નવજીવન ન્યૂઝ. અરવલ્લી: અરવલ્લીમાં વનવિભાગના અધિકારીના ભ્રષ્ટાચારનો બહાર આવ્યો છે. સાબરકાંઠા જિલ્લા ACBની ટીમએ ધનસુરાના લાંચિયા RFOને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. છેલ્લા કેટલાય સમયથી અરવલ્લી જિલ્લાના વનવિભાગમાં ભ્રષ્ટાચારની ચર્ચા ઉઠી રહી હતી, તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા, પણ હવે પાપ છાપરે ચઢીને પોકારતા, વનવિભાગનો અધિકારી ACBના સકંજામાં આવી ગયો છે.
માહિતી અનુસાર, ફરિયાદી પોતાની પત્નીના નામે ‘જય મહાકાલી સખી મંડળ’ ગૃપ નર્સરીમાં રોપાઓનું વાવેતર કરે છે. તેઓના ખાતામાં Forest વિભાગ તરફથી પહેલા બે હપ્તાના રૂ. 66,500/- ફરિયાદીના “જય મહાકાલી સખી મંડળ”ના ખાતામાં આવ્યા હતા. જેથી આરોપી હિતેન્દ્ર મુકેશભાઈ ફૂલેત્રા, ફોરેસ્ટ ઓફિસરે ફરિયાદીને બોલાવી વચેટિયા આરોપી મારફતે રૂ.30,000/- ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી. ફરિયાદીએ સાબરકાંઠા એ.સી.બી. પો.સ્ટે. હિંમતનગર ખાતે આવી ફરિયાદ આપી હતી. ફરિયાદ આધારે છટકું ગોઠવી વડાગામ ખાતે આવેલા ચિત્રકલા સ્ટુડીયોની આગળ ચાની કીટલી ઉપરથી રંગે હાથ ઝડપી પાડવામાં સફળતા મળી છે.
છેલ્લા ઘણાં સમયથી અરવલ્લી જિલ્લામાં ગુલાબી નોટો લઇને લાકડાની ગાડીઓ પસાર કરાવવાનો કારોબાર ચાલી રહ્યો હોવાની વાતોએ જોર પકડ્યું હતું, તેમ છતાં ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી પણ નહોતું હલતું પણ હવે એસીબીએ સપાટો બોલાવીને લાંચિયા અધિકારીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા મોડાસા, ભિલોડા, શામળાજી, મેઘરજ, માલપુર અને બાયડના RFO તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જિલ્લામાં વનવિભાગે જંગલોનું નિકંદન કાઢીને લાખો-કરોડો રૂપિયા બનાવી લીધા હોવાની લોકચર્ચા વેગવંતી થઇ હતી, પણ કોઇ માનવા તૈયાર નહોતુ કે વનવિભાગના અધિકારીઓ લાંચ લે છે. ACB ની ટ્રેપથી હવે સ્પષ્ટ થયું છે કે, વનવિભાગમાં ખુલેઆમ ભ્રષ્ચાચાર ચાલી રહ્યો છે અને લાંચ પણ ખુલેઆમ લેવાઈ રહી છે. ધનસુરા વનવિભાગનો લાંચિયા RFO અધિકારી ACB ના સકંજામાં આવી અન્ય અધિકારીઓમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે, આપણે શું કરીશું ?. એસીબીની ટીમે હવે તમામ અધિકારીઓની મિલકત પણ તપાસ કરવી જોઇએ કે, બીજા કેટલા અધિકારીઓએ લાંચના રૂપિયાથી પોતાના ઘર ભર્યા છે.
![]() |
![]() |
![]() |











