Wednesday, December 11, 2024
HomeGujaratપાકિસ્તાનના લોકો શાકાહાર તરફ વળી રહ્યા છે..

પાકિસ્તાનના લોકો શાકાહાર તરફ વળી રહ્યા છે..

- Advertisement -

પાકિસ્તાનમાં લોકો શાકાહાર તરફ વળી રહ્યા છે. આ ખબરને ‘બીબીસી’એ પણ ન્યૂઝમાં સ્થાન આપ્યું. પાકિસ્તાન શાકાહાર તરફ વળે તેમાં જિજ્ઞાસાવશ સૌને રસ પડી રહ્યો છે તેનું એક કારણ પાકિસ્તાનની બહુલક પ્રજા માંસાહારી છે. જેમ ભારતને ‘વેજિટેરિયન કન્ટ્રી’ તરીકે ઓળખાય છે, તેમ પાકિસ્તાન ‘નોન-વેજિટેરિયન કન્ટ્રીઝ’માં સ્થાન પામે છે. હવે પહેલાં તો એ સમજી લઈએ કે આ રીતે ‘વેજિટેરિયન’ કે ‘નોન-વેજિટેરિયન’ ટેગ આપવાનો સિરસ્તો કેવી રીતે પડ્યો છે. એક તો સામાન્ય માહિતીના આધારે આ માન્યતા ઘડાય છે અને બીજું કે આ અંગે અવારનવાર સરવે થાય છે અને તેના ફાઇન્ડિંગ મુજબ પણ આ રીતે ટેગ અપાય છે. આપણા દેશની વાત કરીએ તો શાકાહારને પ્રાધાન્ય અપાયું છે. ટકાવારીની રીતે પણ જોઈએ તો ભારતમાં 38થી 45 ટકા લોકો શાકાહારી હોવાનું માનવામાં આવે છે. સંખ્યાની રીતે ચાળીસ કરોડની આસપાસ લોકો ભારતમાં શાકાહારી છે. એ પ્રમાણે જ્યારે માંસાહાર અંગે વાત થાય છે ત્યારે એશિયન દેશોમાં પાકિસ્તાનને બહુલક પ્રજાને માંસાહારી માની લેવામાં આવી છે. અહીં એટલું સ્પષ્ટ કરી લેવું જરૂરી છે કે આહારની પેટર્ન ઘડાય છે તેમાં અનેક પરિબળો ભાગ ભજવે છે, તેથી કોઈ પણ આહાર યોગ્ય-અયોગ્યમાં ચર્ચા પડવા જેવું નથી.


- Advertisement -

હવે પાકિસ્તાનના લોકો ખરેખર શાકાહાર તરફ વળી રહ્યા છે કે કેમ? અને વળી શાકાહારને પસંદ કરવાના તેમના કારણો શું છે? સામાન્ય રીતે કોઈ પણ કારણથી સમાજ તેની આહારની પેટર્ન બદલી કાઢતો નથી. બદલે છે તો પણ તે સમાજનો હિસ્સો નાનો હોય છે. પાકિસ્તાનના કિસ્સામાં આ હિસ્સો નાનો નથી અને તેથી તેના શાકાહાર તરફ વળવાને લઈને ન્યૂઝ બની રહ્યા છે. એક સરવેમાં તે સાબિત પણ થયું છે કે પાકિસ્તાનના લોકો શાકાહાર તરફ વળી રહ્યા છે. આ સરવે ‘ઇરોમોનિટર ઇન્ટરનેશનલ’ દ્વારા થયો છે. માર્કેટ રિસર્ચ કરતી આ કંપનીએ પાકિસ્તાનને વિશ્વના સૌથી ઝડપથી શાકાહારી બની રહેલા દેશોમાં બીજો ક્રમ આપ્યો છે. પ્રથમ ક્રમ નાઇજિરીયાનો છે. આ સરવેમાં પાકિસ્તાનમાં અંદાજે બાર લાખથી વધુ લોકો શાકાહાર તરફ વળ્યા છે.

