પ્રશાંત દયાળ: થોડા દિવસ પહેલાની વાત છે, હું રોજ પ્રમાણે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમમાં મોર્નીગવૉક માટે પહોંચી ગયો. રોજ પ્રમાણે મોર્નીગવૉકમાં મળતા અનેક પરિચીત ચહેરાઓ દેખાતા હતા. જેમ ચહેરા દેખાય તેમ કોઈને હાથ ઉંચો કરીને તો કોઈકને આદર સાથે મસ્તક નમાવી સવારની સલામ કરતો હતો. ત્યારે જ સામેથી ચેતનભાઈ આવી રહ્યા હતા. તેમનું નામ ચેતનભાઈ અને વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ તે સિવાય તેમના વિશે હું કઈ જાણતો નથી. તેમનું પણ કંઈક આવું જ હતું, તેઓ પણ મારૂ નામ પ્રશાંત અને હું પત્રકાર છું તેનાથી વધારે કંઈ જાણતા નહીં હોય.
મેં રોજ પ્રમાણે ચેતનભાઈને ગુડમોર્નીગ કહ્યુ. તેઓ હસ્યા ગુડમોર્નીગનો જવાબ આપતા તેમણે મને પુછ્યું કયાં છો? અમારો આ સંવાદ પુરો થાય તે પહેલા હું આગળ વધી ગયો અને તેઓ પણ. પરંતુ હું ગડમથલમાં હતો કેમકે મને કંઈ સમજાયુ નહીં ચેતનભાઈએ મને કેમ આવું પુછયું કે કયાં છો! હું તો રોજ સ્ટેડીયમ આવું છું અને, ચેતનભાઈ મને રોજ જુવે છે છતાંય ક્યાં છો પુછવાનો અર્થ શું હોય શકે? પણ આ ક્ષણનો વિચાર કરતા-કરતા હું તે વાત ભુલી ગયો કે સ્ટેડીયમનું એક રાઉન્ડ પાંચસો મીટરનું છે. એટલે આપણી વિરૂધ્ધ દિશામાં ચક્કર લગાવી રહેલી વ્યકિત ફરી પાછી પાંચસો મીટર બાદ સામે મળે.
અને એવું જ થયું! બીજા રાઉન્ડમાં ચેતનભાઈ ફરી સામે મળ્યા પણ તેમણે મને પહેલા રાઉન્ડમાં જે સવાલ કર્યો હતો તેને હું ભુલી જ ગયો હતો. તેમણે મને તેમના પહેલા સવાલની સ્પષ્ટતા કરતા કહ્યું માત્ર શરીર જ અહીં છે મન કયાં છે તમારું? ફરી અમારુ ચાલવાનું ચાલતું રહ્યું તેઓ તેમની દિશામાં અને હું મારી દિશામાં ચાલતો રહ્યો. ચેતનભાઈના આ સવાલ બાદ મેં પણ વિચાર કર્યો કે હા મારૂ શરીર જ અહિં ચાલી રહ્યું છે. મન તો અનેક બીજા સ્થળે ભટકી રહ્યું છે. આવુ કેમ? હવે મેં મારી જ સાથે વાત શરૂ કરી હતી.
આપણને સામે કોઈ વ્યકિત મળે ત્યારે આપણે તેને પુછીએ છીએ કેમ છો? મજામાં? પણ આપણે સવારે ઉઠી આપણના મનને પુછતાં નથી તે કેમ છે મજામાં કે નહીં. જીવનની વ્યસ્તતામાં આપણે ફોન અને સોશિયલ મીડીયા મારફતે દુનિયાભરના લોકો સાથે વાત કરી લઈએ છીએ પણ, પોતાની સાથે વાત કરવાનો સમય નથી. આપણું મન એકલું પડી જાય છે, મન થાકી જાય છે, મન બીમાર પડે છે અને, મનને પોતાની કંઈક વાત કહેવી છે. પણ આપણી પાસે આપણા મનને સાંભળવાનો સમય જ નથી. મને લાગ્યું કે મારે મારી સાથે વાત કરવી જોઈએ, મને શું ગમે છે અને શું ગમતુ નથી તે અંગે વિચાર કરવો પડશે.
મોટા ભાગે એવુ જ બને છે કે પરિવારને શું ગમે છે, મીત્રોને શું ગમે, બોસને શું ગમે છે, લોકો શું કહેશે તે મથામણમાં આપણને શું ગમે છે તે ભુલી જ જઈએ છીએ. આપણે બીજાને ગમતી બાબતો કરવા લાગી છીએ, તેના કારણે મન થાકી જાય છે અને, તે બીમાર પડે છે. મેં નક્કી કર્યું કે મારા મનની મારી સામેની ફરિયાદ કઈ-કઈ છે તેની તેને યાદી બનાવવા કહું અને તેણે તરત મને એક યાદી પકડાવી દીધી. તેમાં હું મનની દરકાર કરતો નથી, હું મનને કોઈ દિવસ પુછતો નથી તું કેમ છે, હું મનને પુછતો નથી કે તને ગુસ્સો કેમ આવે છે, હું મનને પુછતો નથી કે બોલ આજે તારે શું કરવું છે. સરળ યાદી હતી, તેના કારણે તેના જવાબો પણ સરળ હતા.
બીજા દિવસે સવારે ઉઠીને મેં આંખો બંધ કરી મનને કહ્યું ગુડમોર્નીંગ ડીયર, હું તારી સાથે છું. તેણે તરત મને કહ્યું રોજ જેવું ના કરતો આજે. મેં પુછયું શું? તેણે કહ્યું મને મુકી ભટકવા જતો નહીં મારી સાથે રહેજે. મેં તેને એક હાસ્ય સાથે કહ્યું હા તું કહીશ તેવું જ કરીશ. તે દિવસે મેં મારા પ્રત્યેક કામ પહેલા મનને પુછયું અને તેણે કહ્યું તેવું કર્યું અને તે રાતે પથારીમાં પડયો તે સાથે જ મન નાના બાળકની જેમ પથારીમં પડતા જ સુઇ ગયું, કારણ હવે તેને મારી સામે કોઈ ફરિયાદ નહોતી. બીજા દિવસે સવારે મોર્નીગવૉકમાં મને ચેતનભાઈ મળ્યા. મેં ગુડમોર્નીંગ કહ્યું. તેમણે કહ્યું આજે તમારો ચહેરો બદલાઈ ગયો છે અને તમે સ્ટેડીયમમાં પાછા આવી ગયા. મેં મનમાં કહ્યું પાછા તો વળી શકાય પણ કોઈ દિશા બતાવે તેની જરૂર હોય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796