બતાવે છે. હોટલમાં આપેલી ઝેરોક્સ નકલ પ્રમાણે યુવતીની ઉંમર 19 વર્ષ થાય છે અને ઓરિજિનલ આધારકાર્ડમાં ઉંમર 17 વર્ષ થાય છે. તેથી જેમિસે આધારકાર્ડમાં છેડછાડ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી કાર્યવાહી શરુ કરી છે.
![]() |
![]() |
![]() |