પાકિસ્તાનના લોકો શાકાહારને જગ્યા આપી રહ્યા છે તે તો આંકડાથી સાબિત થાય છે, પરંતુ તેનું કારણ માંસ તરફનો અણગમો નથી. બદલાયેલી ભોજન પેટર્નનું સૌથી અગત્યનું કારણ મીટના વધી રહેલાં ભાવ છે. આ ઉપરાંત વધતી ગરીબી છે. આ બંને કારણોથી ત્યાંના લોકોને હવે મીટ પોતાના ભોજનમાં મર્યાદિત કરી રહ્યા છે. આની અસર માત્ર ઘરના ભોજન પર નથી પડી, બલકે અનેક રેસ્ટારાંએ પોતાના રેગ્યુલર ડીશમાં મીટની બાદબાકી કરી રહ્યા છે. ‘ડીડબલ્યુ’ ન્યૂઝ પોર્ટલ દ્વારા આ અંગે વિગતવાર અહેવાલ પ્રકાશિત કર્યો છે અને તે અહેવાલમાં ઇસ્લામાબાદમાં રેસ્ટોરાં ધરાવતા રાજા અયુબની મુલાકાત પણ છે. આ મુલાકાતમાં રાજા અયુબ પણ મીટ ડીશની ઘટી રહેલી ડિમાન્ડ બાબતે વધી રહેલાં ભાવનું જ કારણ આપે છે.

- Advertisement -

પાકિસ્તાનના લોકો ભારે મોંઘવારીનો સામનો કરી રહ્યા છે અને તેથી તેમણે પોતાના આહારની પેટર્ન બદલી છે તેવું પણ ‘ડિડબલ્યૂ’ના આ અહેવાલમાં જાણવા મળે છે. જેમ કે ઇસ્લામાબાદની એક ગૃહિણીએ કહ્યું કે અમે મીટની જે રીતે કિંમત વધી રહી છે તેનાથી ખૂબ નારાજ છીએ. આઠ સભ્યોનો પરિવાર ધરાવતી આ ગૃહિણીનું કહેવું છે કે અગાઉ અમે મહિનામાં પાંચ વાર મીટ ખરીદતા હતા, જે હવે મહિનામાં એક વાર થઈ ગયું છે. પાકિસ્તાની પોલટ્રી એશોસિએશનને પણ વધી રહેલી મોંઘવારીને જ ઘટી રહેલી ડિમાન્ડ બાબતની પુષ્ટિ આપી છે. પાકિસ્તાન પોલ્ટ્રી એશોસિએશનના ચેરમેન સલીમ અખ્તરે કહ્યું છે કે, છેલ્લા નવ મહિનાથી અમે ઓવરપ્રોડક્શનથી ચિંતિત છીએ, કારણ કે ડિમાન્ડ સતત ઘટી રહી છે.



માંસાહારથી શાકાહાર તરફ વળવાનું પાકિસ્તાનીઓનું બીજું એક કારણ છે કે તે સ્વાસ્થ પ્રત્યેની જાગ્રતતા. ‘બીબીસી’ના રિપોર્ટમાં જે દર્શાવાયું હતું તેમાં મુખ્ય કારણ આ દર્શાવાયું છે. ખાસ કરીને યુવાનો સ્વાસ્થ્ય પ્રત્યેની જાગ્રતતાને લઈને શાકાહાર તરફ વળી રહ્યા છે. અને ઘણા કિસ્સામાં તો યુવાનો શાકાહારથી આગળ વધીને ‘વેગન ફૂડ’ તરફ આકર્ષાઈ રહ્યા છે. ‘વેગન ફૂડ’ એટલે તે ‘સ્ટ્રીક્ટ વેજિટેરિયન’થી ઓળખાય છે અને તેને ‘મોરલ વેજિટેરિયન’ પણ કહેવાય છે. આ ફૂડમાં કોઈ પણ પ્રાણીની પ્રોડક્ટ આવતી નથી. ડેરી પ્રોડક્ટ પણ નહીં. પાકિસ્તાનમાં અનેક યુવાનો વેગન ફૂડ અપનાવી રહ્યા છે. પાકિસ્તાનની જાણીતી ન્યૂઝ વેબસાઈટ ‘ડૉન’ પર તે વિશેનો વિસ્તૃત અહેવાલ પ્રકાશિત થયો છે કે કેમ પાકિસ્તાનીઓ વેગન ફૂડ તરફ જઈ રહ્યા છે. તેના પણ અનેક કારણો છે પણ એક મુખ્ય કારણ પર્યાવરણ દર્શાવે છે. મીટ અને ડેરી ઇન્ડસ્ટ્રીઝ કાર્બન ફૂટપ્રિન્ટનો ખૂબ મોટો હિસ્સો ખર્ચી નાંખે છે અને તે કારણે યુવાનો તેનાથી અંતર કરી રહ્યા છે. આના પછીનું એક સ્વાભાવિક કારણ જે છે તે પ્રાણીઓ પ્રત્યેની અનુકંપા. મીટ અને ડેરી પોડક્ટ્સમાં પ્રાણીઓ પર ક્રૂરતા થાય છે અને તેને અનુલક્ષીને પણ અનેક યુવાનો વેગન ફૂડ તરફ વળ્યા છે. આ ઉપરાંત, યુવાનો આ બંને પ્રોડ્ક્ટસમાં સ્વાસ્થને લાભ કરતાં નુકસાન વધુ જુએ છે.

