નવજીવન ન્યૂઝ.અંબાજીઃ અંબાજી માતાના દર્શન માટે જતા ભક્તો માટે મંદિરે એક નવીન આકર્ષક બોક્સ સાથે પ્રસાદ આપવાનું નક્કી કરાયું છે. અંબાજી માતાના દર્શન કરવા કોઈ અંબાજી જાય અને પોતે અને પોતાના સ્વજનો માટે પ્રસાદ રૂપે મળતા મોહનથાળના બોક્સ ન લાવે તેવું ભાગ્યે જ બને. મોહનથાળનો પ્રસાદ અહીં કેટલીક કિંમત ચુકવીને એક પુંઠાના બોક્સમાં આપવામાં આવતો હતો. જોકે હવે પોલિમરના બોક્સમાં આ પ્રસાદ મળશે.
અંબાજીના મંદિરમાં પહેલા ત્રણ અલગ અલગ બોક્સ અને વજન પ્રમાણે મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો હતો. જોકે હવેથી માત્ર એક જ સાઈઝમાં પોલિમરના બોક્સમાં પ્રસાદ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. મંદિરમાં પહેલા રૂ. 18, 28 અને 52માં સ્મોલ, મિડિયમ અને લાર્જ સાઈઝમાં પ્રસાદનું બોક્સ આપવામાં આવતું હતું. જોકે હવે તે બંધ થયું છે. હવે તેની જગ્યાએ 25 રૂપિયામાં પોલિમરનું પ્રિન્ટ વાળા બોક્સમાં પ્રસાદ મળશે. જેમાં 100 ગ્રામ વજન ધરાવતો મોહનથાળ પ્રસાદમાં આપવામાં આવશે. રૂપિયા 25માં 100 ગ્રામ પ્રસાદ હવેથી અહીં આપવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.








