ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો એટલાં તંગ છે કે તેમાં માનવસહજ લાગણીઓનો અવકાશ નથી. પણ જ્યારે આવો કોઈ અવકાશ બને છે ત્યારે બધા બંધનો તૂટે છે અને માનવીય લાગણી સર્વોપરી અનુભવાય છે. ભારત-પાકિસ્તાન જોડનારી આ ઘટના બની હતી ગુજરાતમાં આવેલા પાકિસ્તાની સાથેની સરહદપર. વર્ષ 1965નું છે અને દિવસ છે 19 સપ્ટેમ્બર. ઘટના આરંભાય છે અમદાવાદના એરપોર્ટથી જ્યારે તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા એક રેલીને સંબોધીને ત્યાં પહોંચે છે. તેમની સાથે તેમનાં પત્ની છે, ત્રણ સહયોગી છે અને ‘ગુજરાત સમાચાર’ના એક પત્રકાર છે. આ પૂરી ઘટના સમયાંતરે પ્રકાશિત થતી રહી છે; પરંતુ હાલમાં આ ઘટનાને બખૂબી રીતે ‘બીબીસી’ના જાણીતાં પત્રકાર રેહાન ફઝલે શબ્દબદ્ધ કરી છે.
મુખ્યમંત્રી બળવંતરાય મહેતા જેવાં એરપોર્ટ પહોંચે છે ત્યારે તેમને ભારતીય વાયુસેનાના પૂર્વ પાઇલટ જહાંગીર જંગૂ જહાંગીરે તેમને સેલ્યૂટ કરી. વિમાનમાં બેસવાનો ક્રમ થયો અને પાઇટલ જહાંગીરે વિમાન સ્ટાર્ટ કર્યું. મુખ્યમંત્રી બળવંતરાય મહેતાને દ્વારકા પાસે આવેલાં મીઠાપુર જવાનું હતું. ત્યાં પણ તેઓ રેલીને સંબોધવાના હતા.
તે દિવસે સમાંતરે પાકિસ્તાનમાં રોજિંદા ક્રમ મુજબ સરહદ પર સૈનિક હવાઈ-જહાજોની અવરજવર હતી. દિવસના સાડા ત્રણ વાગ્યાના આસપાસ પાકિસ્તાનના મોરિપુર એરબેઝ પર ફ્લાઈટ લેફ્ટનન્ટ બુખારી અને ફ્લાઈંગ ઓફિસર કૈસ હુસૈન ડ્યૂટી પર છે. બુખારી અને કૈસ હુસૈનને સૂચના મળે છે કે, ભુજ પાસેના રડારમાં એક વિમાન આવ્યું છે તેની તત્કાલ તપાસ કરો. તુરંત તેઓએ જહાજ સ્ટાર્ટ કર્યું અને બુખારી અને કૈસ હુસૈનને ફરી સૂચનામળી કે તેમણે વીસ હજાર ફીટ ઉપર ઉડાન ભરવાની છે. કૈસ હુસૈનનું કહેવું છે કે એ દિવસે તેમણે ભારતીય સીમા પણ પાર કરી દીધી હતી.
અમેરિકાથી ટ્રેઇનિંગ લઈને આવેલાં કૈસ હુસૈન જ્યારે હવાઈ જહાજ લઈને ઊડાન ભરી ત્યાં તો તેમને ત્રણ-ચાર મિનિટમાં જ બીજોમેસેજ ઓછી ઊંચાઈએ ઉડાનભરવાનો મળ્યો. ત્રણ હજાર ફીટની ઊંચાઈ પર ત્યારે કૈસને એક વિમાન ઉડતું દેખાયું.વિમાન ભુજ તરફ જઈ રહ્યું હતું અને ત્યારે કૈસ હુસૈનને તેને ઇન્ટરસેપ્ટ કર્યું. કૈસે જોયું કે આ સિવિલિયન વિમાન છે અને તે કારણે તેના પર ફાયરિંગ ન કર્યું. તેમણે એરબેઝ પર રિપોર્ટ કર્યો કે આ સિવિલયન વિમાન છે.
આ દરમિયાન કૈસ હુસૈનને ભારતીય વિમાનની જોઈતી બધી માહિતી મેળવી લીધી અને એરબેઝ પર તે પાસ ઑન કરી. તેમણે કહ્યું કે આ આઠ સિટર વિમાન છે અને તેના પર ‘વિક્ટર ટેંગો’ લેખલું છે. અને પૂછ્યું કે હવે મારે શું કરવાનું છે?સામેથી આદેશ થયો કે તમે ત્યાં જ રહો અને અમારા મેસેજની રાહ જુઓ. બસ થોડી મિનિટોમાં પાકિસ્તાનના એરબેઝથી મેસેજ આવ્યો કે ભારતીય જહાજને શૂટ કરી દો. કૈસ હુસૈનને તુરંત તેમ ન કર્યું. તેમણે ફરીથી સંદેશો કન્ફર્મ કર્યો કે શું ખરેખર જહાજને શૂટ કરવાનું છે?સામેથી જવાબ મળ્યો ‘હા’ અને ‘તુરંત’.
આ કેફિયત વર્ષો પછી માંડતા કૈસ હુસૈન કહે છે કે, મૈં સો ફીટ દૂરથી તેના પર નિશાન સાધીને એક બર્સ્ટ ફાયર કર્યું. તેના રાઇટ વિંગથી કશુંક ઊડતું દેખાયું. પછી કૈસે પોતાના વિમાનની રફ્તાર ધીમી કરી અને એક બીજું ફાયર કર્યું. થોડી ક્ષણોમાં વિમાન આગમાં લપેટાઈ ગયું. પછી તે વિમાન 90 ડિગ્રી સ્ટીપ ડાઈવ સાથે જમીન પર પટકાયું. વિમાન આગનો ગોળો બન્યું અને તેના તમામ પેસેન્જરો માર્યા ગયા.
કૈસ હુસૈનને જ્યારે વિમાનની ઓળખ કરી અને તેને શૂટ કરવા જઈ રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રીના વિમાનેવિંગ્સ હલાવીને સંકેત આપ્યો; જેનો અર્થ થાય છે કે ‘હેવ મર્સી ઓન મી’. પરંતુ કૈસ હુસૈન અને તેમના એરબેઝના અધિકારીઓને શંકા હતી કે વિમાન સરહદની આટલી નજદીક ઊડી રહ્યું છે તો તેમાંથી તસવીર તો નથી લેવાઈ રહી ને?આવી ભૂલ થઈ તેનું એક કારણ એ પણ હતું કે 1965 અને 1971 યુદ્ધ દરમિયાન ભારત-પાકિસ્તાન દ્વારા સિવિલિયન હવાઈ જહાજોનો ઉપયોગ સૈનિક કાર્યો માટે થતો હતો. તે દિવસે સાત વાગ્યાના બુલેટિનમાં એવી જાહેરાત થઈ કે પાકિસ્તાનના એક હવાઈ જહાજે ભારતના એક સિવિલિયન હવાઈ જહાજને નિશાન બનાવ્યું છે. આ વિમાનમાં ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા સાથે વિમાનમાં સવાર અન્ય મુસાફરોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે.તે દિવસની ઘટનાને લઈને કેટલાંક પ્રશ્નોના ઊભા થયાં. જેમ કે, મુખ્યમંત્રીના વિમાનને કોઈ એસ્કોર્ટ વિના સરહદ પર જવા કેમ દીધું? શું તે માટે વાયુસેનાની મંજૂરી લેવામાં આવી હતી?ચાર મહિના બાદ આવેલાં રિપોર્ટમાં મુંબઈના વાયુસેનાના પ્રભારી મુજબ તેઓએ મુખ્યમંત્રીનું વિમાન ઊડવાની મંજૂરી આપી નહોતી. પછીથી ગુજરાત સરકારે દબાણ કર્યું તો વાયુસેના દ્વારા મંજૂરી આપવામાં આવી અને સાથે તેના જોખમ નિર્દેશિત કરવામાં આવ્યા હતા.