આ સિવાય અનેક પાકિસ્તાની આર્થિક સંકડામણમાં એવું અનુભવી શક્યા છે કે રોટી, સબ્જી, દાલ અનેક રીતે લાભકારી છે. તેનો સ્વાદ તો સારો જ છે પણ તે કિફાયતી પણ છે. અને જો તેની ડિમાન્ડ વધે છે તો પણ પર્યાવરણને તેનાથી નુકસાન થતું નથી. જોકે પાકિસ્તાનીઓ માટે શાકાહારી કિફાયતી હોવા છતાં તેના આધારે જીવવું તે પડકારભર્યું છે. આવું પાકિસ્તાનમાં જ નહીં ભારત જેવાં દેશમાં પણ થઈ શકે, કે શાકાહારી વિકલ્પ ઉપલબ્ધ જ ન હોય. ‘ઇઝ ઇટ ઇઝી બિઇંગ વેજિટેરિયન ઇન પાકિસ્તાન?’ એવાં અનેક અહેવાલ નેટ પર છે, જેમાં શાકાહારીઓ માટે અનેક વખતે કેવી મુશ્કેલી સર્જાય છે. જેમ કે, ‘પાકિસ્તાન ટુડે’ નામના ન્યૂઝ પોર્ટલ પર એક આર્ટિકલ ફરાઝ જલાટ નામના લેખકે લખ્યો છે. તેમાં તેઓ લખે છે કે જ્યારે તેઓ કોઈ રેસ્ટારાંમાં જાય છે ત્યારે ત્યાંના મેનુમાં મીટ સિવાયનું સલાડ મેળવવું મુશ્કેલ બને છે. એક દિવસ તો તેમણે જ્યારે રેસ્ટોરાંમાં એમ કહ્યું કે ‘મીટ વિનાનું સલાડ લઈને આવો’ તો વેઇટરે તેમને કહ્યું કે, ‘નોટ મિટ, જસ્ટ ચિકન?’ ફરાજ જેવાં અનુભવ કહેનારાં ઘણાં છે.



જોકે આંકડાની રીતે જોઈએ તો દર વર્ષે પાકિસ્તાનમાં વ્યક્તિદીઢ સરેરાશ ખપત સાડા બાર કિલોની આસપાસ છે. ભારતમાં આ ખપત સાડા ત્રણ કિલોની આસપાસ છે. અમેરિકામાં મીટ ખપતનો આ આંક સવાસો કિલોનો છે અને બ્રિટનમાં એંસી કિલોની આસપાસ છે. એ રીતે જોઈએ તો પાકિસ્તાનમાં સરેરાશ મીટનો આંકડો ખૂબ નીચો છે.

- Advertisement -

આહારની પેટર્ન એ સમાજ-સંસ્કૃતિનો હિસ્સો છે અને તે લાંબી પરંપરા સાથે જોડાયેલી છે. તેમાં બદલાવ સહજ રીતે નથી આવતો. પણ પાકિસ્તાની લોકો શાકાહાર તરફ વળ્યા છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular