લતીફ ભાગ-3: મુંબઈમાં ગેંગવોર પરાકાષ્ટાએ હતી. મુંબઈની અનેક ગેંગ પૈકીની દાઉદ અને આલમઝેબની ગેંગ એકબીજા ઉપર હાવી થવાનો પ્રયત્ન કરી રહી હતી. અંડરવર્લ્ડ ( Underworld )માં બીજા નંબર પર હોવાની કોઈ કિમંત હોતી નથી જો તમે 1 નંબર ઉપર નથી તો અંડરવર્લ્ડ( Underworld )માં તમારૂ કોઈ સ્થાન નથી. દાઉદ ( Dawood )ની સામે કરીમલાલા હતો. અને આલમઝેબને દાઉદનો કાંટો કાઢી નાખવો હતો. આ બંન્ને ગેંગ એકબીજાના માણસોને મારી રહી હતી. મુંબઈની આ બંન્ને ગેંગ સોના-ચાંદીની દાણચોરીમાં દરિયા કરતા પણ વધુ ઉંડી ઉતરી ગઈ હતી. દરિયાને પેલે પારથી ગેરકાયદે સોનુ (Gold) અને ચાંદી(Silver) લાવી ભારતના બજારમાં ઠાલવતા હતા. પહેલા તો કોઈને પણ લાગે કે મુંબઈના અંડરવર્લ્ડ સાથે લતીફને શુ લેવાદેવા હોઈ શકે ? તેનો ગુજરાત (Gujarat )માં દારૂનો ધંધો સારી રીતે ફેલાઈ રહ્યો હતો ત્યારે તેણે શા માટે આલમઝેબ સાથે હાથ મીલાવી દાઉદ ઈબ્રાહીમ ( Dawood Ibrahim )ને પોતાનો દુશ્મન બનાવી લીધો હતો? લતીફને દારૂનો ધંધો હતો જયારે આલમ અને દાઉદને દાણચોરીનો, લતીફ ( LATIF )ને તેમના ધંધા સાથે કોઈ લેવાદેવા ન્હોતી છતાં તે શા માટે તેમની લડાઈમાં કુદી પડ્યો હતો?
અગાઉ કહ્યુ તેમ લતીફ ( LATIF )એક વેપારીને જેમ વિચારતો હતો. ધંધો ભલે 2 નંબરનો હતો પણ તેને ખબર હતી કે ક્યારે અને કોની સાથે રહેવાથી તેને ફાયદો છે. બીજા હકિકત એવી હતી કે કદાચ લતીફ( LATIF )ને આલમનો હાથ પકડવાની પણ મજબુરી હતી. લતીફે જ્યારે દારૂના ધંધામાં ઝુકાવ્યુ ત્યાં સુધી અમદાવાદના ખેરખાઓને અંદાજ પણ ન્હોતો કે લતીફ( LATIF )ની સ્ટાઈલમાં બે નંબરનો ધંધો કરીએ તો ટંકશાળ શરૂ થઈ શકે તેમ હતી. ત્યારે અમદાવાદમાં ગુંડાઓને દાદા તરીકે એળખતા હતાં. પછી તે ગુંડો હિન્દુ હોય કે મુસલમાન તેને દાદા જ કહેતા હતા. ત્યારે નવાબખાનનો જમાનો હતો, તેના નામ અને કામની ધાક હતી. નવાબખાનનું નામ પડે અને ભલભલા દાદાઓ ધ્રુજી જતા હતા. લતીફ( LATIF )નો દારૂનો ધંધો અને લાખોની કમાણી જોઈ નવાબખાનની ડાઢમાં પણ ચસકો ઉપડ્યો. જો લતીફ ( LATIF )પૈસા કમાઇ શકે તો પોતે પણ આ ધંધામાં આવી શકે. લતીફનો તેની સામે બચ્ચું હતો.
નવાબખાનને 4 દિકરાઓ હતાં, જેમાના એક દિકરા પપ્પુને આખી રમત સમજાઈ જતા વાર લાગી નહીં અને તેણે પણ લતીફ ( LATIF )સામે દારુનાં ધંધામાં ઝુકાવ્યું. લતીફમાં આવનાર તોફાનની ગંધ પારખી જવાની કલા હતી. તેને ખબર પડી કે પપ્પુખાન હવે તેની સામે આવી ઉભો રહેશે. તેનું એકચક્રી શાસન ઉભુ થવા જઈ રહ્યું છે તેને પપ્પુખાન પડકારશે. પૈસા હતા, બુધ્ધી હતી પણ પપ્પુખાન સામે લડવાની તાકાત હજી લતીફ ( LATIF )પાસે આવી ન્હોતી. લતીફને એટલી તો ખબર હતી કે ગોળી ચલાવ્યા વગર પણ ખૌફ ઉભો થતો હોય તો તેવુ કરવામાં ખોટું કઈ નથી અને પોતાના નામનો ખૌફ ઉભો કરવા માટે તેને એક નામની જરૂર હતી, અને તે નામ પણ લતીફને પસંદ કરવાનું હતું, અને તે નામ હતું આલમઝેબ. અંડરવર્લ્ડ ( Underworld )ની દુનિયાનો એક નિયમ હોય છે. તેની અંદર દાખલ થવાનો કોઈ નિયમ નથી, પણ દાખલ થયા પછી તે ગેઈમ તમે અધુરી મુકી શકતા નથી. પૈસાદાર થવા માટેની રમત લતીફે શરૂ કરી દીધી હતી, પણ એ રસ્તો તેને ક્યા લઈ જશે તેની તેને જ ખબર ન્હોતી. લતીફે આલમ સાથે હાથ મીલાવ્યો તેની જાણ દાઉદ( Dawood )ને થઈ હતી. એક તરફ હવે નવાબખાન અને બીજી તરફ દાઉદ હતો. આ બધાની વચ્ચે લતીફે લીકર કિંગ બનવાનું હતું.
આલમઝેબ સાથે હાથ મીલાવ્યા પછી જે હાથમાં રૂપિયાની થોકડી રહેતી હતી તે હાથમાં હવે રીવોલ્વર પણ આવી ગઈ હતી. એક હાથમાં પૈસા અને બીજા હાથમાં હથિયારનો રોમાંચ કંઈક જુદો જ હોય છે. જે રોમાંચ લતીફ ( LATIF )ઉપર હાવી થઈ રહ્યો હતો. હજી અમદાવાદ પોલીસ(Ahmedabad Police) અંધારામાં હતી. એક સામાન્ય દારૂ વેચનાર ગેંગસ્ટર ( Gangster )થવા જઈ રહ્યો છે તે વાતથી અમદાવાદના મોટા પોલીસ અધિકારીઓ પણ સાવ અંધારામાં હતાં. બીજા દારૂવાળા કરતા લતીફ ( LATIF )ખુબ વધારે પૈસા આપી રહ્યો હતો અને પોલીસને તો તેના પૈસાથી નિસ્બત હતી. પણ પોલીસની પૈસાની લાલચ અમદાવાદ માટે એક મોટી ધાત ઉભી થઈ રહી હતી તેનો કોઈને અંદાજ ન હતો.
(ક્રમશ:)
PART – 2 | લતીફ પાસે બે ડોનનો વિકલ્પ હતો પણ હવે ડર નામનો શબ્દ તેના જીવનમા ન્હોતો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.