ભારતમાં બળવંતરાય મહેતા એવાં પ્રથમ રાજનીતિજ્ઞ હતા જેઓ સૈનિક એક્શનમાં મૃત્યુ પામ્યા.પછીથી આ ઘટના લોકોના સ્મૃતિપટલ પરથી ભૂંસાઈ ગઈ. ભારત-પાકિસ્તાનના સંબંધો પર પણ વેરના અનેક આવરણો ચઢી ગયા. પરંતુ આ ઘટનાને પાકિસ્તાનના પાઇલોટ કૈસ હુસૈન ભૂલી શક્યા નહોતા. તેમના માનસમાં સાડા ચાર દાયકા પહેલાનું તે ફાયર આજે પણ સ્મૃતિમાં જીવંત હતું. જે કૃત્ય તેમણે કર્યું હતું તેની પૂરી વિગત તેમની પાસે હતી. નિર્દોષોની જાન ગઈ તેથી તેઓ દુઃખી હતા. પોતે પાઇલોટ એટલે તેમની વિશેષ અનુકંપા પાઇલોટ પ્રત્યે હતી. અંતે આ પૂરા પ્રકરણ અંગે માફી માંગી લેવાનું તેમને મુનાસિબ લાગ્યું. માફી ભારતીય પાઇટલો જહાંગીરના પરિવાર પાસે માંગવાની હતી. પોતે તપાસ કરી ક્યાંકથી જહાંગીરની પુત્રી ફરીદા સિંહનો ઇ-મેઇલ મેળવ્યો અને પછીથી તે માફીનામું લખ્યું. કૈસ હુસૈન પાઇલોટ જહાંગીરના પુત્રીનેપૂરો કિસ્સો બયાન કર્યા પછી લખે છે : “માણસનું જીવન ખત્મ થવું તે સૌથી પીડાદાયી છે. તમારા પિતાના મૃત્યુ પર મને ખૂબ ખેદ છે. જો ક્યારેક તક મળશે તો હું તમારી સામે આવીને આ માફી માંગવા ઇચ્છું છું.” કૈસે પોતાની આ લાગણી પરિવારના તમામ સભ્યો પાસે પહોંચાડવા વિનંતી ફરિદાને કરી હતી. પછી ફરિદા જ્યારે કૈસ હુસૈનના પત્રનો ઉત્તર આપે છે તે પણ એટલો જ સંવેદનાથી ભર્યો છે. તેમાં ફરિદા હુસૈનને “ડિઅર મિસ્ટર હુસૈન”થી સંબોધીને લખે છે કે, “આ રીતે પત્ર લખવો હિંમત માંગી લે અને તેનો જવાબ વાળવો પણ તે પણ વિનમ્રતાથી કહું તો હિંમતનું કામ છે.”આ પત્રની મુખ્ય વિગતોમાંથી પસાર થઈએ, જેમાં ફરીદા લખે છે : “મારા પિતાના મૃત્યુની ઘટનાએ અમારું જીવન ઘડ્યું છે. પરંતુ આ વિતાવેલાં સંઘર્ષમાં અમે એક ક્ષણ માટે પણ જે વ્યક્તિ અમારા પિતાના મૃત્યુ માટે જવાબદાર છે તેમના માટે દ્વેષ રાખ્યો નથી. અમે જાણીએ છીએ કે યુદ્ધની સ્થિતિમાં આવું બને છે. આખરે તો આપણે યુદ્ધ અને શાંતિના કઠપૂતળીઓ છે.”આ પત્રના અંતે ફરિદા તેમના પિતાના વિચારોને પણ વ્યક્ત કરતાં લખે છે : “મારા પિતા પણ આ બંને સરહદો મધ્યે થયેલી માફીની પહેલને આવકારત. જે બંને સરહદોનો હિસ્સો તો આમ એક જ છે.”
ભારત-પાકિસ્તાનના લોકો વચ્ચે આવો પ્રેમભર્યો વહેવાર ક્યારેક જ થાય છે. કૈસ હુસૈનને આ પત્ર 2011માં લખ્યો હતો અને તેમ છતાં ગણ્યાગાંઠ્યા અખબાર-સામયિકમાં તેની નોંધ લેવાઈ છે. આ પ્રકારનો વ્યવહાર જ્યારે પણ દેશ-દેશ કે વ્યક્તિ વચ્ચે થાય ત્યારે તેનો ખૂબ પ્રચાર-પ્રસાર થવો જોઈએ. અલ્ટીમેટલી તો પ્રેમથી તો દુનિયા ટકી છે, બાકી નફરતના શોરબકોરથી દુનિયા કંઈ ભલું થયું નથીતે સાબિતી આપવાની કોઈને જરૂરી નહીં લાગે.