નવજીવન ન્યૂઝ. અમરેલીઃ અમરેલીમાં (Amreli) છ મહિના પહેલા એક એવો બનાવ બન્યો હતો. જેને લઈને સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો હતો. અમરેલીની ગજેરા ટ્રસ્ટ સંચાલીત શાંતાબા હોસ્પિટલમાં (Shantaba Hospital) મોતિયાનું ઓપરેશન કરાવા આવેલા લોકોને ઓપરેશન બાદ આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું. દર્દીઓની તબિયત લથડતા તેમને અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં અંધાપાકાંડ (Andhapakand Amreli) બહાર આવતા જે તે સમયે સરકાર દ્વારા તપાસ કમીટીની રચના કરીને મામલો શાંત કરી દીધો હતો. જોકે આ તપાસ કમીટી દ્વારા હજી સુધી કોઈ રિપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યો નથી, ન તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ મુદ્દે માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા તાત્કાલિક પીડિતોને ન્યાય મળી રહે તે માટે તારીખ ૧૭ ડીસેમ્બર ૨૦૨૨ના રોજ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હીમાં પિટિશન ફાઈલ કરવામાં આવી હતી. માનવ અધિકાર ભંગની ફરિયાદમાં આયોગે ગંભીર બનાવમાં નોટિસ કાઢી રાજ્યના આરોગ્ય સચિવ પાસે ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ માગ્યો હતો અને આયોગ દ્વારા પ્રાથમિક તપાસ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા દરેક ભોગ બનનાર પીડિતને રૂપિયા ૫૦ લાખનું વળતર રાજ્ય સરકાર આપે અને ફરજમાં બેદરકાર ડોક્ટર સામે ફોજદારી અને ખાતાકીય પગલા ભરવામાં આવે તેવી માગણી આયોગ સમક્ષ પિટિશનમાં કરવામાં આવી હતી.
અમરેલીમાં આવેલી જીલ્લા કક્ષાની શાંતાબા હોસ્પિટલમાં બનેલા અંધાપાકાંડ બાબતે રાજ્યના આરોગ્ય સચિવ ગાંધીનગર દ્વારા સમય મર્યાદામાં રીપોર્ટ રજુ ન કર્યો હતો. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે આ મુદ્દાને ગંભીરતાથી લઇ ચીફ સેક્રેટરી અને આરોગ્ય સચિવને અંતિમ નોટીસ આપી ચાર અઠવાડિયામાં તાત્કાલિક રીપોર્ટ સબમિટ કરવા નિર્દેશ જાહેર કર્યો છે, પણ આયોગના નિર્દેશ મુજબ ચાર અઠવાડિયામાં અને રિમાઇન્ડર નોટિસ બાદ પણ આયોગના નિર્દેશનું પાલન કરવામાં આવ્યું નથી, જેથી આરોગ્ય સચિવના આવા અયોગ્ય વર્તનથી નારાજ આયોગ આકરા પાણીએ થતા રાજ્યના આરોગ્ય સચિવને ફટકાર લગાવી રૂબરૂ દિલ્હી આયોગની ઓફિસે રિપોર્ટ સાથે હાજર થવા સમન્સ કાઢેલુ છે.
અમરેલી ખાતે આવેલી શાંતાબા હોસ્પિટલમાં તારીખ ૧૨થી ૧૫ ડીસેમ્બરના રોજ આંખના મોતિયાના ઓપરેશન કરેલા ૨૫ જેટલા દર્દીઓને આંખમાં ન દેખાતું હોવા બાબતની ફરિયાદ સામે આવી હતી. જે પૈકી ૧૫ જેટલા દર્દીઓને અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની હોસ્પિટલમાં વધારે સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. આજની તારીખે પણ દર્દીઓને આંખમાં દેખાતું નથી, હોસ્પિટલમાં જવાબદાર લોકો સામે પગલા ભરવા, કાર્યવાહી કરવા, આરોગ્ય મંત્રીએ તપાસ માટે કમિટીની રચના કરી હતી પણ સમિતિએ શું તપાસ કરી ? શું ભલામણ કરી ? કોઈને જવાબદાર ઠેરવ્યા કે નહીં તેનો કોઈ જ અહેવાલ બહાર પાડવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર અને તેના ઉચ્ચ અધિકારીઓ પણ મગનું નામ મરી પાડતા નથી અને સૌ કોઈ મૌન થઇ તમાશો જોયા કરે છે.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે પોતાના સમન્સમાં જણાવ્યું છે કે, આ કાર્યવાહી કમિશનની અગાઉની કાર્યવાહીના ક્રમમાં વાંચવામાં આવશે. આ કેસમાં કમિશને સંબંધિત સત્તાધિકારીઓને એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો હતો, જે નિયત સમયગાળો વીતી જવા છતાં પ્રાપ્ત થયો ન હતો. આ બાબતની કમિશનને ગંભીરતાથી નોંધ લીધી છે અને તેની રજિસ્ટ્રીને સંબંધિત સત્તાધિકારીને સમન્સ પાઠવી કાર્યવાહીનો અહેવાલ કમિશનને સબમિટ કરવા માટે અંતિમ ઉપાય તરીકે સમન્સ જારી કરવાનો નિર્દેશ આપે છે, આરોગ્ય સચીવ દ્વારા ચાર અઠવાડિયામાં રિપોર્ટ સબમિટ કરવામાં નિષ્ફળ જવા પર કમિશને માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993ની કલમ 13 હેઠળ પ્રક્રિયા શરૂ કરી છે.
આ મુદ્દે માહિતી માટે અને સૂચનાનું જરૂરી પાલન સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહીની એક નકલ સંબંધિત રાજ્યના મુખ્ય સચિવને પણ મોકલવામાં આવી છે. આગાઉ આપેલ રિમાઇન્ડરમાં આયોગ દ્વારા સપષ્ટ કહેવાયું હતું કે આગામી સમયમાં જો રાજ્ય સરકારના અધિકારીઓ સમય મર્યાદામાં એક્શન ટેક્ન રીપોર્ટ રજુ નહીં કરે તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમન્સ કાઢી રીપોર્ટ સાથે રૂબરૂ દિલ્હી ખાતે બોલાવી શકે છે, છતાં પણ ગંભીરતાથી ન લેવાતા આખરી ઉપાય તરીકે આયોગે કાર્યવાહી કરી આરોગ્ય સચિવને રૂબરૂ રિપોર્ટ સાથે હાજર થવા સમન્સ પાઠવેલ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








