નવજીવન ન્યૂઝ. અમરેલી: Dhari mega demolition: અમરેલી (Amreli News) જિલ્લાના ધારીમાં (Dhari News) ઘણા સમયથી ગેરકાયદેસર દબાણોની ફરિયાદો ઉઠી રહી હતી. જેને લઈ નગરજનો અને દબાણકર્તાઓ સાથે બેઠકો કર્યા બાદ આજે મેગા ડિમોલિશનની (Mega Demolition) કામગીરી હાથ ધરવામાં આવી છે. 700 થી વધુ દબાણો દૂર કરવાના હોય તે અંતર્ગત 350 જેટલા દબાણો નગરજનો અને દબાણકર્તાઓએ જાતે જ દુર કરીને તંત્રની કામગીરીમાં સહકાર આપવાનું ઉદાહરણ પુરું પાડ્યું છે.

ધારીમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણોની અવારનવાર ફરિયાદો મળી રહી હતી. ત્યારે 3 દિવસ પહેલા DYSP હરેશ વોરા એક્શન મોડમાં આવ્યા હતા અને દબાણકર્તાઓ તેમજ નગરજનો સાથે એક બેઠકનું આયોજન કર્યુ હતુ. જે બેઠકમાં 700 જેટલા દબાણો દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે 350 જેટલા દબાણો દબાણકર્તાઓએ જાતે જ દૂર કરતા બાકીના દબાણો દૂર કરવા માટે આજ સવારથી દબાણ હટાવવાની મેગા ડિમોલિશનની કામગીરી હાથ ઘરવામાં આવી હતી.

આજે સવારથી જ મેગા ડિમોલિશનની કાર્યવાહી પ્રાંત અધિકારી મામલતદાર કચેરી સંબંધિત જુદાજુદા વિભાગના અધિકારીઓની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી વન વિભાગની ઓફિસથી,યોગી ચોક, મુખ્ય બજાર અને મુખ્ય રોડ પર શરૂ કરવામાં આવી રહી છે. જેમાં દબાણો પર બુલડોઝરો ફેરવવામાં આવી રહ્યા છે. હાલ એવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે, અત્યાર સુધીમાં જે 700 જેટલા દબાણો હતા તેમાંથી 350 જેટલા દબાણો દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દુર કર્યા છે.

મહત્વનું છે કે આ મેગા ડિમોલિશનની કામગીરી હોઈ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સંદર્ભે પોલીસ અધિકારી DYSP હરેશ વોરાના જણાવ્યા અનુસાર આ પ્રક્રિયામાં પોલીસ બોડીવોર્ન કેમેરા સાથે 2 DYSP, 1 ASP, 4 PI, 15 PSI, 400 હથિયારધારી પોલીસ જવાનો ઉપરાંત ઘોડે સવાર પોલીસ, સહિત 700 જેટલા પોલીસ જવાનોનો કાફલો દબાણના સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે. ઉપરાંત 390 જેટલા શ્રમિકોને પણ આ કામગીરી સોંપવામાં આવી છે.

ખાસ કરીને આજની કામગીરીની જો વાત કરવામાં આવે તો આજે 6 JCB, 10 ટ્રેક્ટરો અને 100 જેટલા શ્રમિકો ડિમોલિશનની કામગીરીમાં જોતરાયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, આ કામગીરી દરમિયાન કોઈ ધર્મનું દબાણ આવશે તો તેને હટાવાશે નહીં પરંતુ કોઈપણ જ્ઞાતિ કે મોટા પદાધિકારીઓના દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. તેમજ જાહેર રસ્તા પરના તમામ દબાણો દૂર કરવામાં આવશે.

મહત્વનું છે કે, સવારથી જે અહેવાલ મળી રહ્યા છે તે અનુસાર ધારીમાં હાથ ધરવામાં આવેલી મેગા ડિમોલિશનની કામગીરીમાં લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં સ્વયંભૂ સહકાર આપ્યો છે. ત્યારે ધારી તાલુકા પંચાયત કચેરી આસપાસના વિસ્તાર, બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારના દબાણો સાંજ સુધીમાં દુર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં દ્વારકામાં પણ આ જ રીતે મેગા ડિમોલિશનની કામગીરી 7 દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં 100 જેટલા રહેણાંક દબાણો, 30 કોમર્શિયલ અને 2 ધાર્મિક સ્થળોને તોડી પડાયા હતા. આ દબાણો દુર કરી 66 હજાર સ્કવેર જગ્યા ખાલી કરાવી 26.43 લાખ કિંમતની જગ્યાનું દબાણ દુર કરાયુ હતું.
TAG: Dhari News, Dhari mega demolition, Amreli News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








